Team VTV06:17 PM, 21 Mar 23
| Updated: 12:16 AM, 22 Mar 23
શાહીબાગનો કાર્યક્રમ અધૂરો છોડીને હર્ષ સંઘવીએ સાબરમતી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે.
હર્ષ સંઘવીની અચાનક જ સાબરમતી જેલની મુલાકાત
અન્ય કાર્યક્રમ અધૂરો છોડીને જેલ પહોંચ્યા
કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ પણ સાબરમતી જેલમાં બંધ છે
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક જ સાબરમતી જેલની મુલાકાતે પહોંચ્યા છે. શાહીબાગનો કાર્યક્રમ અધૂરો છોડીને હર્ષ સંઘવીએ સાબરમતી જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું છે. હાલ તો પ્રાથમિક માહિતી અનુસાર હર્ષ સંઘવી જેલ પ્રશાસન સાથે અગત્યની બેઠક કરી જરૂરી દિશા-નિર્દેશ કરી શકે છે. પણ આ વાત એટલા માટે મહત્વની બની જાય છે કારણ કે કુખ્યાત ગેંગસ્ટર અતિક અહેમદ પણ સાબરમતી જેલમાં બંધ છે અને ઉમેશ પાલ હત્યાકાંડ બાદ સતત વિવાદોમાં ઘેરાયેલો છે.
અમદાવાદ ખાતે આવેલી સાબરમતી મધ્યસ્થ જેલની આજે સાંજે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આકસ્મિક મુલાકાત લીધી હતી. મંત્રીએ બે કલાકથી વધુ સમય મધ્યસ્થ જેલની અલગ અલગ બેરેક ઉપરાંત રસોઈ ઘર અને જેલની હોસ્પિટલ સહિત સમગ્ર જેલ વ્યવસ્થાઓ તથા કેદીઓને અપાતી સુવિધાઓનું પણ સ્વનિરીક્ષણ કર્યું હતું.
આઝાદીની ચળવળ દરમિયાન પહેલી જેલયાત્રા વખતે મહાત્મા ગાંધીજીને જ્યાં રાખવામાં આવ્યા હતા તે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે મંદિર સમાન એવા "મહાત્મા ગાંધી યાર્ડ" તેમજ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં બનાવાયેલા "સરદાર યાર્ડ"ની મંત્રીએ મુલાકાત લીધી હતી. જો સજા નહીં હોય તો ડર નહીં હોય, અને જો ડર નહીં હોય તો શિસ્ત પણ નહીં હોય અને જો શિસ્ત નહીં હોય તો આપણે સ્વસ્થ સમાજની કલ્પના કરી શકતા નથી. આથી, સજાની પ્રક્રિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ જેલ પ્રશાસનની પણ જવાબદારી છે કે જો કોઇ વ્યક્તિ સ્વભાવગત અને રીઢો ગુનેગારો ન હોય તો આવા તમામ કેદીઓને સમાજમાં ફરીથી સ્થાપિત થવાનું તેઓ માધ્યમ બને.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 21, 2023
બે કલાકથી વધુ સમય સુધી જેલની તમામ વ્યવસ્થાના કરાયેલા નિરીક્ષણ બાદ મંત્રીએ જેલના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. રીઢા ગુનેગારોને કટ્ટરવાદી માનસિકતામાંથી બહાર લાવવા અને સમાજના પ્રવાહમાં પુનઃ જોડવા માટે શું પગલાં લઈ શકાય તેના પર આ બેઠકમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી અને તે માટે જરૂરી તમામ પ્રયત્નો કરવા માટેની કાર્યયોજના તૈયાર કરવા મંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો. આ બેઠકમાં ગૃહ વિભાગના સચિવ નીપૂર્ણા તોરવણે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં મધ્યસ્થ જેલના ઉચ્ચ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓને ગૃહ રાજ્ય મંત્રીએ જરૂરી સૂચનો કર્યા હતાં.
