Hatkeshwar temple priest fall into cave in Ahmedabad
પોલંપોલ /
રોડ બાદ હવે મંદિરમાં પણ ભૂવા!, આસ્થાનાં કેન્દ્રમાં પૂજા કરતા પૂજારી ખાબક્યાં
Team VTV08:51 PM, 29 May 19
| Updated: 10:27 PM, 29 May 19
હજુ ચોમાસાની શરૂઆતને વાર છે પરંતુ શહેરમાં તે પહેલાં જ ભૂવા પડવાનું શરૂ થઈ ગયું છે. અહીં સ્થિતિ જ દર્શાવી રહી છે કે શહેર કેવી તકલાદી જમીન પર ઊભું છે અમદાવાદમાં હાટકેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાનાં મંદિરમાં ભર ઊનાળે ભૂવો પડ્યો ત્યારે એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારનાં ભૂવાથી નથી તો લોકો બચી શકે તેમ કે નથી ભગવાન બચી શકે તેમ. ત્યારે માર્ગ મૂકીને હવે મંદિરમાં પડેલા ભૂવાનો આ અહેવાલ.
ભગવાન કે દેવી- દેવતાઓનાં મંદિરો પર આપણી આસ્થા ટકેલી હોય છે અને આ મંદિરો જ આપણી આસ્થાને મજબૂત બનાવતા હોય છે એટલું જ નહીં. આપણા પગ નીચેથી ધરતી સરકી જાય છે ત્યારે મંદિર તરફ આપણા કદમ ઉપડે છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે આ મંદિર નીચેથી પણ ક્યારેય ધરતી સરકી શકે છે. અમદાવાદનાં હાટકેશ્વર સ્થિત શીતળા માતાનું મંદિર ભાઈપુરા વોર્ડનાં મોડલરોડ રિંગ રોડ પર આવેલું આ શીતળા માતાનું મંદિર તામિલ સંપ્રદાયનું મંદિર છે.
તમારી શ્રદ્ધા ભલે મજબૂત હોય પરંતુ આ મંદિર નીચેની ધરતી આ મંદિરને ગમે ત્યારે હલબલાવી મૂકે તેમ છે અને તેનું જ પ્રમાણ આજે જોવા મળ્યું છે. આ મંદિરનાં સંકુલમાં જ એક વિશાળ ભૂવો પડી ગયો. 15 ફૂટ પહોળા પડેલા આ ભૂવામાં તે વખતે મંદિરનાં પૂજારી પણ પડી ગયા હતાં. જેમને નાની મોટી ઈજા થતાં સારવાર લેવી પડી હતી.
આ મોડેલ માર્ગ પર એક માસ ઉપરાંતથી મોટી ગટર લાઈનનું ડિસિશલ્ટિંગનું કામ હેવી મશીનરીથી ચાલી રહ્યું હતું. મંદિર સંકુલની પાસે જ ગત ચોમાસામાં ત્યાર બાદ બે માસ પહેલા પણ મંદિરને અડીને એક મોટો ભુવો પડી ચૂક્યો હતો. તેમ છતાં તંત્રએ તેનું સમારકામ લાંબાગાળા બાદ હાથ ધર્યું હતું. તે વખતે તંત્રએ માટીનું પુરાણ કર્યું હતું ત્યારે આજે આજ મોડેલ રોડ પર શીતળા માતાજીનાં મંદિર સકુંલમાં ભુવા પડતા મંદિરનાં ગુંબજ તેમજ મંદિરમાં મોટી તિરાડો પડી ગઇ છે. મંદિર સંકુલમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા ડરી રહ્યાં છે.
ચોમાસામાં રોડ પર ભૂવા પડવા તે અમદાવાદની તાસીર છે પરંતુ ભર ઊનાળે રહેણાંક વિસ્તાર અને ખુદ આસ્થાનાં કેન્દ્ર જેવા મંદિરો નીચેથી ધરતી ખસી જાય ત્યારે લોકોમાં અસુરક્ષાની ભાવના ઘર કરી જાય છે સવાલ એ થાય છે કે શું મજબૂત મેગા સીટીનું નિર્માણ આવી તકલાદી જમીન પર થવા જઈ રહ્યું છે.