સમગ્ર દેશમાં CAA લાગુ થતા વિરોધ પ્રદર્શનો થયા હતા. ત્યારે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં પણ હિંસક દેખાવો થયા હતા. આ મામલે પોલીસ દ્વારા ક્રાઈમ બ્રાંચે કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ, મુફિસ અહેમદ અન્સારી અને ઉમરખાન પઠાણ સહિત 70થી વધુ આરોપીઓની ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. બીજી તરફ વડોદરામાં પોલીસ પર હુમલો કરનારની પણ ધરપકડ થઇ છે. ત્યારે આ તોફાનો મામલે રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કેટલાક આરોપો લગાવ્યા છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ લગાવ્યો આરોપ
કોંગ્રેસે લોકોને ઉશ્કેરીને તોફાનોના ષડયંત્ર કર્યા
CCTVના ફૂટેજમાંથી તોફાની તત્વોને ઓળખવાની કામગીરી ચાલુ છે
કોર્ટે આરોપીઓને જામીન નથી આપ્યા
અમદાવાદના શાહઆલમમાં થયેલા તોફાનના મામલે પ્રદિપસિંહના આરોપ લગાવતા જણાવ્યુ હતું કે અમદાવાદ અને વડોદરાના તોફાનો પાછળ કોંગ્રેસનું ષડયંત્ર છે. કોંગ્રેસે લોકોને ઉશ્કેરીને તોફાનોના ષડયંત્ર કર્યા છે. CCTVના ફૂટેજમાંથી તોફાની તત્વોને ઓળખવાની કામગીરી ચાલુ છે. કોર્ટે આરોપીઓને જામીન આપ્યા નથી.
પ્રદિપસિંહે કહ્યું હતું કે, CAA લાગુ થતા ભારતનો નાગરિક હોય તેમને કોઇ અસર થવાની નથી. પરંતુ કોંગ્રેસે તોફાનોના ષડયંત્ર કર્યા છે. આવુ કરનારા તત્વોને વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહીના પ્રક્રિયા ચાલું છે. સરકાર કાયદાકિય પરિપેક્ષની અંદર હાલ સંપૂર્ણ રીતે કડકાયથી તેમના પર એક્શન લેવાય તેના પર કટિબદ્ધ છે.
ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાયઃ કોર્ટ
અમદાવાદના શાહઆલમમાં ઘષર્ણના મામલે જામીનનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો. 6 મહિલા આરોપીઓની રેગ્યુલર જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દિધી હતી. આ સાથે મસ્તાન ગેંડા અને મયુદીન દિવાનની પણ જામીન અરજી કોર્ટે ફગાવી દિધી હતી. આ મામલે કોર્ટે જણાવ્યુ હતું કે ગંભીર ગુનામાં આરોપીને જામીન ન આપી શકાય.
મહત્વનું છે કે, અમદાવાદના શાહઆલમમાં હિંસા મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. CCTV ફૂટેજ અને વીડિયોગ્રાફીના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ઘર્ષણમાં સામેલ હજુ પણ કેટલાક આરોપીઓ ફરાર છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની જુદી-જુદી ટીમ કામે લાગી છે. જ્યારે વડોદરામાં પોલીસ પર હુમલો કરનારની ધરપકડ થઇ છે. ક્રાઈમ બ્રાન્ચે હુમલાના મુખ્ય ચાર આરોપીઓની ધરપકડ કરી છે. હાથીખાના વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. શાહરૂખ ઉર્ફે એનડી પઠાણ, સાબીર ઉર્ફે ગોલી શેખની ધરપકડ થઇ છે. જાવેદ ઉર્ફે દેડકી પઠાણ, વસીમ ઉર્ફે ગોલી શેખની ધરપકડ થઇ છે.