રાજ્યમાં અને ઉપરવાસ થયેલા ચિક્કાર વરસાદને કારણે રાજ્યના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. તમામ જળાશયોના પ્રતિનિધિ રૂપ આપણો નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચાની તૈયારીમાં છે. જેના વધામણા કરવાની તૈયારી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના જન્મદિવસ સુધીમાં નર્મદા ડેમને 138.68 મીટર ભરવામાં આવશે. પરંતુ સાથે સાથે નર્મદા નદીમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે નીચાણવાળા વિસ્તારોમાં બંધ છલકાઈ ગયા છે અને એ જળ ગામડાઓમાં અને શહેરોમાં ઘૂસી ગયા છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમે આજે 70 વર્ષમાં પ્રથમવાર 138 મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, હાલ નર્મદા ડેમની સપાટી 138.19 મીટરે પહોંચી ગઈ છે. કારણ કે, મધ્યપ્રદેશમાંથી 8 લાખ 35 હજાર ક્યૂસેક પાણીની આવક નોંઘાઈ છે. જોકે નર્મદા ઓથોરિટી દ્વારા પણ ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. 6 લાખ 15 હજાર ક્યૂસેક પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં સતત વધતા જળસ્થતના કારણે કેવડિયા પાસે આવેલ ગોરા બ્રિઝ 6 દિવસથી બંધ છે. જોકે સતત વધતા પ્રવાહને લઈને નદી કાંઠાના 175 ગામોને અલર્ટ કરાયા છે. લોકોને સુરક્ષિત જગ્યા પર ખસી જવા માટે અપીલ કરવામાં આવી છે.
#SardarSarovarDam further storage necessary to control flood situation in Bharuch city due to high tide and 175 villages in three districts. District Administration requested to control outflow. Level touched historic mark of 138 mtrs today @PMOIndia@CMOGujpic.twitter.com/BWJNwoZ1kD
નર્મદાનીરના વધામણા સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ ઉજવાશે ત્યારે દેશ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બની જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 70મો જન્મ દિવસ આગામી 17 સપ્ટેમ્બરના છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. તેઓ નર્મદા સરદાર સરોવર ડેમની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી મોદી નર્મદા નીરના વધામણા કરીને નર્મદા નદીની આરતી કરશે. જેને લઈને 17 સપ્ટેમ્બરના રોજ નર્મદા ડેમ તેની ઐતિહાસિક 138.68 મીટરની સપાટીએ ભરવામાં આવશે. ડેમ સંપૂર્ણ ભરી પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની ભેટ ગુજરાત આપશે.
નર્મદા ડેમ ભરાયો તે માટે PM મોદીની મહેનત જવાબદાર છે: માંડવિયા
રાજ્યમાં મેઘરાજાની મહેર જોવા મળી છે. નર્મદા ડેમે ઐતિહાસિક જળસપાટી વટાવી છે. ત્યારે આ મુદ્દે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે તે માટે પ્રધાનમંત્રી મોદીની મહેનત જવાબદાર છે. પ્રધાનમંત્રી મોદીએ દરવાજા લગાવવાની આપેલી પરમિશનને કારણે જ આજ નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે. તે ગુજરાત માટે ફાયદાકારક છે. નર્મદાના પાણીથી ખેડૂતોને લાભ થશે. તથા નર્મદાની પાઈપલાઈન દ્વારા સમગ્ર રાજ્યમાં પીવાનું પાણી મળશે.
નર્મદા ડેમ મર્યાદીત સપાટી સુધી ભરવો ગુજરાત સરકારનો હકઃ સીએમ રૂપાણી
નર્મદા ડેમને તેની મર્યાદીત 138 મીટરની સપાટી સુધી ભરવાનું લક્ષ્યાંક ગુજરાત સરકાર પૂર્ણ કરી રહી છે. ત્યારે કેટલાક લોકો તેને લઈને સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે આ અંગે વિપક્ષો પર નિશાન સાધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, નર્મદાને તેની મર્યાદીત સપાટી સુધી ભરવો તે ગુજરાત સરકારનો હક છે. સુપ્રીમ કોર્ટે પણ આ માટે તમામ પ્રકારની મંજૂરી આપી દીધી છે.
ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી છોડાયું હોવાથી ડેમમાં પાણી રોકવું જરૂરીઃ સીએમ રૂપાણી
બીજી તરફ નર્મદા નદીમાં વધુ પ્રમાણમાં પાણી ન છોડવા બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો આ સંપૂર્ણ પાણી નર્મદામાં છોડવામાં આવે તો નિચાણવાળા ભરૂચ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ શકે છે. જેથી ડેમમાં પાણી રોકવું પણ આવશ્યક છે.
યાત્રાધામ કબીરવડમાં પાણી ઘુસ્યા
એક તરફ નર્મદાનદી ઐતિહાસિક સપાટી પહોંચ્યાનો આનંદ છે. તેની ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે તો બીજી તરફ નર્મદાના નીચાણવાળા વિસ્તારમાં આવતી નદીઓ અને બંધો છલકાઈને વહી રહ્યા છે. ભરુચની વાત કરીએ તો અહીં પાણીની આવક વધતાં યાત્રાધામ કબીરવડમાં પાણી ઘુસ્યા છે. કબીરવડની ચારે તરફ પાણી ભરાયા છે. જે સ્થળ એક સમયે સહેલાણીઓથી ભરપૂર રહેતું હતું ત્યાં હાલ માત્ર 'પૂર'નું સામ્રાજ્ય છે. અહીં પૂરની સ્થિતીને લઈને કબીરવડ ઘાટ બંધ કરવામાં આવ્યો છે. કબીરવડની આસપાસના વડ પણ પાણીમાં ડૂબવા લાગ્યા છે. પૂરના પાણીના કારણે પ્રવાસીઓએ યાત્રાધામમાં આવવાનું ટાળ્યું છે.
કરનાળી ગામ બેટમાં ફેરવાયું
છેલ્લા કેટલાય દિવસથી નર્મદા ડેમમાંથી અવિરત પાણી નર્મદા નદીમાં જ છોડવાને લઈને નર્મદા નદી ગાંડીતૂર બની છે ત્યારે છેલ્લા પાંચ દિવસથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું કરનાળી ગામ બેટમાં ફેરવાયું છે. એક જગ્યા પરથી બીજી જગ્યાએ જવા માટે હાલ નાવડીનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે એટલું જ નહીં ગામમાં જવાનો મુખ્ય માર્ગ પાણી ફરી વળતા હાલ મુખ્ય માર્ગ પણ બંધ કરવામાં આવ્યો છે.