Wednesday, August 21, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

અનામત / હાર્દિક અને નરેશ પટેલનું આંદોલનને લઈને ચોંકાવનારું નિવેદન, ગીતા પટેલ અસહમત

હાર્દિક અને નરેશ પટેલનું આંદોલનને લઈને ચોંકાવનારું નિવેદન, ગીતા પટેલ અસહમત

પાસનાં નેતા અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે ખોડલધામ ટ્રસ્ટ અને ઉમિયાધામ ટ્રસ્ટે સાથે મળીને બેઠક યોજી હતી. આ બેઠકમાં અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે કમિટીની રચના કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ સહુ કોઈનાં આશ્ચર્ય વચ્ચે હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેણે સહુને ચોંકાવી દીધાં છે. આ બન્ને રાજકીય અને બીન રાજકીય નેતાઓએ કહ્યું કે હવે પાટીદાર આંદોલનનું કોઈ પણ અસ્તિત્વ રહ્યું નથી.

રાજ્યમાં ચૂંટણી સમાપ્ત થઈ ગયાં બાદ હાર્દિક પટેલને હવે થોડી ફુરસદ મળી છે. તો આ તરફ ખોડલધામનાં નરેશ પટેલ પણ કોઇ જ દબાણ વગર સમાજની મીટિંગોમાં મુક્ત મને મહાલી રહ્યાં છે. હવે પાટીદાર સમાજનાં મોભીઓને અને અગ્રણી કાર્યકરોને પાટીદારોનાં પ્રશ્નો ફરી વાર યાદ આવવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો કે, આ વખતે જલ્દી સવાલોનાં શામક જવાબો શોધવાની કવાયત હાથ ધરાશે તેવાં સંકેત દેખાઈ રહ્યાં છે. રાજકોટ ખાતે નરેશ પટેલની હાજરીમાં પાટીદાર સમાજની એક બેઠક યોજાઈ હતી.

ચૂંટણી બાદ રાજ્યમાં કોઈ સમાજની આ કદાચ પહેલી બેઠક હશે. આ બેઠકમાં કોંગ્રેસનાં નેતા હાર્દિક પટેલ, ગીતાબેન પટેલ, પૂર્વ પાસ અગ્રણી દિનેશ બાંભણીયા અને મનોજ પનારા હાજર રહ્યાં હતાં. બેઠકમાં પાસ કન્વીનર અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે મંત્રણા કરવામાં આવી. આ બેઠકમાં એવો નિર્ણય પણ લેવાયો કે અલ્પેશ કથિરિયાની જેલમુક્તિ માટે એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટીમાં ખોડલધામમાંથી 2, ઉમિયાધામમાંથી 2 અને પાસમાંથી 2 સભ્યો પ્રતિનિધિત્વ કરશે. આ કમિટી સરકાર સાથે સંપર્કમાં રહી જેલમાં બંધ પાટીદારોની મુક્તિ માટે પ્રયાસ કરશે. મીંટીગમાં થયેલી આ વાતને પાસ નેતાઓએ વધાવી લીધી હતી.

રાજકોટ ખાતે મળેલી પાટીદાર અગ્રણીઓની બેઠકમાં માત્ર એક કમિટી બનાવવાનાં નિર્ણય પૂરતી જ વાત રહી ન હતી. પરંતુ આ બેઠકમાં હાર્દિક પટેલ અને ખોડલ ધામનાં નરેશ પટેલે જે નિવેદન આપ્યાં તેનાં અનેક સૂચિતાર્થો છે. આ બેઠકમાં હાર્દિક પટેલે અને નરેશ પટેલે એક સરખું જ નિવેદન આપીને સહુને ચોંકાવી દીધાં છે. હાર્દિક પટેલ અને નરેશ પટેલ દ્વારા નિવેદન આપાવામાં આવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં 10 ટકા ઇબીસી આપી દેવામાં આવતા આ પાટીદાર અનામત આંદોલનનું કોઇ પણ અસ્તિત્વ રહ્યું નથી.

જો કે, આ નિવેદનને હજુ જેનાં જખમ રુઝાયાં નથી એ પાટીદારો કઈ રીતે લઈ રહ્યાં છે તે જાણવાનો વિષય છે. શું આંદોલનનાં સહારે નેતા બની ગયેલા માત્ર હાર્દિક પટેલનાં કહેવાથી શું પાટીદાર સમાજ માની જશે? હાર્દિકે પાટીદાર સમાજ અને સમાજનાં મોવડીઓને વિશ્વાસમાં લઈને આ નિવેદન આપ્યું છે કે, આ માત્ર પોતાનું મંતવ્ય છે તેનાં જવાબ કદાચ બાદમાં મળશે. જો કે આ બધાં વચ્ચે પાસ કન્વીનર ગીતા પટેલનું મંતવ્ય થોડું જુદું પડે છે. તેમની વાત પરથી લાગે છે કે તેઓ હજુ આંદોલનની જરૂરિયાતને સાવ નકારતા નથી.

રાજકોટ ખાતે મળેલી આ મીટિંગનો એજન્ડા ભલે માત્ર પાટીદાર કાર્યકરોની મુક્તિનો હોય. પરંતુ સમાજનાં રાજકીય અને બિનરાજકીય નેતાઓનું આ રીતે ચૂંટણી બાદ મળવું કોઈ મોટા સંકેત તો આપી જ રહ્યું છે. પાટીદાર અગ્રણીઓ ભલે કહી રહ્યાં હોય કે આંદોલનની હવે કોઈ જરૂરિયાત નથી. પરંતુ આ નિવેદનો સાથે કેટલાં પાટીદારો સંમત થશે તે શંકાનો વિષય છે. કેમ કે કોઈ ખોંખારીને કહી શકે તેમ નથી કે પાટીદાર આંદોલનનું વિસર્જન થઈ ગયું છે. કેમ કે, સમાજ વ્યક્તિઓનો બનેલો હોય છે અને વ્યક્તિ અનેક લાગણીઓનો બનેલો હોય છે.

 

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