Team VTV02:01 PM, 15 Nov 22
| Updated: 02:20 PM, 15 Nov 22
ગુજરાત હાઇકોર્ટમાં આજે મોરબી પુલ દુર્ઘટના મામલે સુઓમોટો પર સુનાવણી દરમ્યાન હાઇકોર્ટનો રાજ્ય સરકારને 2 જ સપ્તાહમાં તમામ સવાલોની વિગતો એફિડેવિટમાં રજૂ કરવા આદેશ.
મોરબી પુલ દુર્ઘટના મામલે HCમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ
બે જ સપ્તાહમાં રાજ્ય સરકારને એફિડેવિટ રજૂ કરવા HCનો આદેશ
કરાર બાદ પુલનું સમારકામ થવું જોઈતું હતું: ગુજરાત હાઇકોર્ટ
મોરબી પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી હાથ ધરાઇ. જેમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સોગંદનામું રજૂ કર્યું હતું. એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપતા કહ્યું કે, 'દિવાળીના તહેવારના લીધે પુલ પર લોકોનો ઘસારો હતો. દરરોજ સરેરાશ 3165 મુલાકાતીઓ આવતા હતા, એક સમયે ૩૦૦ મુલાકાતીઓ બ્રિજ પર રહેતા. તપાસ ચાલી રહી છે, FSL પણ તપાસ કરી રહી છે. અધિકારીને સસ્પેન્ડ કરાયા છે અને કેટલાકની ધરપકડ પણ કરાઈ છે.'
બ્રિજની ફિટનેસ પ્રમાણિત કરવાની જવાબદારી કોની હતી?: HC
ત્યારે આ મામલે હાઇકોર્ટે સવાલ પૂછતા કહ્યું કે, 'કરાર બાદ પુલનું સમારકામ થવું જોઈતું હતું અને પછી એન્જીનિયરોએ પ્રમાણિક કરવાનું હતું પણ કશું ન કરાયું. પ્રથમ કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ કયા આધારે કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજને ૩ વર્ષ ચલાવવાની મંજૂરી અપાઈ? બ્રિજની ફિટનેસ પ્રમાણિત કરવાની જવાબદારી કોની હતી? રાજ્ય સરકાર તમામ સવાલોની વિગતો 2 સપ્તાહમાં એફિડેવિટમાં રજૂ કરે. કોન્ટ્રાક્ટની શરૂઆતથી આજ સુધીની તમામ ફાઈલ સુરક્ષિત કરી સીલબંધ કવરમાં રજિસ્ટ્રીને સોંપો. સિવિક બોડીના મુખ્ય અધિકારી સામે કેમ કાર્યવાહી નથી કરાતી? શું સરકાર એક માત્ર પરિવારમાં કમાતા સભ્યનું મૃત્યુ થયું હોય તો પરિવારમાંથી કોઈ સભ્યને નોકરી આપી રહી છે?' જોકે હવે આ મુદ્દે આગામી સુનાવણી 24 નવેમ્બરના રોજ હાથ ધરાશે.