Gujarat order to close all schools colleges coronavirus
કોરોના સંકટ /
8 મનપાની શાળા-કોલેજોમાં 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ, જાણો અન્ય જિલ્લામાં પરીક્ષા અંગે શું લેવાયો નિર્ણય
Team VTV04:01 PM, 18 Mar 21
| Updated: 05:33 PM, 18 Mar 21
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે શિક્ષણ જગત માટે સમાચાર મોટા સમાચાર સામે આવ્યા છે. 8 મહાનગરપાલિકામાં 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરવા અંગે રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે.
ગુજરાતમાં કોરોનાનં સંક્રમણ વધ્યું
8 મનપામાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓનલાઇન શિક્ષણ અપાશેઃ શિક્ષણમંત્રી
8 મનપા સિવાયની પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન-ઓનલાઇન પરીક્ષા લેવાશેઃ શિક્ષણમંત્રી
કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજોને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. 8 મનપામાં શાળા-કોલેજોમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. 8 મનપાની શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. મનપાની શાળા-કોલેજોમાં પરીક્ષાઓ ઓનલાઇન આપી શકાશે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક શાળાએ જઇ શકશે. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. શિક્ષણમંત્રીએ કરેલી જાહેરાત અંગે વિગતે જાણો...
રાજ્ય સરકારના અધિકારીઓની યોજાઇ હતી બેઠકઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં વધતા જતા સંક્રમણની ચિંતા કરીને શિક્ષણ અંગે નિર્ણય લેવાયો છે. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બન્ને શિક્ષણ મંત્રીઓ, સચિવ, મુખ્ય સચીવ સહિતના ઉચ્ચ અધિકારીઓની મિટિંગમાં શિક્ષણ કાર્ય અંગે મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
ભુપેન્દ્રસિંહે જણાવ્યું કે, કોલેજ અને યુનિવર્સિટીઓ માટે આવતીકાલથી 10 એપ્રિલ સુધી નિર્ધારિત સ્નાતક કક્ષાનો ઓફલાઇન પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આ માટે યુનિવર્સિટી નવેસરથી સમય પત્રક જાહેર કરશે. યુનિવર્સિટીની આજથી પરીક્ષાઓ શરૂ થઈ હતી ત્યારે હવે હાલ પૂરતી પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે.
યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલુ રહેશેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ કહ્યું કે, 10 એપ્રિલ સુધી તમામ શિક્ષણ ઓનલાઇન કરવામાં આવશે. યુનિવર્સિટીની હોસ્ટેલો ચાલુ રહેશે. વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલમાં રહીને શિક્ષણ મેળવવાનું રહેશે. ઓફલાઇનમાં ક્લાસમાં તમામ પ્રેક્ટિકલ ચાલુ રહેશે. આ નિર્ણય તમામ સરકારી તેમ જ ખાનગી યુનિવર્સિટીઓમાં લાગુ પડશે.
8 મનપામાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે, પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવાશેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું કે, આજ પ્રમાણે શાળા-કોલેજો માટે પણ રાજ્યના 8 મહાનગરપાલિકા વિસ્તારમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં આવેલ તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય આવતીકાલથી(19 માર્ચ) ઓનલાઇન આપવામાં આવશે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ઓફલાઇન શિક્ષણ આ મહાનગરપાલિકાઓમાં 10 એપ્રિલ સુધી બંધ રહેશે. પ્રાથમિક શાળાઓમાં હાલના સમય પત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવાશે.
શિક્ષણમંત્રીએ કહ્યું કે, 8 મહાનગર પાલિકા સિવાય તમામ વિસ્તારની તમામ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉપસ્થિત થનારા વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ(ઓફલાઇન) શિક્ષણ ચાલુ રહેશે. પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ 19 માર્ચથી 27 માર્ચ સુધી ઓફલાઇન લેવામાં આવશે. હાલમાં ચાલતુ ઓનલાઇન શિક્ષણ પણ હોમ લર્નિંગ ચાલુ રહેશે.
પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન-ઓનલાઇન પરીક્ષા લેવાશેઃ શિક્ષણમંત્રી
8 મનપા સિવાયની પ્રાથમિક શાળાઓમાં હાલની પદ્ધતિ મુજબ અને સમય પત્રક મુજબ ઓફલાઇન અને ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણની વ્યવસ્થા યથાવત રહેશે.
શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ગુજરાત યુનિવર્સિટીનો પરિપત્ર
રાજ્યમાં કોરોનાના સંક્રમણને લઈ ગુજરાત યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મૌકૂફ કરી છે. શિક્ષણમંત્રીની જાહેરાત બાદ ગુજરાત યુનિવર્સિટીએ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે BA, BCoM, BSc, BBA, BCAની પરીક્ષા મૌકૂફ કરી છે. તેમજ BEd, MEd, MLW, BSc FIRE, BSc FADની પરીક્ષા પણ મૌકૂફ રાખવામાં આવી છે. તેમજ આ સાથે ઈન્ટિગ્રેડેટ લૉની સેમેસ્ટર 4, 6 અને 8ની પરીક્ષા પણ મૌકૂફ રાખવામાં આવી છે. કુલપતીએ તમામ સંલગ્ન કોલેજો માટે આ આદેશ જાહેર કર્યો છે.
મહત્વનું છે કે, કોરોનાના કેસ ફરી વધતા વાલીઓ-સંગઠનોએ માગ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં કોરોનાના કેસ વધતાં વાલીઓ ચિંતામાં હતા. બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે પણ અસમંજસ હતી.
મુખ્યમંત્રીએ સંકેત આપ્યા હતા કે, બેઠકમાં લેવાશે નિર્ણય
રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને CM રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, રાજ્યમાં લોકડાઉનની અત્યારે કોઈ વિચારણા નથી. શાળાઓ ચાલુ રાખવી કે નહી તેનો નિર્ણય સાંજે લેવાશે. શાળાઓ અંગે સાંજે બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. છેલ્લા 15 દિવસથી કોરોનાના કેસ વધી રહ્યાં છે. વેક્સિનેશન ડબલ કરવામાં આવ્યું છે. કોરોના ટેસ્ટિંગમાં પણ વધારો કરાયો છે. દરરોજ 60 હજાર ટેસ્ટ કરવામાં આવશે. ટ્રેસિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ગુજરાત વાલી મંડળે શાળાઓ બંધ કરવા કરી હતી રજૂઆત
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા ગુજરાત વાલી મંડળ પણ હરકતમાં આવી ગયું છે. ગુજરાત વાલી મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખી 20 દિવસ શાળા બંધ રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે વાલી મંડળે શાળા બંધ રાખી માત્ર ફાઈનલ પરીક્ષા લેવા માટે માગ કરી હતી અને ગ્રેસીંગ માર્કસ આપીને વિદ્યાર્થીઓને પાસ કરવા માટે વાલી મંડળે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી. આ સાથે સુરતમાં 192 વિદ્યાર્થીઓ તથા અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું ગુજરાત વાલી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
સુરતમાં 7 દિવસ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું
ગઇકાલથી સુરતમાં 7 દિવસ માટે ટ્યુશન ક્લાસ, શાળા અને કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું. સુરત મનપાના નિર્ણય બાદ ક્લાસિસ સંચાલકોએ ક્લાસ બંધ કરી દીધા છે. સુરતમાં મોટાભાગના ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાયા છે. ટ્યુશન ક્લાસ બંધ કરી દેવાતા આજથી ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરાશે. તો બીજી તરફ શાળા-કોલેજોમાં પણ ઓફલાઇન શિક્ષણ બંધ કરાયું હતું.