VTVGujarati.comએ કરેલી તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતના 5 સાંસદ અને 5 ધારાસભ્યોનાં કે તેમની પત્નીના વાહનો પર પોલીસે કરેલાં દંડ તેઓએ ભર્યા નથી. સામાન્ય ટ્રાફિક ભંગમાં પ્રજાને દંડવા નીકળેલાં ગુજરાતના પરિવહન મંત્રી આર.સી. ફળદુ ખૂદ મેમો ભરે તો ય બસ થયું. ઉપરાંત પરિવહન સચિવશ્રીને વિનંતી કે વિધાનસભા અને સંસદમાં બેસી ટ્રાફિક દંડના નવા નિયમ બનાવનારા સાંસદો અને ધારાસભ્યોએ જે ટ્રાફિક દંડ નથી ભર્યા તેની સત્વરે ઉઘરાણી કરશોજી.
આ તપાસમાં નેતાઓ દ્વારા વિધાનસભા, લોકસભા અને રાજ્યસભા ચૂંટણી દરમિયાન ઉમેદવારી પત્ર ભરતી વખતે જમા કરાવેલ એફિડેવીટમાં (https://adrindia.org ના આધારે) ઉલ્લેખ કરેલ સંપત્તિમાં તેમના વાહનોની માહિતી મળી હતી. જેના આધારે ઇ-ચલાણ વેબસાઇટ પર રેકૉર્ડ ચેક કરતા અલગ અલગ નેતાઓની દંડ ન ભર્યાની માહિતી મળી હતી. જે નીચે પ્રમાણે છે. આમ આ માહિતી જોતાં પોલીસ ચોપડે તો નેતાઓના ટ્રાફિક દંડ બાકી બોલે જ છે. ત્યારે સવાલ એ થાય છે કે પોલીસનો ડેટા અપડેટ નથી કે પછી નેતાઓને દંડ ભરવામાં રસ નથી અને માત્ર સામાન્ય પ્રજાને દંડવામાં મજા આવે છે.
ખુદ પરિવહન મંત્રી આર.સી. ફળદુએ 9 મહિનાથી દંડ નથી ભર્યો
ગુજરાતના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ પોતાની હીરો હોન્ડા સ્પ્લેન્ડર GJ 10 AQ 6216 પર હેલમેટ ન પહેરવા બદલ રાજકોટ પોલીસે જાન્યુઆરી 2019માં કરેલો દંડ હજુ સુધી ભર્યો નથી. જો કે ટ્રાફિક નિયમો પાળવાની ડાહી ડાહી વાતો કરનાર પરિવહન મંત્રી પોતે જ 9 મહિના પહેલાં થયેલો દંડ ભરે તો ઘણું. આ તો વાડ જ ચીભડાં ગળે તેવું થયું.
આર.સી ફળદુની એફિડેવિટ અને ઈ-ચલાણનો સ્ક્રીનશોટ (Source : https://rajkotcitypolice.co.in)
દંડ નહીં ભરવામાં સાંસદો પણ પોલીસના ચોપડે
રાજ્યસભા અને લોકસભાના સાંસદ એવા 5 ગુજરાતી સાંસદોએ પોલીસે ટ્રાફિક નિયમના ભંગ બદલ લગાડેલાં દંડ નથી ભર્યા. નવાઈની વાત તો એ છે કે ગુજરાતના સૌથી સમૃદ્ધ સાંસદ રમેશ ધડૂકે 800 રૂપિયાના ચાર ઈ મેમા હજુ નથી ભર્યા અને દર્શના જરોદોશ તો જાણે ટ્રાફિક નિયમોના ભંગ કરવામાં માહીર હોય તેમ ડેન્જરસ સ્પીડ ડ્રાઈવીંગથી લઈ પાર્કિંગ નિયમો ભંગ કરવામાં આગળ છે. ટ્રાફિક દંડના ઈ મેમો ના ભરનાર અન્ય સાંસદ નીચે મુજબ છે.
