Gujarat High Court slams AMC in the case of the egg-nonveg lorries
અમદાવાદ /
કોના કહેવાથી નિર્ણય લીધો, તમે નક્કી કરશો કે લોકોએ બહાર શું ખાવાનું? ગુજરાત હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી
Team VTV02:29 PM, 09 Dec 21
| Updated: 02:33 PM, 09 Dec 21
અમદાવાદ શહેરમાં રોડ રસ્તા ઉપર ઈંડા-નોનવેજની લારીઓનો મુદ્દે હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી હાઈકોર્ટે કહ્યું કે લોકોને પોતાની મરજી મુજબની વસ્તુ ખાવાથી કેમ રોકી શકો?
ઈંડા-નોનવેજની લારી ઉપર પ્રતિબંધનો મુદ્દો
ગુજરાત હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર
તમે કઈ રીતે નક્કી કરશો કે લોકોએ શું ખાવુ?
અમદાવાદ શહેરમાં રોડ રસ્તા ઉપર ઈંડા-નોનવેજની લારીઓનો મુદ્દે હાઈકોર્ટે AMCની ઝાટકણી કાઢી છે. AMCના અધિકારીની ઝાટકણી કાઢતા હાઈકોર્ટે કહ્યું કે લોકોને પોતાની મરજી મુજબની વસ્તુ ખાવાથી કેમ રોકી શકો? હાઈકોર્ટે અધિકારીઓને સવાલ કરતા પૂછ્યું હતું કે કોઈ હોદ્દેદારના કહેવાથી આવો નિર્ણય લેવાયો? ન્યાયાધીશે અધિકારીઓને પૂછ્યું કે, કાલે તમે નક્કી કરશો કે અમારે બહાર મારે શું ખાવાનું છે ? આમ હાઈકોર્ટે ઝાટકણી કાઢતા સત્તામાં બેઠેલા લોકો નક્કી કરશે કે લોકોએ શું ખાવું જોઈએ? એમ વેધક સવાલ કર્યો હતો.
ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવાનો મામલો
મહત્વનું છે કે અમદાવાદમાં અગાઉ જાહેરમાં ચાલતી ઈંડા અને નોનવેજ ની લારીઓ તાત્કાલિક દૂર કરવા ખુદ મનપાના રેવન્યુ કમિટી ચેરમેન સી એ જૈનિક વકીલએ મનપા કમિશનરને પત્ર લખ્યો હતો જે બાદ શહેરમાં પણ ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી દૂર કરવા નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. નિર્ણયને પગલે જાહેર રોડ પરથી લારી ગલ્લાઓ દુર કરવાની સાથે શહેરના મુખ્યમાર્ગો પર ધાર્મિક સ્થળો નજીક ઈંડા-નોનવેજના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. આવો જ તઘલખી નિર્ણય રાજકોટ વડોદરા, ભાવનગર, જુનાગઢ જેવા મોટા શહેરોમાં પણ અમલ કરવામાં આવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.. જે બાદ શહેરોમાં ઈંડા-નોનવેજની લારીઓ રસ્તા પરથી હટાવવાના નિર્ણય પર ફેરવિચારણાં કરવામાં આવી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવેદન બાદ ઈંડાની નહીં તમામ લારીઓ હટાવાઈ હતી.
ભારે વિરોધ બાદ નિર્ણયમાં યુ-ટર્ન લેવાયો હતો
અમદાવાદ મનપા એસ્ટેટ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ અમદાવાદ શહેરમાં જાહેર માર્ગ પર વેચાણ કરતા ઈંડા- નોનવેજ ની લારીઓ બંધ કરવા નિર્દેશ આપ્યા હતા. ત્યાર બાદ કામગીરી શરૂ કરાઇ અને વિરોધ પણ થઈ રહ્યો છે ત્યારે મેયર કિરીટ પટેલે આ કામગીરી ભેદભાવ પૂર્ણ ના હોવાની સ્પષ્ટતા કરી છે.. મેયરે સ્પષ્ટ કર્યું કે અમદાવાદ મનપા ટ્રાફિક સમસ્યાઓ હોય ત્યાં રૂટિન કામગીરી ચાલી રહી છે, આ નિર્ણયને ધર્મ-જાતિ સાથે કોઈ લેવાદેવા નથી. લોકોને જે ખાવું હોય એ ખાવા સ્વતંત્ર છે.
સીએમ ભુપેન્દ્ર પટેલના નિવેદન બાદ ઈંડાની નહીં તમામ લારીઓ હટાવાઈ
મહાનગરપાલિકામાં ઈંડા અને નોનવેજ ની લારીઓ દૂર કરવા નિર્ણય તો લેવાયો પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલના એક નિવેદન બાદ તંત્રએ નિર્ણય પર યુ-ટર્ન લેવો પડ્યો હતો. CMએ કહ્યું કે લોકોએ શું ખાવું તેના માટે સ્વતંત્ર છે, આ નિર્ણયમાં વેજ-નોનવેજનો સવાલ જ નથી. ટ્રાફિકને નડતી લારીઓને જ હટાવવામાં આવશે. આ નિવેદન બાદ મેયર અને તંત્રએ પણ એવું જ કહ્યું હતું કે માત્ર ટ્રાફિકને નડતી કે દબાણમાં આવતી લારીઓને જ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.