બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 19 May 2025
ગઢડાથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ખોપાળા ગામમાં અઢીસો વર્ષ જુનું નિલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. રાજવી પરિવાર સાથે ઘરોબો ધરાવતા શિવજીના પરમ ભક્ત અજમલદાદા યાત્રાએ કાશી ગયા અને તેમને પોતાના ગામમાં કાશી જેવું જ મંદિર બનાવવાનો વિચાર આવ્યો એટલે ત્યાંથી શિવલિંગ લઈને આવ્યા હતા અને ગામની મધ્યમાં નળીયાવાળા મકાનમાં શિવલિંગની સ્થાપના કરી હતી. ભાવનગરના મહારાજા પણ અહિં આવી પૂજા અર્ચના કરતા હતા. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ખોપાળા ગામમાં મહાદેવજીનું મંદિર આવેલું છે. ગામની મધ્યમાં આવેલુ નિલકંઠ મહાદેવનું આ ઐતિહાસિક મંદિર અઢીસો વર્ષ જુનું છે. મહાદેવજીના મંદિરમાં રણછોડરાયની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવેલી છે. શિવભક્તો દરરોજ નિલકંઠ મહાદેવના મંદિરે દર્શને આવી મહાદેવજીને બિલીપત્ર, ફૂલ અને દૂધનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. મહાદેવજીના મંદિર સાથે શિવ ભક્તોની અતુટ શ્રધ્ધા જોડાયેલી છે. સાચા હ્રદયથી ભક્તો શિવના ચરણોમાં શીશ ઝુકાવી મહાદેવજીને પોતાની સમસ્યાના સમાધાન માટે પ્રાર્થના કરે છે અને મહાદેવજીના આશીર્વાદથી તમામ સમસ્યાનું સમાધાન પણ થાય છે.
ADVERTISEMENT
ગઢડાના ખોપાળા ગામમાં બિરાજમાન નિલકંઠ મહાદેવ
ADVERTISEMENT
ખોપાળા ગામની મધ્યમાં રમણીય વાતાવરણમાં વચ્ચે આવેલી નિલકંઠ મહાદેવના મંદિરનો ઈતિહાસ રોચક છે. લોકવાયકા મુજબ ખોપાળા ગામે રહેતા વિદ્વાન બ્રાહ્મણ અજમલદાદા રાવલનો ભાવનગરના રાજવી પરિવાર સાથે સારો ઘરોબો હતો. અજમલદાદા રાવલ શિવજીના ઉપાસક હતા અને શિવ પ્રત્યે તેમને અતુટ વિશ્વાસ અને શ્રદ્ધા હતી. અજમલદાદા રાવલ કાશી વિશ્વનાથ યાત્રાધામમાં જાત્રાએ ગયા હતા ત્યારે કાશી વિશ્વનાથમાં તેમને વિચાર આવ્યો કે મારા ગામમાં પણ કાશી વિશ્વનાથની સ્થાપના કરું અને એટલે કાશી વિશ્વનાથથી તેઓ શિવલિંગ લાવ્યા હતા અને ખોપાળા ગામમાં દેશી નળીયાવાળા મકાનમાં ગામ લોકોની હાજરીમાં વાજતે-ગાજતે શિવલિંગની સ્થાપના કરી હતી અને નિલકંઠ મહાદેવ નામ આપ્યુ હતું કહેવાય છે કે શિવલિંગની સ્થાપના પછી ભાવનગર મહારાજા પણ ખોપાળા ગામે મહાદેવના દર્શને આવ્યા હતા અને મંદિર બનાવવામાં પૂરેપૂરો સહયોગ આપી નાનકડું મંદિર બનાવ્યું હતું. અઢીસો વર્ષ જૂના મહાદેવજીના મંદિરે દરેક વાર તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. મંદિરે દર વર્ષે શિવપૂરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ગામના તેમજ આજૂબાજૂના ગામના શિવભક્તો જોડાય છે. મંદિરે ગામની બહેનોનું શિવમંડળ નિયમિત ધુન, ભજન અને સત્સંગ કરી મંદિર અને ગામના વાતાવરણને ભક્તિમય રાખે છે.
આ પણ વાંચો: વક્તાપુરમાં બિરાજે રોકડિયા હનુમાનજી, દાદાનો રણકતા રૂપિયા જેવો હિસાબ, ઈતિહાસ અદ્ભુત
વર્ષો જૂના નાના મંદિરને ગ્રામવાસીઓએ આપ્યુ વિશાળ સ્વરુપ
ખોપાળા ગામના લોકો પોતાના દિવસની શરુઆત નિલકંઠ મહાદેવ મંદિરે દર્શન કરીને કરે છે. શિવભક્તો દરરોજ સવારે મંદિરે આવી મહાદેવને બીલીપત્ર, ફૂલો તેમજ દૂધનો અભિષેક કરીને પોતાના ધંધા રોજગાર પર જાય છે. શિવરાત્રીએ ભજન ધૂન યોજી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તો શ્રાવણ માસ દરમ્યાન ભગવાન ભોળાનાથને અલગ અલગ શૃંગાર કરી શણગારવામાં આવે છે. સંપૂર્ણ શ્રાવણ માસ દરમ્યાન શિવપૂરાણ કથાનું આયોજન કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી વિશેષ આરતી અને દિપમાલા યોજાય છે અને શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં શિવભક્તોનો સવારથી મંદિરે મેળાવડો જામે છે અને લોક મેળો યોજાય છે. પૌરાણિક નિલકંઠ મહાદેવ મંદિરે અનેક લોકોને મહાદેવજીનો સાક્ષાત્કાર થયો છે. શ્રદ્ધાથી કોઈપણ વ્યક્તિ ભોળાનાથને શિશ ઝુકાવી પ્રાર્થના કરે એટલે ભોળાનાથ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. વર્ષો જૂનુ નિલકંઠ મહાદેવનું નાનુ મંદિર ગામના તમામ લોકોના સહકારથી વિશાળ સ્વરુપમાં ફેરવાયુ છે. શ્રાવણ માસમાં દાદાને વિશેષ શણગાર, મહાઆરતી, ભજન ધૂન તેમજ વ્યસન મુક્તિ અભિયાન, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો કરી ભક્તિ સાથે સેવાના કામ કરી ગામના લોકો ધન્ય થાય છે. નિલકંઠ મહાદેવ મંદિરમાં ડાકોરના રણછોડરાયની મૂર્તિ જેવી જ આબેહુબ રણછોડરાયની મુર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. નિલકંઠ મહાદેવ મંદિર પર અતુટ શ્રધ્ધા ધરાવતા ભાવિકો મહાદેવજીના દર્શનની સાથે સાથે રણછોડરાયના દર્શન કરી નવી શક્તિના સંચાર સાથે ઘરે જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.