બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કેમ ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત કફોડી બની? આ રહ્યાં જવાબદાર કારણ
Last Updated: 07:17 PM, 5 August 2024
ગુજરાતમાં ટેક્સટાઇલનું માર્કેટ મોટુ છે, માર્કેટને બુસ્ટઅપ કરવા માટે રાજ્ય સરકાર પોલીસી પણ બનાવે છે પરંતુ છેલ્લા 7 મહિનાથી ગુજરાતમાં ટેક્સટાઇલ પોલીસી પુર્ણ થઇ ગઇ છે અને હજુ સુઘી સરકારને નવી પોલીસી બનાવવાનો સમય મળ્યો નથી જેને કારણે ગુજરાતમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાલમાં પાઇપલાઇનમાં અથવા તો કાગળીયા પર પડી રહ્યા છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત કેમ કફોડી બની?
ADVERTISEMENT
ગુજરાતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ હાલ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. કારણ કે છે ટેક્સટાઈલ પોલિસી. જે વર્ષ 2023માં પૂર્ણ થઈ ગઈ અને આજે 8 મહિના પછી પણ સરકારે નવી ટેક્સટાઈલ પોલિસીની જાહેરાત કરી નથી. જેના કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે, ઉદ્યોગકારોએ ટેક્સટાઈલમાં જે યુનિટોને એક્સપાન્ડ કરવાનું આયોજન બનાવ્યું છે તે આયોજન હાલ માત્ર કાગળ પર જ રહ્યું છે. હવે તો લોકસભા ચૂંટણી પણ પૂર્ણ થઈ ગઈ અને કોઈપણ પ્રકારની આચાર સંહિતા નથી. છતાં રાજ્ય સરકારની આળસના કારણે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝને નુકસાની ભોગવવી પડી રહી છે. નવી ટેક્સટાઈલ પોલિસી લાગુ ન થવાથી ટેક્સટાઈલ ઉગ્યોને કેવા પ્રકારની નુકસાની ભોગવવી પડી રહી છે
કાપડ ઉદ્યોગ માટે સંજીવની છે ટેક્સટાઈલ પોલિસી
સુરતની જીવાદોરી સમાન ગણાતા અહિંના કાપડ ઉદ્યોગની હાલત ખૂબજ કફોડી થઈ છે. અહિંના ટેક્સટાઈલ ઉદ્યોગની સમગ્ર વેલ્યુ ચેઈનમાં હાલ 50થી 80 ટકા જેટલો જંગી ઉત્પાદનમાં કાપ મુકાયો છે. તો સુરતની અંદરના ગ્રે કાપડ વણાટ ઉદ્યોગથી લઈને કાપડ પ્રોસેસીંગ, ટ્રેડીંગ તેમજ ઍક્સપોર્ટસ જેવા બધા વેપાર ભારે ભીંસ અનુભવી રહ્યા છે. મોટાભાગના સ્થાનિક ઉત્પાદકો લઘુથી લઈને ઍમઍસઍમઈ સેક્ટરનાં છે. ઍક સમયે જેની જાહોજલાલી હતી તેવા ટેક્સટાઈલ ઉદ્યોગની આજની હાલત જોતાં કહી શકાય કે જો કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી તત્કાળ ધ્યાન આપીને જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો આ ઉદ્યોગને ભારે નુકસાની વેઠવી પડશે.. આ મુદ્દે ઉદ્યોગકારોનો મત પણ અમે જાણવાનો પ્રયાસ કર્યો..
પેમેન્ટ સિસ્ટમ
નવી ટેક્સટાઈલ પોલિસી લાગુ ન થતાં ઉદ્યોગોમાં હાલ 25 થી 50 ટકા જેટલું ઉત્પાદન થઈ રહ્યું છે. જેની અસર કામદારો પર પણ પડવાની છે. તેવામાં અહીં ટેક્સટાઈલના ઉદ્યોગકારોની એવી માંગ છે કે, સરકાર નવી ટેક્સટાઈલ પોલિસી વહેલી તકે લાગુ કરે. સાથે-સાથે જે રીતે સ્ટેટ જીએસટીમાં લાભ આપવામાં આવતો હતો તે લાભ ફરીથી આપવામાં આવે અને 45 દિવસની જે પેમેન્ટ સિસ્ટમ હાલમાં લાગુ કરવામાં આવી છે તે સિસ્ટને વધારીને 90 દિવસની કરવામાં આવે. જેથી વેપારીઓને અને ખરીદનારોને ફાયદો મળે. આમ આ બે નિર્ણય પોલીસમાં સમાવેશ કરવામાં આવે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સારો એવો લાભ મળી શકે છે. હાલ ઉદ્યોગોને કેવા પ્રકારની જરૂર છે. તે પણ અહીં અમે એક્સપર્ટ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો.
