hair salon and beauty parlor instructions gujarat police
સુચના /
મહાનગરોમાં કોરોનાના વધતા કેસ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરને લઇને ગુજરાત પોલીસે જાહેર કરી ગાઇડલાઇન
Team VTV10:07 PM, 02 Jan 22
| Updated: 10:13 PM, 02 Jan 22
ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફૂંફાડો યથાવત્ છે, 3જી લહેર તરફ કેસ આગળ વધી રહ્યા હોવાના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે, કોરોનાના કેસ અટકાવવા કડક પ્રતિબંધો મૂકવામાં આવી રહ્યા છે.
દિવસેને દિવસે કોરોના વધી રહ્યો છે તો ગુજરાતના મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરી દેવાયો હતો. તો બીજી તરફ માસ્ક ફરજીયાત અને કેટલીક જગ્યાએ કલમ 144 લાગુ કરી દેવાયો છે. રાત્રિ કર્ફ્યુ, માસ્ક અને કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે. તેવામાં હવે કોરોનાના કેસો અટવવા ગુજરાત અને મહાનગરોમાં તકેદારીના ભાગરૂપે ગુજરાત પોલીસે સુચના આપી છે.
ગુજરાત પોલીસે ટ્વીટ કરીને સૂચના આપી છે કે, ઓમિક્રોનના વધતાં પ્રભાવ વચ્ચે હેર સલૂન અને બ્યુટી પાર્લરના માલિકોએ કોવિડ ગાઈડલાઇનને ચુસ્ત પણે અમલમાં મૂકી ગ્રાહકોને તથા પોતાને સુરક્ષિત રાખવા.
રાજ્યના આરોગ્યમંત્રીએ 8 મહાનગરોમાં રાતના 11થી સવારના 5 વાગ્યાનો રાત્રિ કર્ફ્યૂ 7 જાન્યુઆરી સુધી યથાવત્ રાખવાની જાહેરાત કરી હતી તેમજ જાન્યુઆરી 2022થી રાજ્યની તમામ કચેરીઓમાં મુલાકાતીઓને તેમને ડબલ ડોઝ વેક્સિનેશન કરાવ્યું છે તેની ખાતરી અને પ્રમાણપત્રના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. રાજ્યમાં જાહેર સ્થળો, કામના સ્થળે તથા ડ્રાઈવિંગ કરતા સમયે પણ માસ્ક પહેરવું ફરજિયાત છે. ઉપરાંત જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે. જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારી તેમની સામે કડક કાર્યવાહી કરાશે.
આજે કેટલા નોંધાયા કોરોનાના કેસ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 968 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અને રાજ્યની જનતા ચિંતામાં મૂકાઇ ગઇ છે. આજે 141 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો વલસાડના એક દર્દીનું કોરોનાને કારણે મોત થયું છે. સારી વાત એ છે કે ઓમિક્રોનનો એકપણ કેસ આજે સામે આવ્યો નથી. કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4,753 સુધી પહોંચી ગઈ છે. 6 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 404 કેસ, સુરતમાં 223, વડોદરામાં 69, રોજકોટમાં 60, ગાંધીનગરમાં 20, ભાવનગરમાં 10 અને જામનગરમાં 4 નોંધાયા છે. જોકે રાજ્યમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.