રાજ્યભરમાં મંદીની બુમરાણ છતાં જુદી વાસ્તવિકતા વચ્ચે અમદાવાદ સહિત રાજ્યની ર૮૭ સબરજિસ્ટ્રાર કચેરી ખાતે વર્ષ ર૦૧૮-૧૯માં ૧ર લાખથી વધુ મિલકતોના દસ્તાવેજોની નોંધણી થઈ છે. સ્ટેમ્પ ડ્યૂટી વધવાના ડરથી દસ્તાવેજોનાં કામ ઝડપથી પૂરાં કરી લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, તા.પ જૂન સુધીમાં સબરજિસ્ટ્રાર કચેરી દ્વારા સ્ટેમ્પ ડ્યૂટીના દરમાં ફેરફાર કરવા સહિત દસ્તાવેજોની કામગીરીનું સરળીકરણ તેમજ દસ્તાવેજોની નોંધણી માટે અરજદારો માટે નક્કર અને અમલમાં મૂકી શકાય તેવા સુધારાઓ અમલી બનાવવા માટે રાજ્યભરની સ્ટેમ્પ કચેરીમાં નિયત મુદત સુધીમાં સૂચનો મંગાવાયાં છે.
હવે સ્ટેમ્પ ડ્યૂટીમાં ફેરફાર નિશ્ચિત હોવાની ગંધના પગલે ફટાફટ આ વર્ષમાં દસ્તાવેજોની નોંધણી થઈ છે, જેનાથી સરકારને રૂ.૭૭૬૦ કરોડની આવક થઈ છે. આ અંગે સુપરિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ અને નોંધણી નિરીક્ષક દિનેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં રાજ્યમાં નોંધણી અધિનિયમ-૧૯૦૮, ગુજરાત નોંધણી નિયમ-૧૯૭૦ તથા તે હેઠળ રાજ્ય સરકાર અને આ કચેરી દ્વારા થયેલા ઠરાવ જાહેરનામાંઓ અને પરિપત્રની જોગવાઈ મુજબ દસ્તાવેજોની નોંધણી કરાવવામાં આવે છે ગરવી વેબસાઈટ http/garvi.gujarat.gov. પર સૂચનો કરી શકાશે તેમજ ઈ-મેઈલ દ્વારા [email protected] તેમજ વોટ્સએપ પર ૯૮૭૯પપ૧૭પ૧ પર સૂચનો મોકલી શકાશે.
રિજસ્ટ્રેશન અને સ્ટેમ્પ એક્ટ હેઠળના નિયમોની વિસંગતતા વિરોધાભાસી અસ્પષ્ટ જોગવાઈઓ અંગે સૂચનો મંગાવાયાં છે. હાલની દસ્તાવેજોની નોંધણી પ્રક્રિયા અને તેમાં ફેરફાર અંગે પણ સૂચનો મંગાવાયાં છે. સ્ટેમ્પ ડ્યૂટીના દર, સ્ટેમ્પ પેપરના વેચાણ, સ્ટેમ્પ રિફંડ પદ્ધતિ અંગે ઉપરાંત હાલની મિલકતોની બજાર કિંમત નક્કી કરવાની કાર્યપદ્ધતિ અને તેની અમલવારીમાં ફેરફારની જરૂરિયાત અંગે સૂચનો સરકારે મગાવ્યાં છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૧૭-૧૮માં પાંચ હજાર કરોડથી વધુ પ્રોપર્ટીનું વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. શહેરના શહેરી વિસ્તારની તુલનાએ બોપલ, ઘુમા, સાણંદ, સોલા, ગોતા ઉપરાંત નિકોલ-નરોડા વિસ્તારમાં દસ્તાવેજોની સંખ્યા નોંધપાત્ર રીતે વધી રહી છે.