બોલિવૂડ /
ગુલઝાર સાહેબના માયા, મોહિન અને સુધા 33 વર્ષના થયા, એક નજર 1987 પર...
Team VTV11:41 AM, 09 Jul 20
| Updated: 05:18 PM, 01 Oct 20
સાવન કે કુછ ભીગે ભીગે દીન રખે હે, ઔર મેરે ઇક ખત મેં લિપટી રાત પડી હે, વો રાત બૂઝા દો મેરા વો સામાન લોટા દો...!!
જ્યારે કોઇનુ હ્રદયભંગ થાય, ત્યારે કેટલા પ્રશ્નો, કેટલી યાદો અને કેટલી નફરત રહી જતી હોય છે નહી? કેટલા બધા સવાલ હોય છે જેના જવાબ નથી હોતા અને કેટલાક સવાલોના જવાબ આપવા નથી હોતા.. ક્યારેય એવુ સાંભળ્યુ કે જોયુ છે કે હ્રદયભંગ થયા બાદ કોઇ જ ખટપટ ન હોય માત્ર કેટલીક વાતોનો પસ્તાવો અને હકીકતને સ્વિકારવાનો ભાર હોય? ગુલઝારની ફિલ્મ ઇજાઝત એક આવી જ કથા છે જેમાં હકીકત સ્વિકારવાનો ભાર એટલો તો વધી જાય છે કે ત્રણ પાત્રો એકબીજાની પાસે, એકબીજાની સાથે હોવા છતાં જોજનો દૂર જતા રહે છે. ગુલઝારની ક્લાસિક ફિલ્મ ઇજાઝતને 8 જૂલાઇએ 33 વર્ષ પૂર્ણ થયા પરંતુ આજે પણ આ ફિલ્મ જોઇને એ જ તાજગી અને વાર્તાની ભીનાશ અનુભવાય છે.
ઇજાઝતના બેમિસાલ 33 વર્ષ
એકસો સોલાહ ચાંદ કી રાતે...
ફિલ્મના પાત્રોની દર્શકો પર ઊંડી અસર જોવા મળે છે. નસીરુદ્દીન શાહ, રેખા અને અનુરાધા પટેલ આ ત્રણેય લોકોને કદાચ મોહિન્દર, સુધા અને માયાના નામે સંબોધવા વધારે ગમશે કારણકે દરેકના માનસપટ પર ત્રણેય પાત્રોની એવી છાપ રહી ગઇ છે કે ક્યારેય તેમને વિસરી નહી શકાય.
એકસો સોલાહ ચાંદ કી રાતે, એક તુમ્હારે કાંધે કા તિલ... માયા જ્યારે આ લાઇન ગાય છે ત્યારે તેના પ્રેમીએ બીજા કોઇ સાથે ઘર બાંધી લીધુ હોય છે, તેની સાથે રહેતો હોય છે અને માયા હજૂ પણ એ જ યાદોને વાગોળતી રહે છે. મોહિનને યાદ કરાવતી રહે છે કે કેટલુ બધુ તારી પાસે છે, તે પણ મને મોકલાવી દે.. કદાચ એ બધુ તુ ક્યારેય પાછુ નહી મોકલાવી શકે પરંતુ ભૂલી પણ નહી શકે.
પત્નીની વાત માનીને પ્રેમિકાનો સામાન પાછો મોકલાવી તો દે છે પરંતુ સામાન પહોંચતાની સાથે જ એક એટલો ઊંડો આઘાત, દુ:ખ, પસ્તાવો, અને હકીકત પત્ર સ્વરૂપે આવે છે બસ તે જ પત્રના શબ્દો એટલે 'મેરા કુછ સામાન...'. જેને મોહિન અને સુધા પચાવી પણ નથી શકતા.