ઉમેશ પાલની હત્યા..સાબરમતી જેલ અને અતિક અહેમદનું કનેક્શન
ઉમેશ પાલની હત્યાના આગળના દિવસે IPS સાથે ચીકન પાર્ટી કર્યાનો આક્ષેપ કરાયો હતો, ત્યારે સૂત્રો પાપ્ત વિગતો મુજબ જેલ તંત્રએ કરેલી તપાસમાં અતીક ઉમેશ પાલની હત્યાના આગળના દિવસે જેલની કોઠરીમાંથી બહાર ન નીકળ્યાનું ખુલ્યુ હતું. તેમજ અરજીમાં IPS સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા એ IPS પણ ઉમેશની હત્યાના આગળના દિવસે જેલમાં હાજર નહોતા. અરજી કરનાર પોલીસકર્મીને અગાઉ જેલની અંદરની ડ્યૂટીમાંથી બહાર કરાયો હોવાથી આક્ષેપ કર્યા હોવાની વાત ચર્ચાઈ હતી. આ ઘટનાના સપ્તાહમાં જ સાબરમતી જેલની ગૃહરાજ્યમંત્રીએ મુલાકાત લીધી છે.
કોણ છે અતીક અહમદ ?
ઘણા માફિયાઓની જેમ અતીક પણ ગુનાહિત દુનિયામાંથી રાજકારણમાં આવ્યો છે. અતીક અહમદનો જન્મ 10 ઓગસ્ટ 1962માં શ્રાવસ્તી જનપદમાં થયો હતો. અભ્યાસમાં તેને કોઈ ખાસ રસ નહોતો, તેથી તેણે હાઈસ્કૂલમાં નપાસ થયા પછી અભ્યાસ છોડી દીધો હતો. પૂર્વાંચલ અને અલાહાબાદમાં ખંડણી, અપહરણ જેવા ઘણા કેસમાં તેનું નામ આવ્યું હતું. આ સાથે 1979માં માત્ર 17 વર્ષની ઉંમરે અતીક અહમદ પર મર્ડરનો આરોપ લાગ્યો હતો. અત્યારે હાલ નાના-મોટા થઈને તેની સામે 196 ફરિયાદ કરવામાં આવી હતી. તેની સામે ઉત્તરપ્રદેશના લખનઉ, કૌશામ્બી, ચિત્રકૂટ, અલાહાબાદમાં જ નહીં, પરંતુ બિહારમાં પણ મર્ડર, અપહરણ, જબરદસ્તી વસૂલી જેવા કેસ નોંધાયેલા છે. તેની વિરુદ્ધમાં સૌથી વધુ અલાહાબાદમાં કેસ નોંધાયેલા છે. કાનપુરમાં પણ તેની સામે પાંચ કેસ નોંધાયેલા હતા, જેમાંથી તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે..
ક્યારે જોડાયો રાજકારણમાં ?
અતીક વર્ષ 1989માં પહેલીવાર અલાહાબાદ વિધાનસભા સીટથી ધારાસભ્ય બનેલો. તેણે 1991 અને 1993માં અપક્ષમાં રહીને ચૂંટણી લડી અને ધારાસભ્ય પણ બન્યો. 1996માં આ જ સીટ પર તેને સમાજવાદી પાર્ટીએ ટિકિટ આપી અને તે ફરી ધારાસભ્ય બન્યો. અતીક અહમદ 1999માં અપના દળ પાર્ટીમાં જોડાયો. તે પ્રતાપગઢથી ચૂંટણી લડ્યો અને હારી ગયો. તે 2002માં આ જ પાર્ટીમાંથી ફરી ધારાસભ્ય બન્યો. 2003માં જ્યારે યુપીમાં સરકાર બની ત્યારે અતીકે ફરી મુલાયમ સિંહનો હાથ પકડ્યો. 2004ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેને ફૂલપુર સંસદીય વિસ્તારમાંથી ટિકિટ આપી અને તે ત્યાંનો સાંસદ બન્યો. ઉત્તરપ્રદેશની સત્તા મે 2007માં માયાવતીના હાથમાં આવી ગઈ. તેના બધા નિર્ણયો ખોટા પડવા લાગ્યા. તેની સામે એક પછી એક કેસ નોંધાવા લાગ્યા હતા.
અતીક ચૂંટણી ફંડ કેવી રીતે માંગતો ?
અતીક અહમદે ચૂંટણી દરમિયાન ફંડ ક્યારેય ફોન કરીને કે કોઈને ડરાવીધમકાવીને નથી લીધું. પરંતુ શહેરના પોશ વિસ્તારમાં બેનર લગાવે છે અને એમાં લખ્યું હોય છે કે, તમારો પ્રતિનિધિ તમારી પાસેથી સહયોગની અપેક્ષા રાખે છે. મત આપો અને ગરીબને જિતાડો. બેનરમાં લખેલા શબ્દો વાંચીને લોકો અતિકના ઘરે ફંડ મોકલાવી દેતા.
