વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં પુસ્તક ખરીદીમાં કૌભાંડની ફરિયાદ ઉઠતાં હડકંપ મચી જવા પામ્યો છે. ફરિયાદના આક્ષેપો થતાં વાઇસ ચાન્સેલરએ તપાસ માટે કમિટીની રચના કરી તપાસ શરૂ કરાવી છે. જેને પગલે આ મુદ્દો વડોદરા પંથકમાં ગાજી રહ્યો છે.
ઓછા ડિસ્કાઉન્ટથી પુસ્તક ખરીદી બતાવી કૌભાંડની રાવ
એમ. એસ. યુનિવર્સિટીમાં એશિયાની સૌથી મોટી હંસા મહેતા લાઇબ્રેરી આવેલી છે. જેમાં દર વર્ષે 4 થી 5 કરોડની પુસ્તકની ખરીદી થાય છે. જે પુસ્તકોની ખરીદીમાં કૌભાંડના આક્ષેપ વિવિધ ફેકલ્ટીના શિક્ષકો, વિભાગના હેડ અને ડીન દ્વારા સિન્ડિકેટ સભ્યો સમક્ષ કરવામાં આવ્યા આવતા સવાલો ઉભા થયા છે. જેમાં લાઈબ્રેરીયન દ્વારા બિનજરૂરી પુસ્તકો ખરીદવામાં આવ્યા તેમજ પુસ્તક ખરીદીમાં 50 થી 70 ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે, છતાં ઓછા ડિસ્કાઉન્ટથી પુસ્તક ખરીદી બતાવી કૌભાંડ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સિન્ડિકેટ સભ્યોએ વાઇસ ચાન્સેલરને તપાસ કરાવવા રજૂઆત કરી હતી.
તપાસ બાદ રિપોર્ટ આગામી સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવા આદેશ
ફરિયાદને પગલે રેલો આવતા વાઇસ ચાન્સેલર પ્રો. વિજયકુમાર શ્રીવાસ્તવે કૌભાંડના આક્ષેપના તપાસ માટે એક કમિટીની રચના કરી છે. જેમાં ફોરેન્સિક ઓડિટ એક્સપર્ટની પણ નિમણુક કરી છે. જેથી પુસ્તકોનું ઓડિટ થાય, જરૂરી પુસ્તકો કેટલા, બિનજરૂરી પુસ્તકો કેટલા, ડિસ્કાઉન્ટ સહિતના મુદ્દાની તપાસ કરવામાં આવશે. વાઇસ ચાન્સેલરએ સમગ્ર આક્ષેપ મામલે તપાસ કરી રિપોર્ટ આગામી સિન્ડિકેટની બેઠકમાં રજૂ કરવા આદેશ કર્યો છે. આ ફરિયાદને પગલે યુનિવર્સિટીની લોબીમાં અનેક ચર્ચાએ જોર પકડયું છે.
કોરોના સમયે 4.50 કરોડની ગ્રાન્ટ પણ લેપ્સ થઈ છે
તો બીજી તરફ હંસા મહેતા લાઇબ્રેરીમાં પુસ્તક ખરીદીમાં કૌભાંડના આક્ષેપો થતાં લાઈબ્રેરીયને તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા છે. જેમાં લાઈબ્રેરીયને ખુલાસો કર્યો કે યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો જ પુસ્તકોની ખરીદી માટે આદેશ કરે છે, તે મુજબ જ પુસ્તકની ખરીદી થાય છે. તેમની પાસે પુસ્તક ખરીદી કરવા માટેની સત્તા પણ નથી. જેથી ગત વર્ષે કોરોના સમયે 4.50 કરોડની ગ્રાન્ટ પણ લેપ્સ થઈ છે. લાઈબ્રેરીયન મયંક ત્રિવેદીએ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી પણ આપી છે.