કાપડ ઉદ્યોગ રાજ્યની જીવાદોરી છે
એક સમય હતો જ્યારે ગુજરાતનો કાપડ ઉદ્યોગ દેશમાં મહારાષ્ટ્ર પછી બીજા સ્થાને રહેતો હતો. જેનાથી અન્ય રાજ્યોને ઈર્ષા થતી હતી. પરંતુ હવે એવું બન્યું છે કે, ગુજરાતના કાપડ ઉદ્યોગનાં વિકાસ મોડલને ધ્યાનમાં રાખીને બીજા રાજ્યો તેમની આગવી જરૂરીયાતને અનુલક્ષીને ‘ટેકસટાઈલ પોલીસી’ ઘડવા લાગ્યા છે. તેના સારા પરિણામો પણ મેળવ્યા છે. ગુજરાતમાં ટેક્સટાઈલ ઉદ્યોગની હાલત કેમ કફોડી બની તેના પર નજર કરીએ તો ઉદ્યોગકારોની ખરાબ હાલત પાછળ સૌથી મોટું કારણ છે ઊંચા વીજદરો છે. જ્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર ઉદ્યોગોને વીજદરોમાં સબસિડી આપે છે. ગુજરાતમાં ઊંચા વીજદરના કારણે યાર્ન અને કાપડનો ઉત્પાદન ખર્ચ વધી જાય છે. સ્થિતિ એવી પેદા થઈ છે કે, રોકાણકારો સુરત છોડી સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી તેમજ મહારાષ્ટ્રના નવાપૂર ખાતે સ્થળાંતર કરી રહ્યા છે. જેથી સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં રોકાણ ઘટતું જઈ રહ્યું છે
‘ટેક્સટાઈલ પોલીસી’
સૌથી મહત્વની વાત એ છે કે, 2001માં ગુજરાતની ધૂરા સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના ઔદ્યાગીક વિકાસનાં માટે બે ખૂબજ મહત્વનાં કદમ ઉઠાવ્યા હતાં. જેમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત’ અને ‘ટેક્સટાઈલ પોલીસી’ની જાહેરાતો કરી. જે ખૂબજ ફાયદેમંદ સાબિત થયા. આનાં પગલે ગુજરાતનું આંતરરાષ્ટ્રીય સ્તરે નામ ખાસ્સુ પ્રચલિત થયું અને અહિંના ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને રોજગારી પણ વધ્યા હતા. ગુજરાતની ટેક્સટાઈલ પોલીસીની વાત કરીએ તો તેની ઘણી જોગવાઈઓ રાજ્યના કાપડ ઉદ્યોગ માટે ગેમચેઈન્જર સાબિત થઈ. સરવાળે કાપડ ઉદ્યોગોમાં નવું મૂડીરોકાણ, નિકાસ તેમજ રોજગારીને ખૂબ ઉત્તેજન મળ્યું. પરંતુ દુઃખની વાત ઍ છે કે વર્ષ 2014માં મોદીજી દેશનાં પ્રધાનમંત્રી બન્યાં અને દિલ્હી ગયાં પછીથી અગમ્ય કારણોસર ધીમે પગલે ટેક્સટાઈલ પોલીસીનો અમલ અને તેનાં પરનું ફોકસ બંન્ને હટવા લાગ્યાં અને રાજ્યનાં કાપડ ઉદ્યોગ સ્થિતિ કથળવા લાગી હતી. જે આજે ચિંતાજનક બની છે.
આજની તારીખમાં ગુજરાતમાં નવી ટેક્સટાઈલ પોલીસી જાહેરાત થઈ નથી અને હજી વિચારણાને આધીન છે. વિવિધ ઉદ્યોગ સંગઠનો તેમજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક આગેવાન સંસ્થાઓ સાથે લાંબી ચર્ચા વિચારણા અને રજૂઆતોના અનેક દૌર પછીથી ગુજરાત રાજ્યની નવી ટેક્સટાઈલ પોલીસી આવવી બાકી છે. તેવામાં ઉદ્યોગોની કમર ભાંગી જાય તે પહેલા ટેક્સટાઈલ પોલિસી લાગુ થાય છે કે, નહીં તે જોવું રહ્યું..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.