રાજ્યમાં કોરોનાના કેસમાં દિવાળી સમયે જે ઉછોળો નોંધાયો હતો અને ચિંતા વધી હતી તે હવે ધીમે-ધીમે ઓસરી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે, છેલ્લા એકાદ અઠવાડિયાથી કેસ ઘટ્યા છે અને રિકવરી રેટ વધ્યો છે ત્યારે આજે DyCM નીતિન પટેલે કોરોનાના કેસ મુદ્દે એક નિવેદન આપ્યું હતું.
કોરોનાના કેસને લઇને નાયબ મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે ઘટાડો
વેક્સિનેશન અંગેની કામગીરી પણ કરાઇ પૂર્ણ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં કોરોનાના કેસ વિશે જણાવ્યું હતું કે,દિવાળી બાદ સતત કોરોનાના કેસ વધ્યા હતા પરંતુ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તો તેમણે જણાવ્યું હતું કે, તે વખતે હોસ્પિટલમાં બેડ વધારવા સૂચના અપાઈ હતી પરંતુ મને વિશ્વાસ હતો કે કોરોનાનું સંક્રમણ ઘટશે. તો કોવિડ બેડ મુદ્દે તેમણે કહ્યું હતું કે, બેડ ભલે વધાર્યા હોય તેની જરૂર પડશે નહીં અને અમદાવાદમાં હાલ અમદાવાદ શહેર સહિત 50% પથારીઓ ખાલી છે.
કોરોનાની રસીને લઇને આપ્યું નિવેદન
કોરોના વેક્સિન મામલે નીતિન પટેલે જણાવ્યું હતું કે, વેક્સિન માટે ગુજરાતમાં તમામ તૈયારી કરી દેવાઈ છે તો કર્મચારીઓની તાલીમ પણ પૂર્ણ કરવામાં આવી છે. હાલ રાજ્યમાં 50થી વધુ ઉંમરના લોકોની યાદી તથા 50થી નીચેના ગંભીર બીમારીવાળા લોકોની યાદી તૈયાર કરાઇ રહી છે જે આગામી એક અઠવાડિયામાં પૂર્ણ થશે.
ગત 24 કલાક દરમિયાન 1204 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ આંકડા પ્રમાણે ગત 24 કલાકમાં નવા 1204 કેસ નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,26,508 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે,આજે 1338 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,08,867 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 12 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે તો કુલ મૃત્યુઆંક 4160 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં હાલ 68 લોકો વેન્ટિલેટર પર છે.
રાજ્યમાં હાલમાં 13481 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13481 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 92.21 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 60,423 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 86,13,587 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં 260 કેસ
આજે અમદાવાદ શહેરમાં 251, અમદાવાદ જિલ્લામાં 9, સુરત શહેરમાં 158, સુરત જિલ્લામાં 20, વડોદરા શહેરમાં 117, વડોદરા જિલ્લામાં 40, રાજકોટ શહેરમાં 98, રાજકોટ જિલ્લામાં 28, ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 45 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં અને હવે મહેસાણામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે.