બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ક્યાંક બાળકોનું રેસ્ક્યૂ કરાયું, તો ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા, દ્વારકામાં તો ફાયર ટીમ તૈનાત કરવી પડી
9 ફોટો ગેલેરી
Last Updated: 04:17 PM, 5 July 2025
1/9
ભાવનગર શહેરમાં તંત્રની બેદરકારીને કારણે સામાન્ય નાગરિકોની જિંદગી જોખમમાં આવી રહી છે. શહેરના RTO ઓફિસ નજીક છેલ્લા ઘણા વર્ષોથી ઓવરબ્રિજનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજના સર્વિસ રોડ પર ખાડાઓ થઈ ગયા છે. ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા આ ખાડા દેખાતા નથી અને વાહનચાલકો અજાણમાં ખાડામાં પડી જાય છે. અહીં અવારનવાર અકસ્માત સર્જાય છે અને તેની કેટલીક ઘટનાઓ CCTV કેમેરામાં કેદ પણ થઈ છે. લોકો ભય સાથે રસ્તા પરથી પસાર થવા મજબૂર છે. અનેકવાર સ્થાનિકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. હવે લોકોનો પ્રશ્ન છે — શું કોઈનો જીવ ગયા પછી જ તંત્ર જાગશે?
2/9
સુરત શહેરમાં સવારથી જ મેઘરાજાએ ધોધમાર એન્ટ્રી લીધી છે. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ખાડાઓને કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે. સુરતમાં સરદાર માર્કેટથી લઈને સ્મીમેર હોસ્પિટલ સુધી માર્ગ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. શારદરવાજા, અઠવા ગેટ, કતારગામ અને મજૂરાગેટ જેવા વિસ્તારોમાં પણ ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સરદાર માર્કેટ સામે ચાલી રહેલી રોડ કામગીરીને કારણે રસ્તો વધુ સાંકડો થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આવતા બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. અત્યારસુધીમાં શહેરમાં સિઝનનો કુલ 36 ઇંચ એટલે કે અંદાજે 63 ટકા વરસાદ નોંધાયો છે.
3/9
અરવલ્લી જિલ્લાના મોડાસા પંથકમાં છેલ્લા પંદર દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો છે. ભારે વરસાદના પગલે ગામોને જોડતા અનેક રસ્તાઓ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે. ખાસ કરીને મોડાસાના નવા સબયાર્ડની બાજુમાંથી પસાર થતો રસ્તો સંપૂર્ણપણે તૂટી ગયો છે. જેને પગલે મદાપુરકંપા, મહાદેવગ્રામ સહિતના ગામોનો અવરજવરનો રસ્તો બંધ થયો છે. એટલું જ નહીં પશુપાલકોના પશુ ખાડામાં પડી જાય છે, ટુ વ્હીલર્સ પણ માંડ માંડ પસાર થઇ શકે છે. રાતના સમયે વાહનો ફસાઈ જવાની પણ ઘટના બને છે. પંચાયતના માર્ગ અને મકાન વિભાગમાં સ્થાનિકો વારંવાર રજૂઆત કરે છે. પરંતુ દર વર્ષે રસ્તો તૂટી જવાની સમસ્યા ઉભી થાય છે. ત્યારે હાલ રસ્તાના અભાવે અકળાયેલા લોકોએ તાત્કાલિક રસ્તો બનાવી આપવા માગ કરી છે. જો રસ્તો નહીં બનાવવામાં આવે તો સ્થાનિકોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
4/9
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બે દિવસથી મેઘરાજા મહેરબાન બન્યાં છે. તાલુકાના બાકોડી, લાંબા, ભાટિયા, ભોગાત સહિતના ગામોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદને પગલે ગામોની મુખ્ય બજારોમાંથી ધસમસતા પાણી વહેતા થઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે.
5/9
અમરેલી જિલ્લાના લિલીયા તાલુકામાં રસ્તાઓની બિસ્માર હાલત સામે રહીશો પરેશાન થઈ રહ્યા છે. હનુમાન પરા, સાઈનાથ પરા અને વેલનાથ પરા વિસ્તારમાં લોકો ખાડા, કાચા રસ્તા અને વરસાદી પાણીથી પરેશાન છે. આ વિસ્તારોના રહીશોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ સંરપચ સહિત ગ્રામ પંચાયતને રજૂઆત કરતા આવ્યા છે, પણ હજુ સુધી કોઈ પણ પ્રશ્નનો નિકાલ થયો નથી.
6/9
તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડતા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ખાસ કરીને ખટાર ફળિયાથી કાનપુરા વચ્ચેના માર્ગ પર પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. વ્યારા તાલુકામાં આવેલ સોસાયટીઓ નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકો અને સોસાયટીના રહીશોની સમસ્યામાં વધારો થયો છે. બિલ્ડરો દ્વારા કરાયેલ દબાણને લઈ ગટર લાઈનનું પુરાણ કરવામાં આવતા પાણી ભરાયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
7/9
સાબરકાંઠાના કડિયાદરા ગામના લોકો પાણી સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે. કડીયાદરા ગામના રામનગરમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે સ્થાનિકોએ પાણી નિકાલની વ્યવસ્થા કરવા માગ કરી. ચોમાસાની ઋતુમાં ત્રણ ત્રણ વાર વરસાદી પાણી ભરાયા હતા. મકાનો તેમજ ફળિયાઓમાં કેડસમા પાણી ભરાતા સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. સ્થાનિક રહીશો પાણીના નિકાલ માટે તંત્ર પાસે આજીજી કરી રહ્યા છે.
8/9
દ્વારકામાં ભારે વરસાદને લઈ વહીવટી તંત્ર ખડે પગે છે. દ્વારકા મામલતદાર કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. શહેરમાં નગરપાલિકા તેમજ ફાયર ટિમ એલર્ટ થઈ ગઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી મંત્રી અને સરપંચ સાથે તંત્ર સતત સંપર્કમાં છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી પગલે તરવૈયાની ટિમ પણ તૈનાત કરાઈ છે.
9/9
હળવદના ઘનશ્યામપુરમાં વરસાદી પાણી ભરાઈ ગયા. ઘનશ્યામપૂર ગામની મોડેલ આંગણવાડીમાં પાણી ભરાઈ ગયા. આંગણવાડીમાં પાણી ભરાઈ જતાં બાળકોને રજા અપાઈ. વરસાદી પાણીનો નિકાલ બંધ થઈ જતાં પાણી ભરાયાં. પાણી નિકાલ માટે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા બાળકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