Hidden resentment among policemen over police grade pay
રોષ /
પોલીસ ગ્રેડ પેને લઈને પોલીસ કર્મીઓએ સરકાર સામે બાંયો ચઢાવી, ઉપવાસ પર બેઠેલી મહિલા પોલીસ કર્મીની તબિયત લથડી
Team VTV10:34 AM, 28 Mar 22
| Updated: 10:36 AM, 28 Mar 22
પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલનના મામલે સરકાર સામે પોલીસકર્મીઓમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ ગ્રેડ પે લઈને આંદોલનનો મામલો
સરકાર સામે પોલીસકર્મીઓમાં છૂપો રોષ
ઉપવાસ પર બેઠેલ કર્મીની તબિયત લથડી
પોલીસ ગ્રેડ પેને લઇને આંદોલનનો મામલો
નેતાઓની ચોવીસ કલાક સુરક્ષા કરનારા પોલીસ કર્મીઓને સરકારે પોલીસના ગ્રેડ-પે ના આંદોલનનને વિખેરી નાંખવા માટે સમિતિની રચના કરી દીધી છે. પરંતુ સરકારે રચેલી સમિતિના રિપોર્ટમાં કોઈ નિષ્કર્ષ નીકળ્યો નથી. જેને લઈને સરકાર સામે પોલીસ કર્મીઓનમાં છૂપો રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ પોલીસના ગ્રેડ પે મામલે આમરણ ઉપવાસ પર બેઠેલા મહિલા કોન્સ્ટેબલ મિત્તલ મકવાણાની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
5 મહિના બાદ પણ કોઇ નિરાકરણ ના આવતા પોલીસકર્મીઓમાં રોષ
ખાદી ધારી નેતાઓને કદાચ સત્તાના નશામાં ચૂર થઈ ગયા બાદ એ ભાન નથી રહેતું કે આ એજ પોલીસ છે કે જેઓના લીધે તેમની તમામ રાજકીય ગતિવિધીઓ સમી સુથરી પાર પડે છે. આજ પોલીસ કર્મીઓના લીધે રાજકીય કાર્યક્રમો પાર પડે છે અને તેમની સુરક્ષા પણ આજ ખાખી ધારી પોલીસ કર્મીઓ કરતા હોય છે. તે છતાંય જ્યારે એક રાજ્યમાં પોલીસ કર્મીઓને પોતાના હક્કો મેળવવા માટે થઈને રોડ પર ઉતરી આવવું પડે અને આંદોલનો કરવા પડે તે ખૂબ શરમજનક બાબત ગણી શકાય. પરંતુ ભાજપ સરકાર કે જેમના માટે તમામ આંદોલનને કેવી રીતે વિખેરી નાંખવું અને કેવી પ્રકારે આંદોલનો ઉભા કરવા તેની માસ્ટરી છે. ત્યારે હવે સૌથી મોટો યક્ષ પ્રશ્ન હાલ એજ ઉપસ્થિત છે કે શું પોલીસ ગ્રેડ-પેના મુદ્દાઓનું નિરાકરણ આવશે ખરી.
શું છે આંદોલનકારી પોલીસકર્મીઓની માંગ?
રાજ્ય પોલીસ ગ્રેડ પે મામલે અગાઉ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે રાજયભરમાંથી પોલીસ પરિવારો દ્વારા બાળકો સાથે પહોંચી આંદોલન છેડાયુ હતું. જેમાં પંદર જેટલી માંગણીઓ પોલીસ પરિવારો દ્વારા કરવામાં આવી હતી. જે મુજબ ગુજરાત રાજયના એ.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલનાં ગ્રેડ પે ખૂબ જ ઓછા છે. ગુજરાત રાજયના પોલીસ કર્મચારીઓને મળતા વર્ષો જુના ભથ્થામાં તાત્કાલીક વધારો કરવો જોઈએ. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની ફરજનો સમય સુનિશ્ચિત કરવામાં આવે અને આઠ કલાકથી વધુ સમયથી વધારે નોકરી માં માનવ અધિકાર મુજબ યોગ્ય વળતર આપવામાં આવે તેમજ વિવિધ ઋતુ મુજબ સુરક્ષાના સાધનો પણ આપવા જોઈએ.