Harmony is not real in gujarat when mentality will be changed
ક્યાં સુધી? /
શું સમાધાનથી બદલાશે માનસિકતા? એક તરફ સમરસતાનાં દાવા ને બીજી બાજુ અત્યાચાર
Team VTV08:44 PM, 14 May 19
| Updated: 09:39 PM, 14 May 19
રાજ્યમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. દરેક સમાજનાં લોકો પોતપોતાની પરંપરા અને રિવાજ પ્રમાણે લગ્નપ્રસંગ પાર પાડી રહ્યાં છે. જો કે સામાજિક રિવાજ જુદી વાત છે અને પોતાની સગવડ અને મોભા પ્રમાણે પ્રસંગને ઝાકમઝોળ ભર્યો બનાવવો તે જુદી વાત છે. પરંતુ આજે પણ કેટલાક સમાજનાં લોકો ઘોડે ચડવા અને ગામમાં ચોક્કસ રસ્તેથી વરઘોડો કાઢવાને પોતાનો અને માત્ર પોતાનો જ હક સમજી રહ્યાં છે અને અને આ જ કારણે તેઓ દલિત સમાજને અમુક અધિકારો ભોગવવા દેવા માગતા નથી.
રાજ્યમાં ચૂંટણીનાં સમયે જે સામાજિક સમરસતા જળવાઈ હતી તેની પોકળતા લગ્નગાળામાં છતી થઈ ગઈ છે. રાજ્યમાં લગ્નની મોસમમાં માત્ર એક સપ્તાહ જેટલા ટૂંકાગાળામાં જ દલિત અત્યાચારની ઉપરાછાપરી બે ઘટના પ્રકાશમાં આવી ગઈ. જેણે ગુજરાતનાં સામાજિક સમરસતાના દાવાની પોકળતા ઉઘાડી પાડી દીધી. જો કે, સરકારનાં કેટલાંક પ્રતિનિધિઓએ અને પોલીસે પરિસ્થિતિ વણસતી અટકાવવા માટે ગામની મુલાકાત કરી અને ઉપરછલ્લું સમાધાન કરી આપીને સબસલામત હોવાનું માની લીધું. પરંતુ હવે ધીરે-ધીરે દલિત સમાજનો આંતરિક અસંતોષ બહાર આવી રહ્યો હોય તેમ નવેસરથી ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
રાજ્યમાં હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. દરેક સમાજનાં લોકો પોતપોતાની પરંપરા અને રિવાજ પ્રમાણે લગ્નપ્રસંગ પાર પાડી રહ્યાં છે. જો કે સામાજિક રિવાજ જુદી વાત છે અને પોતાની સગવડ અને મોભા પ્રમાણે પ્રસંગને ઝાકમઝોળ ભર્યો બનાવવો તે જુદી વાત છે. પરંતુ આજે પણ કેટલાક સમાજનાં લોકો ઘોડે ચડવા અને ગામમાં ચોક્કસ રસ્તેથી વરઘોડો કાઢવાને પોતાનો અને માત્ર પોતાનો જ હક સમજી રહ્યાં છે અને અને આ જ કારણે તેઓ દલિત સમાજને અમુક અધિકારો ભોગવવા દેવા માગતા નથી.
છેલ્લાં એક સપ્તાહમાં લગ્નની સિઝનમાં જ રાજ્યમાં મહેસાણાનાં લ્હોર ગામે અને અરવલ્લીનાં ખંભીસર ગામે દલિતોનાં સામાજિક પ્રસંગ પર જે રીતે અંકુશ મુકવામાં આવ્યો તેણે માનવાધિકારનું તો હનન કર્યુ જ છે ને સાથે-સાથે રવિશંકર મહારાજ અને ગાંધીનાં ગુજરાતને નીચાજોણું પણ કર્યું છે. જો કે, અરવલ્લીનાં ખંભીસર ગામે દલિતોએ પોલીસ રક્ષણ નીચે અને સરકારની વિનંતીને માન આપી જેમ તેમ પોતાનો પ્રસંગ તો આટોપી લીધો પરંતુ હક છીનવાયાનો અને પ્રસંગ બગડ્યાંનો ડંખ મનમાં રહી ગયો છે.
