અકસ્માત /
દર્દનાક અકસ્માત : કન્ટેનર સાથે ટક્કર બાદ કારમાં લાગી આગ, પાંચ લોકો ભડથું
Team VTV08:50 AM, 22 Dec 20
| Updated: 08:51 AM, 22 Dec 20
આજે વહેલી સવારે યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં કંટેનર અને કાર વચ્ચે ટક્કર થતાં કારમાં આગ લાગી જતા પાંચ લોકોના મોત થયા છે.
યમુના એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત
કંટેનર અને કાર વચ્ચે અકસ્માત
કારમાં સવાર તમામ લોકો જીવતા સળગી ગયા
આગ્રા યમુના એક્સપ્રેસ ગમખ્વાર અકસ્માત
યમુના એક્સપ્રેસ હાઈવે પર મંગળવારે સવારે કાર આગનો ગોળો બની ગઈ અને અંદર બેઠેલા લોકો ચીસો પાડતાં રહ્યા પણ આ ચિત્કાર સાંભળીને આસપાસના લોકો કંઈ મદદ કરી ન શક્યા. કારમાં આગ એટલી બધી ભડકી ગઈ હતી કે લોકો કશું ન કરી શક્યા. આસપાસનાં જેટલા લોકો હતા તે આ ચીસો સાંભળીને સ્તબ્ધ રહી ગયા હતા.
કારમાં સવાર 5 લોકો જીવતા સળગ્યા
મંગળવારે વહેલી સવારે એક્સપ્રેસ વે પર રોંગ સાઈડ આવી રહેલા એક ટેન્કરે કારને ટક્કર મારી હતી અને તે બાદ કારમાં આગ લાગી ગઈ, ઉત્તરપ્રદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર કારમાં પાંચ લોકો સવાર હતા અને તેમાં બાળકો પણ હતા. ટક્કર બાદ જોતજોતામાં કાર આગનો ગોળો બની ગઈ અને તે બાદ અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને બધા જીવતા જ ભડથું થઇ ગયા.
5 લોકોના મૃત્યુ
સ્થાનિક મીડિયા અહેવાલમા કહેવામાં આવ્યું છે કે પ્રત્યક્ષદર્શી લોકોનું કહેવું છે કે કાર ઓવરટેક કરવા જઈ રહી હતી અને જે ટ્રકે ટક્કર મારી તે રોંગ સાઈડ આવી રહ્યો હતો. આ દર્દનાક ઘટનામાં એક વ્યક્તિએ કહ્યું કે કારમાં આગ લાગ્યા બાદ તેમણે બાળકોને કાઢવા પ્રયત્ન કર્યો પણ કરી ન શક્યા કારણ કે કાર આગનો ગોળો બની ગઈ હતી. અંદર સવાર લોકો અમને બચાવો, અમને બચાવો એવી ચીસો પાડી રહ્યા હતા.