Had it not been for the timing, 16,000 kg of food grains would have been snatched from the poor in Ahmedabad.
કૌભાંડ /
જો સમયસૂચકતા ન રાખી હોત તો અમદાવાદમાંથી ગરીબોનું 16 હજાર કિલો અનાજ છીનવાઈ ગયું હોત
Team VTV10:03 PM, 21 Oct 20
| Updated: 10:04 PM, 21 Oct 20
અમદાવાદ શહેરમાં ફરી એક વખત સરકારી અનાજને બારોબાર વેચી દેવાનુ કૌભાંડ સામે આવ્યુ છે. સરકારી અનાજનો નાનો જથ્થો નહી પરંતુ 16 હજાર કિલો જેટલો મોટો જથ્થો કોઈની નજરમાં ચડ્યા વિના બારોબાર વેચી દેવાનો કારસો ઘડાઈ રહ્યો હતો, જો કે આ સાજિશ સફળ થાય તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ગરીબોના અનાજને લાગી પૈસાદારોની નજર
અમદાવાદમાં પકડાયું અનાજનું કૌભાંડ
અમદાવાદ પોલીસે 4 આરોપીઓને પકડ્યા
આપણા ગુજરાતમાં સરકાર એવું ઈચ્છે છે કે દરેક ગરીબને સસ્તા દરનું અનાજ મળે અને તે ભૂખ્યો ન રહે અને ગરીબ પરિવારને કોઈ મુશ્કેલી ન પડે, તે માટે એક સંપૂર્ણ વ્યવસ્થા કરવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે, જો કે કાળા બજારીયા ગરીબોના ભાગનું અનાજ ખાઈ જાય અને ગરીબો તેમના હિસ્સાના અનાજ માટે માત્ર રાહ જ જોતાં રહી જાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદ શહેરમાં બન્યો છે બનાવ
આ ઘટના અમદાવાદ શહેરની છે અને અહી ગરીબોના ભાગનું અનાજ બીજા ગોડાઉનમાં પગ કરી જઈ રહ્યું હતું પરંતુ આ કાવતરાખોરો સફળ થાય અને અનાજનો જથ્થો બારોબાર વેચાઈ જાય તે પહેલા જ અમદાવાદ પોલીસે દરોડો પાડીને તેને કબજે લઈ લીધો હતો અને અનાજને વેચાઈ જતા બચાવી લીધું હતું.
આ બનાવની વિગતો એવી છે કે સેકટર 2 JCP ગૌતમ પરમારની સ્કવોડને બાતમી મળી હતી કે નરોડા GIDC ના ફેઝ 3માં એક ખાનગી ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે સરકારી અનાજ નો જથ્થો લાવવામાં આવ્યો છે. જેની તપાસ કરતા પોલીસ ટ્રક ડ્રાઈવર સુખબીર તોમર, ટ્રક માલિક મદનલાલ તૈલી, ગોડાઉન માલિક મહેશ નાથાણી અને પરશોત્તમ તિવારી ની ધરપકડ કરી છે.
આ આરોપીઓને ઝડપી લઈને પુછપરછ કરતા સામે આવ્યુ કે સરકારી અનાજના ગોડાઉનમાંથી ટ્રક ભરી શાહીબાગ સનરાઇઝ પાર્ક ખાતે ગીતાબેન ચુનારાની સરકારી અનાજની દુકાને લઇ જવાનો હતો.
જો કે ટ્રક માલિક મદન તૈલીએ આ જથ્થો ગીતાબેનના ત્યાં ઉતારવાની જગ્યાએ ગોડાઉનમાં લાવવા કહ્યું હતું. જેથી આ જથ્થો અહીંયા લાવ્યા હતા. જેથી દુકાન માલિક ગીતા ચુનારા વિરુધ્ધ પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ કવાયદમાં 16 હજાર કિલો અનાજનો જથ્થો કબ્જે કર્યો છે.
અમદાવાદ પોલીસ એકી સાથે 5 આરોપી વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો જો કે 4 આરોપીની ધરપકડ કરી છે. મહત્વનુ છે કે ઘોડા કેમ્પથી નીકળી જે સરકારી અનાજનો જથ્થો શાહીબાગ જવાનો હતો તે જથ્થો સીધે સીધો નરોડા GIDC માં આવેલા એક ગોડાઉનમાં પહોંચી ગયા જ્યાથી પોલીસે અનાજનો જથ્થો અને આરોપીને ઝડપી પાડયા હતા.
નરોડા પોલીસ મથકે નોંધાયો છે ગુનો
સેક્ટર 2 ની સ્કવોડે નરોડા વિસ્તારમાંથી અનાજ નો જથ્થો કબ્જે કરતા નરોડા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. જોકે સરકારી દુકાનના માલિક ગીતાબેન અને દુકાનના વહીવટદાર પરષોત્તમ તિવારીએ ગરીબોનો સરકારી અનાજનો જથ્થો ટ્રક માલિક મદન તૈલીને ગમે તે વેપારીને વેચી દેવા કહ્યું હોવાનુ સામે આવ્યુ છે.
ત્યારે તપાસમાં આ અનાજ નુ કૌભાંડ દુકાનદાર સુધી અટકે છે કે કોઈ સરકારી બાબુની મિલી ભગત સામે આવે છે તે એક મહત્વપૂર્ણ સવાલ છે, આ વખતે નામોની હારમાળામાં કોઈ મોટા માથાનું નામ ખૂલે છે કે કેમ તે જોવું મહત્વપૂર્ણ રહેશે.