એડીચોટીનું જોર /
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપની તૈયારીઃ ચિંતન શિબિરમાં કયા મુદ્દાઓ પર ભાર મુકવા તૈયાર કરાશે રણનીતિ
Team VTV08:34 AM, 11 Dec 20
| Updated: 08:36 AM, 11 Dec 20
કોરોના કાળમાં ગુજરાતમાં હાલ ફરી ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે. જેને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ ચિંતન શિબિરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભાજપની તૈયારીઓ
12-13 ડિસેમ્બર બે દિવસ યોજાશે ચિંતન શિબિર
ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજર રહેશે
ગુજરાતમાં હાલ ફરી ચૂંટણીને લઇને રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલ રાજ્યમાં હજુ પણ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં ફરી ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ફરી કેસોમાં વધારો થાય તેવી સંભાવના છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીને લઇને આગામી 12 અને 13 ડિસેમ્બરના રોજ બે દિવસ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રદેશ ભાજપની આ બે દિવસની ચિંતન શિબિરમાં ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ હાજર રહેશે. આ બેઠકમાં સીએમ વિજય રુપાણી, ડે. સીએમ નીતિન પટેલ સહિત મોવડી મંડળના સભ્ય હાજર રહેશે.
આ ચિંતન શિબિરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કયા-કયા મુદ્દાઓ પર ભાર મુકવો તે અંગે મંથન કરવામાં આવશે. સરકારી યોજનાઓના પ્રચાર માટે વ્યૂહરચના ઘડવામાં આવશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ફેબ્રુઆરી 2021માં યોજવાનું લગભગ નક્કી થઇ ગયું છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં બાંહેધરી આપી હતી. કોરોના સંક્રમણને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણી 3 મહિના પાછી ઠેલવામાં આવી હતી. આમ સુપ્રીમમાં રાજ્ય સરકારની બાંહેધરી બાદ ચૂંટણીઓ માટેની તૈયારીઓ જોરશોરથી શરુ થઇ છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજ્યમાં 3 મહિના વહીવટદારની નિમણૂંક કરવામાં આવશે. જો કે આ વહિવટદારો નીતિ વિષયક નિર્ણય નહીં લઇ શકે. મહાનગરપાલિકામાં કમિશનર વહીવટદાર રહેશે. નગરપાલિકામાં ચીફ ઓફિસર વહીવટદાર રહેશે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ડીડીઓ વહીવટદાર રહેશે.
રાજ્યમાં હાલ કોરોનાકાળ દરમિયાન ફરી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા રેલીઓ સાથે વારંવાર કોવિડ-19 નિયમોનું ઉલ્લંઘનના દ્રશ્યો પણ જોવા મળશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસની મહત્વની બેઠક મળી હતી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે સૌથી મોટા સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં આગામી ફેબ્રુઆરી-2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવામાં આવશે. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીને લઇને ભણકારા વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીને કવાયત શરૂ કરવામાં આવી છે. બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં 5 જિલ્લાના અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં મહત્વના મુદ્દાની ચર્ચાઓ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવાર જિલ્લા કોંગ્રેસ દ્વારા નક્કી કરવામાં આવશે. પ્રભારી રાજીવ સાતવે ઉમેદવારીની પસંદગી માટે જિલ્લા કોંગ્રેસને છૂટ આપી છે. રાજીવ સાતવની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ સાથેની બેઠકમાં સૂચનમાં આપવામાં આવી હતી.