Sunday, August 18, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

શ્રીકાર / શ્રાવણે સર્જ્યો અષાઢી માહોલ, ક્યાંક કર્યા રાજી તો ક્યાંક સર્જી તારાજી

શ્રાવણે સર્જ્યો અષાઢી માહોલ, ક્યાંક કર્યા રાજી તો ક્યાંક સર્જી તારાજી

ચોમાસા વિશે સામાન્ય માન્યતા એવી હોય છે કે શ્રાવણ માસમાં ઝરમર વરસાદ વરસે છે અને અષાઢ -ભાદરવો ભરપૂર હોય છે. પરંતુ આ વખતના ચોમાસાને આ નિયમ લાગુ પડતા નથી. કેમ કે, અષાઢ માસ કોરો ગયો છે અને શ્રાવણ માસ ભરપૂર વરસ્યો છે.

નદી નાળા અને સરોવરો જ નહીં, રાજ્યની જીવાદોરી સમાન ડેમ પણ છલકાઈ ગયા છે. વરસાદની રાહ જોઈ રહેલા લોકો હવે કહી રહ્યા છે. મેઘો ખમૈયા કરે તો સારું. ત્યારે જોઈએ શ્રાવણમાં શ્રીકારનો આ અહેવાલ.  

રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે. જો કે આજે થોડો વિરામ લીધો છે. પરંતુ શ્રાવણ માસમાં મેઘાએ જે મંડાણ કર્યા છે તેના કારણે એક નવી આગાહી ફરી પાછી જલદી આવે તો નવાઈ નહીં. સામાન્ય રીતે અષાઢ માસમાં જોવા મળતા દ્રશ્યો શ્રાવણમાં જોવા મળ્યા છે. રાજ્યમાં શ્રાવણે સર્જેલા અષાઢી માહોલની વિસ્તાર પ્રમાણે વાત કરીએ તો વરસાદના અનેક  રંગો જોવા મળ્યા છે.  

મહેસાણા

મહેસાણામાં વરસાદના કારણે બહુચરાજીની ખારી નદીમાં નવા નીર આવ્યા છે. કરણસાગર ગામ તરફ જતો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે. ખારી નદીના સામાકાંઠાનું કરણસાગર ગામ સંપર્કવિહોણું બની ગયું છે. નદીમાં નવા નીર આવતા બાળકો નદીમાં ડૂબકી મારી આનંદ લઈ રહ્યા છે.  
 
પોરબંદર
 
તો આ તરફ પોરબંદરમાં ભારે વરસાદ થતા બરડા ડુંગર પર સૌંદર્યં ખિલી ઊઠયું છે. બરડા ડુંગર પર રમણીય દ્રશ્યો સર્જાયા છે.. ઘુમલી પાસે ઝરણું વહેતાં પ્રવાસીઓમાં આકર્ષણ જામ્યું છે. . ડુંગરપરથી પડતા ધોધથી આહલાક દ્રશ્યો સર્જાયા હતા.
 
દાહોદ 
 

આ તરફ વરસાદના કારણે દાહોદમાં કુદરતી સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદના પદલે નવા ધોધ વહેતા થયા છે. દાહોદના વસહતી ગામમાં ધોધનું સૌદર્ય જોવા મળી રહ્યું છે. ડુંગર પરથી વહેતા  ધોધનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે.  

માણાવદર 
 
આ તરફ જૂનાગઢના માણવદરમાં ભારે વરસાદ થતા મટીયાણા ગામ બેટમાં ફેરવાયું છે. ભારે વરસાદ થતા ઓઝત નદીમાં પાણીની આવક થઈ છે. પરંતુ નદીનું પાણી ગામમાં ઘુસ્યું છે. નદીનું પાણી સ્કૂલમાં ઘુસતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર થી છે. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહાર પર પણ અસર થઈ છે. 

ગીર 
 
આ તરફ ગીરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા ગીરમાં રમણીય દ્રશ્યો સર્જાયા છે. એક તરફ  નદી નાળા છલકાયા છે. તો બીજી તરફ ગીર વિસ્તારમાં લીલી ચાદર છવાઈ ગઈ  છે.. જામવાળામાં આવેલ જમજીર ધોધને નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટી પડયા છે.  

