સરદાર સરોવર ડેમની જળસપાટી આજના દિવસમાં 138ને પાર કરી જશે. ગુજરાત સરકાર આ પ્રસંગે ઉત્સવની ઉજવણી કરશે. 'નમામિ દેવી નર્મદે' ઉત્સવ ઉજવાશે. રેવાના વધામણાં લેવામાં આવશે.
રચાશે ઈતિહાસ, નર્મદા નદીના વધામણા લેવામાં આવશે
ડેમની મહત્તમ સપાટીથી હાલનું જળસ્તરની દૂરી 70 સેમી
ગુજરાતના 1000થી વધુ સ્થળોએ નમામિ દેવી નર્મદે ઉત્સવ ઉજવાશે
સરદાર સરોવર નર્મદા ડેમ આજે ઈતિહાસ રચશે. હાલ નર્મદા ડેમની સપાટી 137.97 મીટર છે થોડાક જ કલાકોમાં 138ને આંબી શકે છે. આ માટે ગુજરાત સરકાર તો 'નમામિ દેવી નર્મદે ઉત્સવની ઉજવણી માટે તૈયાર જ બેઠી છે પણ ડેમમાં પાણી રોકાઈ રહેવાને કારણે મધ્યપ્રદેશમાં પુરની સ્થિતિ નિર્માણ થતી હોવાના મધ્યપ્રદેશની એક સંસ્થાના આક્ષેપો છે. જો કે, ભરૂચ માથે પણ પુરનું જળસંકટ તોળાઈ જ રહ્યુ છે.
પાણીની આવક થતા, ડેમના દરવાજા ખોલાયા
ડેમમાં 7.48 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. પાણીની ભારે આવક થતા ડેમના 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા નદીમાં 7.17 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. ડેમની મહત્તમ સપાટીથી હાલની જળસપાટીની દૂરીમાં 70 સેમી જ બાકી છે.
1000થી વધુસ્થળોએ નમામિ દેવી નર્મદે ઉત્સવની ઉજવણી
ગુજરાતના 1000થી સ્થળોએ નર્મદા મૈયાના ગુણગાન ગાતો નમામિ દેવી નર્મદેના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. 17મી સપ્ટેમ્બરે સવારે દસ કલાકે આ ઉત્સવની ઉજવણીનો મહાઆરતી સાથે તેનો આરંભ કરવામાં આવશે.આ ઉત્સવમાં સાધુ સંતો સામાજિક સેવા સંસૃથાઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને પ્રજાનો ભાગ લેશે અને ઉમંગ ઉલ્લાસથી તેની ઉજવણી કરશે.
મૃંદગના તાલે કરાશે મા નર્મદાની આરતી
ગુજરાતના દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા, મહાનગર પાલિકા સહિતના વિસ્તારોમાં મહોત્સવનો માહોલ ખડો કરીને મા નર્મદાના વધામણા કરવામાં આવશે. મંત્રોચ્ચાર કરીને નર્મદાની આરતી કરવામાં આવશે. ઢોલ,નગારા અન ત્રાંસના નાદ વચ્ચે ભવ્યાતિભવ્ય ઊજવણી કરવામાં આવશે.