Gujarat's most high-tech group wedding will be held at Ahmedabad Dascroin
દસ્ક્રોઈ /
ગુજરાતના સૌથી હાઈટેક સમૂહ લગ્ન! ઓડીમાં આવશે વર-વધૂ, AC ડોમમાં ફરશે ફેરા, દીકરીઓને 1 લાખના બોન્ડ
Team VTV11:39 PM, 08 May 22
| Updated: 11:43 PM, 08 May 22
આવતીકાલે મુખ્યમંત્રી સહિતનાઓની હાજરીમા દસ્ક્રોઇના ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાશે. જેમાં 51 નવ યુગલ પ્રભુતામાં પગલાં માંડશે.
આવતીકાલે ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાશે
હાઈટેક સમૂહ લગ્નનો ડોમ સેન્ટ્રલી AC તૈયાર કરાયો
મંડપમાં સામાજિક જાગૃતિ અર્થેના સંદેશાઓ લાગ્યા
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકાના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે ભવ્ય સમૂહ લગ્ન યોજાશે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ હાજરી આપી નવદંપતીને આશીર્વાદ આપશે. જે આયોજની તડામાર તૈયારીને આયોજકો દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે. સમાજ જાગૃત બને તે માટે દરેક મંડપે વર-વધૂના ફોટા સાથે સામાજિક સંદેશાનો પણ પ્રસાર-પ્રચાર કરાયો છે. એટલું જ નહી આ સમૂહલગ્નને ગુજરાતના સૌથી હાઈટેક સમૂહ લગ્ન માનવામાં આવી રહ્યા રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના રહેશે ઉપસ્થિત
દસ્ક્રોઇના ભુવાલડી ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઠાકોર સમાજના 51 નવ યુગલ પ્રભુતામાં પગલાં માંડી સુખી લગ્ન જીવનની શરૂઆત કરશે. આ સમૂહલગ્નોત્સવનું જે.કે.ગૃપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ઉનાળાના આકાર તાપને ધ્યાને લઈને આયોજકો દ્વારા હાઈટેક સમૂહ લગ્નનો ડોમ સેન્ટ્રલી AC વાળો તૈયાર કરવામાં આવ્યો છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત અન્ય કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યો, સંસદસભ્યો સહિત સમાજના આગેવાનો અને સંતો મહંતો હાજરી આપવાના હોવાથી ખાસ પ્રકાસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
મહત્વનું છે કે ઠાકોર સમાજ દ્વારા પહેલી વાર આ પ્રકારના હાઈટેક લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આશરે 50 હજારથી વધુ લોકોની હાજરીમાં આ અવસર યોજાવાનો છે. મહેમાનોને કોઈ પ્રકારની અગવતા ન પડે તે માટે સુવિધા ઉપરાંત ડોમમાં ફાયરના સાધનો વસાવાયા છે. વધુમાં એક દવાખાનું પણ ઊભું કરાશે. તથા બે 108 એમ્બ્યુલન્સને પણ ખડેપગે રાખવામાં આવશે. આ પ્રસંગને લઈને આયોજકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તમામ દીકરીઓને 1 લાખ રૂપિયાના આપશે બોન્ડ
લગ્નના તાંતણે બાંધતી દીકરીઓ માટે ઓડી, BMW સહિતની ગાડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રભુતામાં પગલાં માંડનાર આશરે 25 દીકરીઓ એવી છે જેના માતા-પિતા હયાત નથી. આથી દીકરીઓના ભવિષ્યની ચિંતા કરી ઠાકોર સમાજ દ્વારા તમામ દીકરીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ આપવાના અનોખી અને અનુકરણીય પહેલ પણ કરાઇ છે.
સમાજમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ
બીજી તરફ સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ મળે અને જાગૃકતા આવે તે માટે દરેક મંડપે વર-વધૂના નામ-ફોટો સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય અંગેના અલગ અલગ સંદેશાઓ પણ લગાવવામાં આવ્યા છે.