કચ્છ 


 

આ તરફ કચ્છમાં પણ વરસાદના કારણે ધોધ વહેતા થયા છે. નખત્રાણાનો રમણીય પાલરધુનો ધોધ શરૂ થયો છે. છેલ્લા 36 કલાકમાં પડેલા 14 ઇંચ વરસાદથી બાદ ધોધ વહેતા થયો છે. લોકો કુદરતી નજારો માણવા ઉમટી રહ્યા છે.   

જૂનાગઢ 
 
તો આ  તરફ મેઘરાજાની સવારીથી જૂનાગઢમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વર્ષાઋતુમાં જૂનાગઢમાં ગીરનારનો રમણીય નજારો આહલાદક અનુભૂતિ કરાવે છે. ગીરનારની પર્વતમાળાએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  
 
ધોળકા 
 
તો વરસાદના કારણે મધ્યગુજરાતની સ્થિતિ બેહાલ થઈ છે. ધોળકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઇ ગયા છે. ભારે વરસાદના કારણે ધોળકામાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે કપાસનો પાક નિષ્ફળ થઇ ગયો છે. આબરેલી, નેસડા, સિમેજ અને વટમણમાં કપાસના પાકને નુકસાન થયું છે.  

ધંધુકા-બાજરડા  

તો આ તરફ ધંધુકાના  બાજરડા ગામમાં  પણ પરિસ્થિતિ વણસી ગઈ છે.  બાજરડા ગામમાં ચતુરી નદી પર પુલ ન હોવાના કારણે ગ્રામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  લોકો પાણી વચ્ચેથી પસારથઈને અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. તો બીજી તરફ બીમાર વ્યક્તિને પણ ટ્રેક્ટર મારફતે નદી પાર કરાવવી પડી છે. લોકોની વર્ષોથી માગ છે કે ચતુરી નદી પર પુલ બનાવવામાં આવે. 

જામનગર-જોડિયા

તો આ તરફ જામનગરના જોડીયા તાલુકામાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. મોરાણા ગામે ખેતરોમાં પાણી  ભરાઇ ગયાં છે. આજી 4 ઙેમના પાટીયા એકસાથે ખોલવામાં આવતાં ગામમાં પાણી ફરી વળયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુંકશાન થયું છે. 

મહિસાગર 

તો આ તરફ મહીસાગર સહિત 9 જિલ્લા માટે ખુશીના સમાચાર છે.કડાણા ડેમમાં સપાટી રુલ લેવલે પહોંચી જતા સુજલામ સુફલામ કેનાલમાં છોડવામાં આવ્યુ છે.  કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ કેનાલમાં 800 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. જેના કારણે મહીસાગર સહિત 9 જિલ્લાના તળાવોમાં પાણી ભરાશે.  

 ધોલેરા
 
તો આ તરફ અમદાવાદ જિલ્લાના છેવાડાના  ધોલેરા પર જાણે આસમાની આફત વરસી છે. જેણે  ધોલેરાને સંપર્ક વિહોણું બનાવી દીધું છે. ધોલેરાથી 5 કિલોમીટર સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. કારણ કે, વરસાદી પાણી પુરની જેમ વહી રહ્યા છે.  પુરના પાણીમાં અનેક લોકો અટવાઈ પડ્યા છે. 

વડોદરા 

આ તરફ વડોદરામાં બેદરકાર તંત્રની પોલ ખોલતી વધુ એક ઘટના સામે આવી છે.  ભારે વરસાદના પગલે છેલ્લા બે દિવસથી વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર વહી રહી છે.  જેના કારણે નિચાણવાળા વિસ્તાર એવા કમાટીબાગ વિસ્તારમાં પુરના પાણી ઘુસી ગયા છે. પરંતુ લોકો પોતાની ઘર વખરી મુકી કેવી રીતે પાણીમાંથી જાય તે મોટો પ્રશ્ન બન્યો છે. આ વિસ્તારના લોકોએ આખી રાત તો પાણીમાં વિતાવી છે.  તેમ છતાં તંત્રનો એકપણ અધિકારી તેમની મદદે ન પહોંચ્યો જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વીટીવી સાથે વાત કરતા લોકોએ પોતાની વ્યથા ઠાલવી  હતી.. 

શ્રાવણમાં ભરપૂર વરસેલા વરસાદે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં લોકોને રાજી કર્યા છે તો ક્યાંક તારાજી પણ સર્જી છે. જોકે રાજ્યમાં છેલ્લાં ત્રણ દિવસથી સરેરાશ પાંચ  ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. હવે લોકો કહી  રહ્યા છે. મેઘા હવે ખમૈયા કરો તો સારું.  
 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