અને રાજૂ પાલની હત્યા.....
અતીક અહમદ 2004માં વિધાનસભા ચૂંટણીમાં ફૂલપુરથી સપાની ટિકિટ પર સાંસદ બની ગયો હતો. એ સિવાય અલાહાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ હતી. આ સીટ પર પેટાચૂંટણીમાં સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી, પરંતુ બસપાએ તેની સામે રાજુ પાલને ઊભો કરી દીધો હતો. રાજુએ અશરફને હરાવી દીધો. પેટાચૂંટણીમાં જીત નોંધાવીને પહેલીવાર ધારાસભ્ય બનેલા રાજુ પાલની અમુક મહિનાઓ પછી 25 જાન્યુઆરી 2005માં ધોળા દિવસે ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ હત્યાકાંડમાં સીધી રીતે સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફને આરોપી બનાવવામાં આવ્યા હતા.
માયાવતીનો ડર એટલો કે છેક દિલ્હીમાં કર્યું હતું આત્મસમર્પણ
બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યામાં નામજોગ આરોપી થયા પછી પણ અતીક સાંસદ તરીકે કાર્યરત હતો. એને કારણે ચારેય બાજુ તેની ઘણી નિંદા થઈ હતી અને અંતે મુલાયમ સિંહે ડિસેમ્બર 2007માં બાહુબલી સાંસદ અતીક અહમદને પાર્ટીમાંથી બહાર કાઢી નાખ્યો હતો. અતીકે રાજુ પાલ હત્યાકાંડના સાક્ષીઓને ડરાવવા-ધમકાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મુલાયમ સિંહની સત્તા જવાના કારણે અને માયાવતીની સત્તા આવવાને કારણે તે સફળ ના થઈ શક્યો. ધરપકડના ડરને કારણે તે ભાગતોફરતો હતો. તેના ઘર, કાર્યાલય સહિત પાંચ જગ્યાની સંપત્તિ કોર્ટના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવી હતી. તેની ધરપકડ પર પોલીસે 20 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. સાંસદ અતીકની ધરપકડ માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ માયાવતીના ડરના કારણે તેણે દિલ્હીમાં આત્મસમર્પણ કરવાનું વિચાર્યું.
માયાવતીની સત્તા આવી અને અતીકનો ખેલ ખતમ
માયાવતી સત્તામાં આવતાં અતીકની હાલત ખરાબ થવા લાગી. તંત્ર દ્વારા તેની ખાસ અલીના સિટીને ગેરકાયદે જાહેર કરીને બાંધકામ તોડી પાડ્યું. ઓપરેશન અતીક અંતર્ગત જ 5 જુલાઈ 2007ના રોજ રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ફમેશ પાલે તેની સામે ધુમનગંજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને જબરદસ્તી નિવેદન અપાવવા મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી અન્ય ચાર સાક્ષી તરફથી પણ તેની સામે ફરિયાદ નોંધવવામાં આવી હતી. બે મહિનાની અંદર જ અતીક અહમદ સામે અલાહાબાદમાં 9 કૌશામ્બી અને ચિત્રકૂટમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુજરાતની સાબરમતી જેલમાં કેવી રીતે આવ્યો ?
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથે 19 માર્ચ 2017ના દિવસે શપથ લીધા હતા. તે બે વર્ષ સપામાં ધારાસભ્ય રહ્યો હતો. 26 ડિસેમ્બર 2018માં યુપીના મોટા વેપારી મોહિત જયસ્વાલનું અતિકના માણસોએ ધમકી આપી હતી અને તેનો બધો બિઝનેસ અતીક અહમદના નામે ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું. મોહિત જયસ્વાલે ડર્યા વગર અતીક સામે કેસ કર્યો. ત્યાર પછી તેને દેવરિયા જેલમાંથી બરેલી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. અંતે, આ કેસની સુનાવણી પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સુપ્રીમ કોર્ટે આ સુનાવણી સીબીઆઈને સોંપી દીધી અને અતીકને યુપીની બહાર અમદાવાદની સાબરમતી જેલમાં હાઈ સિક્યોરિટીમાં રાખવા માટેનો આદેશ આપ્યો હતો. એ સાથે જ દેવરિયા જેલના 5 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.