બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં મીની વાવાઝોડાનો કહેર: ક્યાંક લગ્નમંડપ ઉડ્યો, તો ક્યાંક ગામડાઓમાં અંધારપટ છવાયો
Last Updated: 11:20 AM, 24 May 2025
ADVERTISEMENT
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં ખાસ કરીને નવસારી, ગીર સોમનાથ, વલસાડ અને તાપી પંથકમાં વરસાદનું આગમન થયું છે. કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાઈ થયાનું પણ સામે આવ્યું છે. આ સાથે ગીર સોમનાથ પંથકમાં વાવાઝોડાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે. આ તરફ વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાને કારણે અંદાજે સાતથી આઠ જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો.
નવસારી શહેરમાં ફૂંકાયો ભારે પવન
ADVERTISEMENT
વરસાદી માહોલ વચ્ચે નવસારી શહેરમાં ભારે પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. વિગતો મુજબ શહેરના લુન્સીકુઈ વિસ્તારમાં વૃક્ષ રસ્તા પર ધરાશાયી થયું હતું. આ તરફ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ધરાશાયી વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરી છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે.
ખેડૂતોને ભારે ફટકો-આંબા પરથી કેરીઓ ખરી પડી
ગીર સોમનાથ જિલ્લાના પ્રાસલી અને આસપાસના ગામમાં ભારે વરસાદ સાથે મીની વાવાઝોડું ફુંકાતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયીથયા છે. ગીર સોમનાથ જિલ્લામાં સાંજના 6વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો. ભારે પવન ફૂંકાવા સાથે કમોસમી વરસાદ શરૂ થતાં ગિરનાર વિસ્તારના અનેક ગામો તેમજ પ્રાંસલીથી લઈને ગંગાથા સુધીના માર્ગો પર અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા હતા. વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાને કારણે અંદાજે સાતથી આઠ જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ ઉપરાંત 10થી 15 ગામોને જોડતા રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ ઓચિંતો વાવાઝોડા સાથેનો વરસાદ ખેડૂતો માટે પણ મુસીબત બનીને આવ્યો છે. ઊભા પાકને ભારે નુકસાન થયું છે. ઘણા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને પવનના કારણે પાક જમીનદોસ્ત થઈ ગયા છે. એટલું જ નહીં વાડી વિસ્તારોમાં પશુપાલકો દ્વારા પશુઓ માટે બનાવેલા શેડો પણ પવનમાં ઉડીને દૂર સુધી ફેંકાઈ ગયા હોવાના અહેવાલો છે. ઓચિંતા હવામાનમાં આવેલા આ પલટા અને ભારે પવન સાથેના કમોસમી વરસાદથી ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે.
નવસારીમાં કમોસમી વરસાદે વેરી નુકસાની
નવસારી પંથકમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. મંકોડિયા, ઇટાડવા સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો છે. આ તરફ ભારે પવન સાથે વરસેલા વરસાદમાં પાક ધોવાયો છે. મહત્વનું છે કે, અહીં બાગાયતી પાકને નુકસાન થતા ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જેમાં ખાસ કરીને કેરી, ચીકુ સહિતના પાકને નુકસાન થયું છે. આ સાથે ડાંગરનો તૈયાર પાક વરસાદમાં પલળ્યો છે.
વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો
હવામાનની આગાહી પ્રમાણે વાપી અને આસપાસના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. આ તરફ વરસાદને લઈને રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ તરફ વરસાદથી કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
તાપી જિલ્લાના વાતવરણમાં આવ્યો પલટો
હવામાન અપડેટ મુજબ તાપી જિલ્લાના વાતવરણમાં પલટો આવ્યો છે. વ્યારા શહેરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે. આ તરફ શહેરના મુસા રોડ અને મિશન નાકા નજીક વરસાદ પડ્યો છે. પવન સાથે વરસાદ પડતા કેરીના પાકમાં નુકશાન જવાની ભીતિ ઊભી થઈ છે.
સુત્રાપાડામાં લગ્ન મંડપ ઉડ્યો
સુત્રાપાડાના પાંડવા ગામમાં વાવાઝોડાએ કહેર મચાવ્યો છે. વિગતો મુજબ તોફાની પવનમાં લગ્નનો મંડપ હવામાં ઉડ્યો હતો. પવન સાથે વરસાદથી જાનૈયાઓમાં દોડધામ મચી ગઈ હતી. મંડપ અને ખુરશી ઉડતાં જાનૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. જાનૈયાઓએ દોડીને નજીકના મકાનમાં આશરો લીધો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.