Gujarat Western disturbance rain alert weather forecast
આગાહી /
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને મોડી રાતથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
Team VTV07:34 AM, 11 Dec 20
| Updated: 09:02 AM, 11 Dec 20
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદ પડવાને લઇને આપવામાં આવેલ એલર્ટના પગલે મોડી રાતથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જો કે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇ રાજ્યભરમાં વરસાદ
રાતથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ
હવામાન વિભાગે 2 દિવસ વરસાદની કરી છે આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરના રોજ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતા જણાવી હતી. જો કે તેના પગલે રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળો પર હવામાનમાં પલટો જોવા મળ્યો છે.
અમદાવાદમાં વહેલી સવારથી કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. શહેરના તમામ વિસ્તારોમાં ધીમીધારે કમોસમી વરસાદ વરસ્યો છે. જિલ્લાની વાત કરીએ તો સાણંદ, દસક્રોઇ, વિરમગામ, માંડલમાં પણ વરસાદ વરસ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને સમગ્રા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બોટાદમાં મોડી રાતથી વરસાદ
રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જો કે જિલ્લામા કમોસમી વરસાદ વરસતા કપાસ, ઘઉં, જીરાના પાકને નુકસાનની શક્યતા જોવા મળી છે. બોટાદ જિલ્લામાં પણ ગઇ રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
પંચમહાલમાં મોડી રાત્રે વરસાદ
પંચમહાલમાં મોડી રાતથી સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેતીને અસર થવાની વકીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઇને સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભિલોડા, મોડાસા, શામળાજીમાં કમોસી વરસાદથી ખેતીને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.
નર્મદા જિલ્લાના વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની 48 કલાક વરસાદની આગાહીના પગલે નર્મદા જિલ્લાના વાતાવરણમાં મધરાતથી પલટો જોવા મળ્યો. નર્મદાના જિલ્લાના રાજપીપળા, કેવડિયા, ડેડિયાપાળામાં કમોસી માવઠું પડતા તુવેર સહિતના પાકને નુકસાન થવાની શક્યતાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
સાબરકાંઠામાં વાતાવરણમાં પલટો
હવામાન વિભાગની આગાહી મુજબ 10 અને 11 ડિસેમ્બરના રોજ રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળે તેવી શક્યતાના પગલે સાબરકાંઠાંના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના હિંમતનગર, વડાલી, ઇડર, ખેડબ્રહ્મામાં કમોસમી માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત થયા છે. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા બટાકા, બાજરી, ઘઉંના પાકને નુકસાનની શક્યતા જોવા મળી છે.
સુરત જિલ્લામાં કમોસમી વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે રાજ્યમાં વરસાદની આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લાના વાતાવરમણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે સુરત જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. સુરતના ઓલપાડ, કામરેજ, બારડોલી, માંગરોળમાં છૂટો છવાયો ઝરમર વરસાદ વરસ્યો છે. જો કે કમોસમી માવઠાના પગલે ડાંગરના પાકને નુકસાન થવાની શક્યતા છે.
મહીસાગરમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ત્યારે મહીસાગરમાં પણ વહેલી સવારથી ધીમધારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જિલ્લામાં વાતાવરણ ઠંડુગાર બની ગયું છે.
વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો
વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજરોજ વહેલી સવારથી વરસાદી ઝાપટું પડતા ધરતી પુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. કેરી, કઠોળ અને શાકભાજીના પાકને નુકસાન થવાની શક્યતા છે.
ભાવનગરમાં શિયાળામાં ચોમાસાનો માહોલ
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભાવનગરમાં સવારથી જ શિયાળામાં જાણે ચોમાસાનો માહોલ હોય તેવું જોવા મળ્યું. કમોસમી વરસાદથી ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે.
ગીર સોમનાથમાં મોડીરાત્રે કમોસમી વરસાદ
ગીર-સોમનાથમાં મોડી રાતથી જિલ્લામાં કમોસમી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. જિલ્લામાં ઘઉં, બાજરી,ચણા, કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ જોવા મળી છે.