એટલે જ તો લગ્નપ્રસંગ પત્યા બાદ ખંભીસર ગામનાં દલિત પરિવારજનો મોડાસા ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં. કેમ કે, ઘરમાં મંગળપ્રસંગે જ વરરાજાનાં કાકાને ગામનાં સવર્ણોએ માર માર્યો તે ડંખ તેમનાં મનમાંથી ભૂંસાયો નથી. વરરાજાનાં પરિવારજનોએ ગામનાં 40 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
એક તરફ રાજ્યમાં સમરસતાનાં દાવા કરાઈ રહ્યાં છે તો બીજી તરફ દર મહિને રાજ્યનાં કોઈને કોઈ ખૂણેથી દલિતો પર માત્ર જાતિને કારણે અત્યાચાર થઈ રહ્યાં હોવાંની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. વાત માત્ર વરઘોડો કાઢતા અટકાવવાની નથી. પરંતુ મંદિર પ્રવેશની વાત હોય કે નામની પાછળ સિંહ લખાવવાની વાત હોય કે પછી મોજડી જેવાં પહેરવેશની વાત હોય કે પછી કાયદેસર મળેળી ખેતીની જમીનનાં ભોગવટાની વાત હોય.
દરેક બાબતમાં દલિતોને અટકાવવામાં આવે છે અને પ્રતિકાર કરે તો હુમલો કરાવમાં આવે છે. આમ દલિતો પર એક યા બીજા કારણોસર અત્યાચાર થઇ રહ્યાં હોવાનાં કેસ પોલીસ ચોપડે નોંધાયાં છે. દલિતો પર છેલ્લાં ત્રીસ વર્ષ દરમિયાન થયેલાં અત્યાચારનાં આકડાં જોઇએ તો ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 21 દલિતોની હત્યા થઈ છે, 33 મહિલાઓ પર બળાત્કારનાં ગુના નોંધાય છે અને 68 ગંભીર પ્રકારની ઇજા પહોંચાડવાનાં ગુના બન્યાં છે.
જ્યારે 1200થી વધુ દલિત પરિવાર પર અત્યાચારનાં ગુના નોંધાતાં હોવાની હકીકતો પ્રકાશમાં આવી છે. દલિતો પર વધી રહેલાં અત્યાચારને લઇ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જિજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. મેવાણીએ કહ્યું કે, ગુજરાતમાં આટલી ઘટનાઓ બને છે છતાં સીએમ રૂપાણીએ સંવેદના દાખવતા બે શબ્દો પણ ઉચ્ચાર્યા નથી.
અનુસૂચિત જાતિ અને જનજાતિ પરનાં અત્યાચાર નિયમો હેઠળ વર્ષમાં બે વખત મુખ્યમંત્રીનાં અધ્યક્ષ સ્થાને રાજ્ય સ્તરની તકેદારી અને મોનીટરીંગ સમિતિની બેઠક યોજવાની હોય છે. પરંતુ ગુજરાતમાં છેલ્લાં 15 વર્ષમાં માત્ર 8 જ મીટીંગો યોજાઇ છે. રાજ્ય સરકારની આ નરમ નીતિનાં કારણે જ રાજ્યમાં દલિત વિરોધી માનસિકતા મજબૂત જડ જમાવી રહી છે. ત્યારે સરકારે હવે એ સમજી લેવું જોઈએ કે કોઈ પક્ષને શરમાવીને કરેલા સમાધાનથી દલિત વિરોધી માનસિકતા બદલી શકતી નથી. આ પ્રકારની માનસિકતાને જડમૂળમાંથી કાઢવા કાયદાનાં કડક ઓજારોની જરૂર પડવાની જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી.