gulshan kumar birth anniversary know the journey of from fruit seller to Tseries owner
બોલિવૂડ /
એક સમયે ફ્રૂટ વેચતા શખ્સે બોલિવૂડનો ઇતિહાસ બદલી નાખ્યો હતો, ગોળી મારી હત્યા કરી દેવાઈ હતી
Team VTV11:50 AM, 05 May 20
| Updated: 11:54 AM, 05 May 20
દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં ફળો વેચનાક એક સામાન્ય પંજાબી પરિવારનો છોકરો બોલિવૂડનો સૌથી મોટો ફિલ્મમેકર તો બન્યો જ, સાથે આજે પણ તેની મ્યુઝિક કંપની દેશની સૌથી મોટી મ્યુઝિક પ્રોડક્શન કંપની છે. 5 મે, 1951ના રોજ દિલ્હીમાં એક પંજાબી પરિવારમાં જન્મેલા ગુલશન કુમારે બોલિવૂડ સંગીત દરેક ઘર સુધી પહોંચાડી દીધું હતું.
તેમની કંપની દેશની સૌથી મોટી મ્યુઝિક પ્રોડક્શન કંપની છે
કેસેટ્સ ઓડિયો રેકોર્ડ્સ વેચવાનું શરૂ કરીને ઊભી કરી કંપની
ગુલશન કુમારના પિતા દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં જ્યૂસ વેચતા હતા અને ત્યાંથી તેમણે કેસેટ્સ ઓડિયો રેકોર્ડ્સ વેચવાનું કામ શરૂ કર્યું હતું. તેમણે આ વ્યવસાયને આગળ વધારવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા અને સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ નામની પોતાની એક કંપની શરુ કરી. ત્યારબાદ તેમણે નોઈડામાં એક કંપની શરૂ કરી અને 1970ના દાયકામાં બેસ્ટ ક્વોલિટીની મ્યુઝિક કેસેટ વેચવાના ધંધાનું વિસ્તરણ કર્યું.
આ રીતે તેમનો આ વ્યવસાય ખૂબ વિકસ્યો અને તેઓ ઓડિયો કેસેટની નિકાસ પણ કરવા લાગ્યા અને કરોડપતિ બની ગયા. એક સમય એવો આવી ગયો કે ગુલશન કુમાર ભારતીય સંગીત ઉદ્યોગના સૌથી સફળ વ્યક્તિ બની ગયા. ત્યારબાદ તેઓ બોલિવૂડ તરફ વળ્યા અને મુંબઈ આવી ગયા. ઘણાં ઓછાં લોકો જાણતા હશે કે, ગુલશન કુમારે સુપર કેસેટ ઈન્ડસ્ટ્રી હેઠળ જ ટી સીરીઝની સ્થાપના કરી હતી. ટી સીરીઝ દેશમાં સંગીક અને વીડિયોની સૌથી મોટી પ્રોડ્યૂસર કંપની છે. એટલું જ નહીં ટી સીરીઝ ફિલ્મોમાં સંગીત આપવાની સાથે, જૂના ગીતોનું રિમિક્સ બનાવવું, ભક્તિ સંગીત અને આલ્બમ વગેરે બનાવવું પણ છે. હવે ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં આ જાણીતું નામ છે.
ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના માર્કેટ પર લગભગ 60 ટકા કબજો
ઈન્ડિયન મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના સંપૂર્ણ માર્કેટ પર લગભગ 60 ટકા કબજો ગુલશન કુમારની કંપનીનો છે. એટલું જ નહીં, તેમની કંપની 6 ખંડોના 24થી વધુ દેશોમાં સંગીત એક્પોર્ટ પણ કરે છે, જ્યારે 2500 થી વધુ ડીલરો સાથે, ટી-સીરીઝ પણ દેશનું સૌથી મોટું વિતરણ નેટવર્ક છે.
જોકે, દિલ્હીને અલવિદા કહીને મુંબઈ આવેલા ગુલશન કુમારનો સિક્કો આ માયાનગરીમાં વધુ ચમકી ગયો. તેમણે ભક્તિ સંગીત પ્રત્યેનો તેમનો રસ વધાર્યો અને ગીતો ગાયા, સાથે જ હનુમાનજી અને શિવજીના એવા સુંદર ભજન ગાયા કે, આ જ સુધી કોઈ ગાઇ શક્યું નથી. તેને ગુલશન કુમારનું નસીબ કહો અથવા હનુમાન જીની કૃપા તેમને અઢળક સફળતા મળતી રહી અને પછી તેમણે હિન્દુ પૌરાણિક કથાઓ સાથે સંબંધિત ઉત્તમ ફિલ્મો અને સિરિયલ પણ બનાવી.
ગુલશન કુમારની પહેલી ફિલ્મનું નામ 1989 માં 'લાલ દુપટ્ટા મલમલ કા' હતું. જેનું સંગીત એક જ રાતમાં આખા ભારતમાં લોકપ્રિય થઈ ગયું હતું. આ જ રીતે વર્ષ 1990માં ફિલ્મ 'આશિકી' એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. બાદમાં 1991માં આમિર ખાન અને પૂજા ભટ્ટ અભિનિત 'દિલ હૈ કી માનતા નહીં' બની, ફિલ્મ એટલી ચાલી નહીં પરંતુ તેના ગીતો ખૂબ લોકપ્રિય થયા.
વૈષ્ણોદેવીના ભંડારામાં આજે પણ યાત્રાળુઓને મફત ભોજન
ગુલશન કુમાર ખૂબ જ ઓછાં સમયમાં ફિલ્મ ઉદ્યોગમાં સંગીતના બાદશાહ બની ગયા. તેમણે નવા તારલાઓને પણ ચાન્સ આપ્યો. જેમ કે, સોનૂ નિગમ, અનુરાધા પોડવાલ, કુમાર સાનુ અને વંદના વાજપેયી જેવા સંગીતકારો ગુલશન કુમારની જ દેન છે. જોકે, સતત સફળતા પ્રાપ્ત કરનાર આ ચહેરો મુંબઈના અંડરવર્લ્ડની નજરે ચડી ગયો. જેની પાછળનું એક ખાસ કારણ તેમનું સામાજિક રીતે સક્રિય રહેવું હતું.
હકીકતમાં ગુલશન કુમારે તેમના ધનનો એક મોટો હિસ્સો સમાજ સેવામાં લગાવ્યો. બહુ ઓછાં લોકો જાણે છે કે, તેમણે વૈષ્ણોદેવી ખાતે એક ભંડારાની સ્થાપના કરી હતી, જે હજી પણ યાત્રાળુઓને મફત ભોજન આપે છે. તેઓ નાણાકીય વર્ષ 1992-93માં દેશના સૌથી મોટા કરદાતા હતા.
90ના દાયકામાં જ્યારે ગુલશન કુમાર ભારતીય સિનેમાની દુનિયામાં સૌથી શાઈનિંગ સ્ટાર બન્યા, ત્યારે તેમની દુશ્મન બની ગઈ અને તેમને સતત મુંબઈના અંડરવર્લ્ડ તરફથી પૈસાને લઈને ધમકીઓ મળવા લાગી. પરંતુ તેઓ ઝૂક્યા નહીં. આ જ કારણ છે કે, ગુલશનને 12 ઓગસ્ટ 1997માં મુંબઇના અંધેરી પશ્ચિમ ઉપનગરમાં જીતેશ્વર મહાદેવ મંદિરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગુલશન કુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નથી, પરંતુ ટી સીરીઝની ચમક આજે પણ બરકરાર છે.