બિલ્ડરોએ પોતાના હાઉસિંગ પ્રોજેક્ટ માટે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી કમ્પ્લિશન સર્ટિફિકેટ મેળવ્યું હશે તો તેમને પોતાના હોમ બાયર્સ પાસેથી ૧૨ ટકાના દરે જીએસટી વસૂલ કરવો પડશે.
હોમ બાયર્સને ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધીમાં કમ્પ્લિશન સર્ટિફિકેટ મળી ગયું હશે તો તેમને પ્રોજેક્ટમાં એપાર્ટમેન્ટના બેલેન્સ પેમેન્ટ પર ૧૨ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આમ, બિલ્ડરોએ પોતાના હાઉસિંગ પ્રોજેક્ટ માટે ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી કમ્પ્લિશન સર્ટિફિકેટ મેળવ્યું હશે તો તેમને પોતાના હોમ બાયર્સ પાસેથી ૧૨ ટકાના દરે જીએસટી વસૂલ કરવો પડશે.
ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચનના જવાબમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સીબીઆઇસીના જણાવ્યા અનુસાર બિલ્ડરો ચાલી રહેલા પ્રોજેક્ટ માટે જો સામાન્ય ઘરો માટે પાંચ ટકા અને સસ્તાં ઘરો માટે એક ટકાના દરે જીએસટી વસૂલતા હોય તો તેઓ ક્રેડિટ એડજસ્ટમેન્ટનો લાભ મેળવી શકશે નહીં. આમ, બિલ્ડર્સ ચાલુ પ્રોજેક્ટમાં એક્યુમ્યુલેટેડ ક્રેડિટ એડજસ્ટ કરી શકશે નહીં. સીબીઆઇસીએ ૧ એપ્રિલથી અમલી બનેલા નવા જીએસટી રેટને લઇને ગૂંચવાડો દૂર કરવાની કોશિશ કરી છે.
સીબીઆઇસીએ જણાવ્યું હતું કે માઇગ્રેશન જોગવાઇ હેઠળ ૧ એપ્રિલ, ૨૦૧૯થી બિલ્ડર્સને ઇનપુટ ટેક્સ ક્રેડિટ સુવિધાનો લાભ ઉઠાવ્યા વગર સસ્તાં મકાનો પર એક ટકા અને અન્ય કેટેગરીના હાઉસિંગ પ્રોજેક્ટ પર પાંચ ટકાના દરથી જીએસટી વસૂલવાની મંજૂરી આપવામાં આવી છે, જોકે આ માટે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળશે નહીં. નિર્માણાધીન હાઉસિંગ પ્રોજેક્ટ માટે બિલ્ડર્સને જૂની અને નવી જીએસટી વ્યવસ્થામાં પોતાની પસંદગી મુજબ વિકલ્પ આપવામાં આવ્યો છે, પરંતુ નવા પ્રોજેક્ટ માટે તેમને નવી વ્યવસ્થા અનુસાર જીએસટી વસૂલવો પડશે.
સીબીઆઇસીએ એ બાબત પણ સ્પષ્ટ કરી છે કે ૧ એપ્રિલ, ૨૦૧૯ પહેલાના હાઉસિંગ પ્રોજેક્ટ માટે જૂની અને નવી જીએસટી વ્યવસ્થામાં વિકલ્પ પસંદ કરવાનો અધિકાર લેન્ડ ઓનરનો નહીં પરંતુ ડેવલપર્સનો રહેશે.