દેશમાં ગૌહત્યા-ગૌતસ્કરીનાં ઓઠાં હેઠળ અમુક લોકો દ્વારા મુસ્લિમોની કનડગતનાં સમાચારોની હવે નવાઈ નથી રહી. અયોધ્યામાં રામમંદિર મામલો વર્ષો સુધી બંને કોમો વચ્ચે ધાર્મિક કટ્ટરતા પ્રવર્તતી રહી છે ત્યારે સમયાંતરે બનતી કેટલીક કોમી એખલાસની ઘટનાઓ દેશની એકતા અને અખંડિતતાનાં વાતાવરણને વધારે દૂષિત થતું અટકાવતી રહે છે. આવું જ એક ઉદાહરણ હાલમાં જ કચ્છનાં મુંદ્રાથી સામે આવ્યું છે.
જાવેદ તુર્ક અને તેમનાં દાદીને સ્વખર્ચે મક્કા-મદીનાની ઉમરાહ યાત્રા
જાવેદભાઈના ઘેર જમણવારનો યોજાયો હતો કાર્યક્રમ
મુંદ્રાનાં ગ્રામજનોએ વ્યક્તિદીઠ એક રૂપિયો શહીદોને દાન કર્યું હતું
મુંદ્રામાં સરપંચ ધર્મેન્દ્રભાઈ જેસરે પોતાને ત્યાં ૧૨ વર્ષથી ડ્રાઈવર રહેલાં બારોઈ ગામનાં જાવેદ તુર્ક અને તેમનાં દાદીને સ્વખર્ચે મક્કા-મદીનાની ઉમરાહ યાત્રાએ મોકલીને કોમી એખલાસનું અનોખું ઉદાહરણ પુરું પાડ્યું છે. જાવેદભાઈ અને તેમનાં દાદીની ઉમરાહ યાત્રાનો તમામ ખર્ચ ધર્મેન્દ્રભાઈ અને તેમનાં પરિવાર ઉઠાવ્યો હતો. વાત આટલેથી અટકતી નથી.
જાવેદભાઈના ઘેર જમણવારનો યોજાયો હતો કાર્યક્રમ
ઉમરાહ યાત્રાએ જતાં જાવેદભાઈનાં માનમાં ધર્મેન્દ્રભાઈએ જાવેદભાઈનાં ઘેર જમણવારનો કાર્યક્રમ રાખ્યો હતો અને તેનો ખર્ચ પણ પોતે ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં સમસ્ત બારોઈ ગામનાં હિંદુ-મુસ્લિમ સૌએ હોંશેહોંશે સમુહભોજન માણ્યું હતું. આ પ્રસંગે મજલિસ તથા ન્યાઝનો કાર્યક્રમ પણ યોજાયો હતો. અગાઉ ધર્મેન્દ્રભાઈ જેસર મુંદ્રાનાં સરપંચ બન્યાં બાદ દેશની સરહદે શહીદ થતાં જવાનોનાં પરિવારોને આર્થિક સહાયની પણ પહેલ કરી હતી, જેનો અહેવાલ અગાઉ સમભાવ ગ્રુપનાં સુપ્રસિદ્ધ મેગેઝિન ‘અભિયાન’માં વિગતવાર છપાયો હતો.
મુંદ્રાનાં ગ્રામજનોએ વ્યક્તિદીઠ એક રૂપિયો શહીદોને દાન કર્યું હતું
એક વર્ષ અગાઉ તેમણે રાજ્યમાં કોઈપણ જવાન શહીદ થાય તો તેનાં પરિવારને રૂ. ૨૧ હજારનો ચૅક મુંદ્રા ગ્રામ પંચાયત તરફથી અર્પણ કરવાનું નક્કી કર્યું હતું. આ માટે મુંદ્રાનાં ગ્રામજનોએ વ્યક્તિદીઠ એક રૂપિયો દાન કર્યું હતું. હાલ રામમંદિર મુદ્દે સુપ્રીમકોર્ટનાં ચૂકાદા બાદ બંને સમાજ વચ્ચે છમકલાં થવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આ ઘટનાએ
અંતરિયાળ કચ્છમાં કોમી એખલાસનું વાતાવરણ પેદા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.