રેલ્વે સ્ટેશન પર વરસાદની એક રાત
માયા મોહિનના ઘરમાંથી તો જતી રહી હતી પરંતુ ઘરના ખૂણે ખૂણામાં તે આજે પણ હતી, સુધા તેને ઇચ્છીને પણ કાઢી નહોતી શકતી અને પોતે આ વાતને લઇને દુ:ખી પણ થતી હતી. ત્યારે ગુલઝારની કલમે ધારદાર ડાયલોગ લખાયો હતો જે સુધા તેના પતિને સંબોધીને કહે છે કે 'જીસ ચીઝ કો ભી છૂને જાતી હૂં, લગતા હે કીસી ઔર કી ચીઝ છૂ રહી હૂં.. પૂરા પૂરા કુછ ભી નહી લગતા ઇસ ઘર મે..' અને થોડા સમય પછી સુધાને લાગે છે કે તે મોહિન અને માયા વચ્ચે આવી ગઇ છે, બસ પછી તે હંમેશા માટે મોહિન્દરનું ઘર માયાના ભરોસે છોડીને જતી રહે છે પણ 5 વર્ષ પછી મૂશળધાર વરસતા વરસાદમાં અનાયાસે બંને જણા રેલ્વેસ્ટેશનના વેઇટિંગ રૂમમાં મળી જાય છે અને પછી શરૂ થાય છે ભૂતકાળની ભયંકર યાદોની વાતો....
સુધા અને મોહિન્દર એક બીજાને મળે છે અને ઘણી બધી સુખની, દુ:ખની, પસ્તાવાની દરેક ઇમોશનની વાત કરે છે. અંતે સુધાને ખબર પડે છે કે મોહિન્દરના જીવનમાં ના તો માયા રહી ના સુધા તે એકલા જ રહી ગયા કારણકે માયા તો મૃત્યુ પામી હતી. સુધાએ બીજા લગ્ન કરી લીધા પરંતુ તેણે ક્યારેય મોહિન્દર વિષે વિચાર્યુ જ નહોતું. સવાાર પડે છે સુધાનો નવો પતિ તેને લેવા આવે છે અને સુધા જતા જતા મોહિન્દરને કહે છે કે 'પીછલી બાર બિના પૂછે ચલી ગઇ થી..ઇસબાર ઇજાઝત દે દો' અને રેલ્વે સ્ટેશનના એ વેઇટિંગરૂમની એ ભારે રાત વિતી જાય છે.
પંચમ દાનું મેરા કુછ સામાન પર રિએક્શન
ગુલઝાર જ્યારે મેરા કુછ સામાન...ના શબ્દો લઇને આર.ડી.બર્મન પાસે જાય છે અને સંભળાવે છે ત્યારે આ સોન્ગને તે લગેજ સોન્ગ ગણાવી દે છે અને કહે છે કે આ લગેજ વાળુ સોન્ગ છે તુ બાદમાં ન્યૂઝપેપરનો આર્ટિકલ આપીને કહીશ કે લે આને કંપોઝ કર... બાદમાં ગુલઝાર સાહેબ જણાવે છે કે એક ગીતમાં ચાબીયા શબ્દનો પ્રયોગ કર્યો હતો તો જ્યારે તે સ્ટુડિયોમાં જતા પંચમ દા તેમને અવુ જ કહેતા કે 'દેખો ચાબિયા આ ગઇ'
એકવાર ગુલઝાર સાહેબે જણાવ્યું હતુ કે પંચમદા ગાડી લઇને તેમના ઘરની નીચે આવતા અને ગાડીમાં બેસાડીને સ્ટુડિયો સુધી લઇ જતા હતા, રસ્તામાં તે કારના સ્ટીયરિંગ પર કે તાળીઓ પાડીને ધૂન સંભળાવતા અને ગુલઝાર સાહેબને કહેતા કે આ ધૂનને શબ્દો આપી દે નહી તો ધૂન જતી રહેશે.. સ્ટુડિયો પર પહોંચીને નીચેથી જ ડ્રાઇવરને કહી દેતા કે ગુલઝારને ઘરે મુકી આવો ઉપર સ્ટુડિયોમાં આવશે તો મારો સમય વેડફશે.
ઇજાઝતના 33 વર્ષ પૂર્ણ થવા પર પણ ગીલી મહેન્દી કી ખુશ્બૂ અને બારિશ કી વો બૂંદે મહેસૂસ થાય છે.