સાંસદનું નામ
ક્યો ટ્રાફિક નિયમ ભંગ કર્યો
કુલ બાકી દંડની રકમ
દર્શના જરદોશ
ડેન્જરસ સ્પીડ ડ્રાઈવીંગ
રૂ. 600
અયોગ્ય પાર્કિંગ
સ્ટોપલાઈન ક્રોસ કરવી
હેલમેટ ન પહેરવો
મધુસુદન મિસ્ત્રી
અયોગ્ય પાર્કિંગ
રૂ. 500
ટ્રાફિક લાઈટ ભંગ
મિતેશ પટેલ
સ્ટોપલાઈન ક્રોસ કરવી
રૂ. 100
રાજેશ ચુડાસમા
ડેન્જરસ સ્પીડ ડ્રાઈવીંગ
રૂ. 500
રમેશ ધડૂક
હેલમેટ ન પહેરવો
રૂ. 800
સ્ટોપલાઈન ભંગ
ધારાસભ્યોએ ડેન્જરસ ડ્રાઈવીંગ કરવાનુંય અને દંડેય નહીં ભરવાનો
સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ 9 વખત ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો છે. જેમાં સુરત પોલીસે 4 વખત તો ડેન્જરસ સ્પીડ ડ્રાઈવીંગ અંગે દંડ ફટકાર્યો છે. પણ આમને તો કુલ 4500 રૂપિયાનો દંડ હજુ ભરવાનો બાકી છે. ત્રણ વખત તો 1 હજારનો દંડ થયો છે છતાં ભર્યો નથી. આ સાથે જ દંડની બાકી રકમોમાં ધારાસભ્યોનું લિસ્ટ નીચે મુજબ છે.
ધારાસભ્ય/નેતાનું નામ
ક્યો ટ્રાફિક નિયમ ભંગ કર્યો
કુલ બાકી દંડની રકમ
આર.સી. ફળદુ
હેેલમેટ ન પહેરવો
રૂ. 100
હર્ષ સંઘવી
ડેન્જરસ સ્પીડ ડ્રાઈવીંગ
રૂ. 4500
ટ્રાફિક લાઈટ ભંગ
સીટ બેલ્ટ ન પહેરવો
બલદેવજી ઠાકોર
ટ્રાફિક લાઈટ ભંગ
રૂ. 100
ઈમરાન ખેડવાલા
હેલમેટ ન પહેરવો
રૂ. 600
ટ્રાફિક લાઈટ ભંગ
લાખા સાગઠિયા
સ્ટોપલાઈન ભંગ
રૂ. 100
બાકી દંડની રકમ આ વેબસાઈટ પર તપાસ કરતા માલૂમ પડ્યું
આ તપાસ દરમિયાન કેટલાક નેતાઓના ટ્રાફિક નિયમોના દંડની રકમ ભરેલી પણ જોવા મળી હતી.
પોલીસ ઉઘરાણી કેમ કરતી નથી?
સામાન્ય પ્રજા પાસેથી ટ્રાફિક દંડ વસુલવામાં 100 રુપિયા પર ન છોડતી પોલીસ આ મંત્રી, સાંસદ અને ધારાસભ્યના ઈ મેમોની ઉઘરાણી ક્યારે કરશે. જો કે ઓનલાઈન સાઈટ પર એવું પણ એક નોંધ તરીકે જણાવવામાં આવે છે કે જો દંડની ચૂકવણી જો ઑનલાઈન નહીં પરંતુ ઑફલાઈન ભર્યો હોય તો આ લિસ્ટમાં ન પણ હોય. ત્યારે વધુ એક સવાલ એ થાય છે કે કાં તો નેતાઓ દંડની રકમ ભરતાં નથી અથવા તો પોલીસ તંત્રને આ ઑનલાઈન યાદીને અપડેટ કરવાનો સમય નથી. એટલે જો સામાન્ય પ્રજા સાથે પણ આવું થાય તો લોકો પણ મૂંઝવણમાં જ રહે કે તેમનો દંડ ભરાઈ ગયો છે કે નહીં. જ્યારે બીજી બાજુ જો નેતાઓએ દંડ ભરી પણ દીધો હશે તો જાહેરમાં ઉપલબ્ધ એવો અપડેટ ન થયેલો ડેટા નેતાઓની ઈમેજ ખરાબ પણ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ CM રૂપાણીની ગાડીનું PUC અને વીમો ભરેલો નથી એવો ખોટો મેસેજ વાયરલ થયો હતો અને વિવાદ ઊભો થયો હતો. ત્યારે જો પોલીસ ચોપડે પણ ડેટા ક્યાંક અપડેટ નથી થયો તો નેતાઓના બાકી દંડની રકમના પણ મેસેજ વાયરલ થઈ શકે છે. આશા રાખીએ આ રિપોર્ટ જોઈને નેતાઓ દંડ ભરી દેશે અથવા તો પોલીસ તેમનો ડેટા અપડેટ કરી દેશે.