Holi is not celebrated in more than 100 villages of Uttarakhand
Holi 2023 /
'રંગ પડ્યો તો ભગવાન નારાજ થઈ જશે...' ભારતના સેંકડો ગામડાઓમાં નથી ઉજવાતો રંગોનો ઉત્સવ, જાણો કારણ
Team VTV01:45 PM, 08 Mar 23
| Updated: 01:49 PM, 08 Mar 23
દેવભૂમિ ઉત્તરાખંડના 100થી વધારે ગામોમાં હોળીની ઉજવણી કરવામાં આવતી નથી. પિથોરાગઢ જિલ્લાના આ ગામોમાં આજે પણ હોળીના રંગોને અશુભ માનવામાં આવે છે. ગ્રામજનોનું માનવું છે કે હોળીની ઉજવણી કરવાથી ભગવાન નારાજ જઈ જશે.
ઉત્તરાખંડના 100થી વધુ ગામોમાં નથી ઉજવાતી હોળી
આ ગામોમાં હોળીના રંગોને માનવામાં આવે છે અશુભ
'રંગોનો ઉપયોગ કરીએ તો ભગવાન થઈ જાય છે નારાજ'
આજે દેશભરમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. લોકો એકબીજાને રંગોથી રંગીને હોળીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પરંતુ ઉત્તરાખંડના 100થી વધારે ગામોમાં આજે તહેવારના દિવસે પણ લોકો સામાન્ય દિવસોની જેમ રોજબરોજના કામમાં વ્યસ્ત છે. આપને જણાવી દઈએ કે, ઉત્તરાખંડના પિથોરાગઢના લગભગ 100થી વધારે એવા ગામો છે જ્યાં હોળી નથી ઉજવવામાં આવતી. લોકોનું માનવું છે કે, જો તેઓ પહાડો પર રંગોનો ઉપયોગ કરે છે તો ભગવાન નારાજ થાય છે.
લોકો હોળીના રંગને માને છે અશુભ
ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના ધારચુલા અને મુનશિયારીના આ ગામોમાં લોકો રંગોથી દૂર રહે છે. ધારચુલા અને મુનશિયારી વિસ્તારમાં આવતા 100થી વધુ ગામોમાં આજે પણ હોળી ઉજવવામાં આવી નથી. તહેવારના દિવસે પણ લોકો સામાન્ય દિવસોની જેમ પોત-પોતાના કામમાં વ્યસ્ત છે.
છિપલા કેદાર દેવ સાથે જોડાયેલી છે આસ્થા
ધારચુલાના બારામ ગામમાં રહેતા નરેન્દ્ર સિંહ જણાવે છે કે આ ગામોના લગભગ તમામ લોકો છિપલા કેદાર દેવની પૂજા કરે છે, જે ભગવાન શિવ અને ભગવતીનું જ એક સ્વરૂપ છે. આ પહાડી ગામોના રહેવાસીઓ પરિક્રમા કરે છે અને છિપલા કેદાર કુંડમાં પવિત્ર સ્નાન કરે છે, જેને ગુપ્ત કૈલાશના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સમગ્ર વિસ્તારમાં રહેતા ગ્રામજનોનું માનવું છે કે, રંગોથી તેમના દેવતાઓની ભૂમિ અપવિત્ર બનશે. ધારચુલાના અનવલ સમુદાય અને મુનશિયારીના જોહર વિસ્તારના બારપટિયા ગામમાં સ્થાયી થયેલા આદિવાસી સમુદાયો હજુ પણ હોળી વિશે પરંપરાગત માન્યતાઓ ધરાવે છે.
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ છે છિપલા કેદાર
પિથોરાગઢ જિલ્લાના 100થી વધુ ગામોમાં એવી માન્યતા છે. છિપલા કેદાર એક પ્રસિદ્ધ તીર્થ સ્થળ છે, જ્યાં દર 3 વર્ષ પછી શ્રદ્ધાળુઓ પહોંચે છે. 16 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલા ગુપ્ત કૈલાશ કૂંડને લઈને એવું માનવામાં આવે છે કે રંગોથી રમવાથી દેવતાઓ અપવિત્ર થઈ જશે.
'હોળી રમશો તો આફત આવશે, થઈ શકે છે મોત'
હરકોટ ગામના રહેવાસી ખુશાલ હરકોટિયા કહે છે કે, રંગોનો આ તહેવાર અશુભ માનવામાં આવે છે. ઘણા લોકોનું માનવું છે કે આ વિસ્તારોમાં હોળી રમવાનો પ્રયાસ કરનારાઓ પર કોઈને કોઈ આફત આવી જાય છે. ક્યાંક કોઈના પરિવારમાં મૃત્યુ થઈ શકે છે કે પછી પશુની ચોરી જેવી ઘટના બને છે. એક ગામવાસીએ કહ્યું, આ જગ્યા ભરાડી દેવીનું સ્થાન છે અને અહીં રંગો પર પ્રતિબંધ છે. અમારું માનવું છે કે હોળી સાથે દુર્ભાગ્ય જાગી જશે. તેથી જ અમે રંગોથી દૂર રહીએ છીએ.