ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયા બાદ હવામાન વિભાગે ફરી હાડ થીજવતી ઠંડીની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાયણ પહેલા ઠંડીનો ચમકારો ફરી અનુભવાશે.
હવામાન વિભાગે ફરી હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
રાજ્યમાં ફરી અનુભવાશે ઠંડીનો ચમકારો
13 જાન્યુઆરીથી ઠંડીના પ્રમાણમાં થઇ શકે છે વધારો
ગુજરાતમાં કડકડતી ઠંડીમાં પાંચ દિવસ સુધી ઠુંઠવાયા બાદ લોકોને હવે થોડી રાહત મળી છે. ગુજરાતમાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ગાત્રો થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હજુ ઠંડી વધી શકે છે. ઉત્તરાયણ પહેલા ઠંડીનો ચમકારો ફરી અનુભવાશે.
13 જાન્યુઆરીથી ઠંડીમાં થઇ શકે છે વધારો
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે. 13 જાન્યુઆરીથી ઠંડીના પ્રમાણમાં વધારો થઇ શકે છે. 13 જાન્યુઆરીથી ત્રણ દિવસ તાપમાન ઘટતા ઠંડીનું જોર વધશે. જેના કારણે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી નોંધાઈ શકે છે. નલિયામાં પણ શીતલહેરની શક્યતા બની શકે છે. સાથે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે કેટલાંક સ્થળો ઉપર પવનની ગતિ 20 km પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ઓખા સૌથી વધારે ગરમ શહેર
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે ગુજરાતનું ઠંડું શહેર બન્યું હતું, જ્યારે 20.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઓખા સૌથી વધારે ગરમ શહેર રહ્યું હતું. ઉત્તર ગુજરાતને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડથીજવી દે એવી ઠંડી પડી રહી છે. ગુગલ વેધર અપડેટ પ્રમાણે, માઉન્ટ આબુમાં બુધવારે સવારે 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
દેશની રાજધાનીમાં પડી રહી છે કડકડતી ઠંડી
ઉત્તર ભારતની વાત કરીએ તો બુધવારે મોટાભાગના ઉત્તરી રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. દેશની રાજધાનીમાં ઠંડી અંગે વાત કરીએ તો અહીં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, લખનઉ, પટના જેવા મોટા શહેરોમાં લઘુતમ પારો ગગડ્યો છે.