Team VTV07:47 PM, 08 Mar 22
| Updated: 08:00 PM, 08 Mar 22
અદાણી પાવરને યુનિટ સાથે સરકારના કરાર મુજબ રૂ.2.89 પ્રતિ યુનિટ અને રૂ.2.35 યુનિટના લેવલાઈઝ ટેરીફે એગ્રેમીન્ટ થયેલા, પણ ચૂકવાયા 4.38 રૂપિયા
અદાણી પાવરને યુનિટ દીઠ કરાર કરતા વધારે રૂપિયા ચૂકવાયા
અદાણી પાવર લિ. સાથે 2 અને 6 ફેબ્રુઆરી 2007માં થયા હતા કરાર
બીડ-1, બીડ-2 અંતર્ગત 25 વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયા હતા
ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં આજે આરોગ્ય વિભાગ, ઊર્જા વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પ્રશ્નો પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ પટેલે અદાણી પાવરને કરાર કરતાં વધુ ચાર્જ ચૂકવાતો હોવાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો જેના જવાબમાં ઊર્જામંત્રી કનું દેસાઇએ ગૃહમાં જવાબ રજૂ કર્યો હતો.
અદાણી પાવરને યુનિટ દીઠ કરાર કરતા વધારે રૂપિયા ચૂકવાયા
મહત્વનું છે કે અદાણી પાવર લિ. સાથે 2 અને 6 ફેબ્રુઆરી 2007માં ગુજરાત સરકાર સાથે મહત્વના કરાર થયા હતા. જેમાં બીડ-1, બીડ-2 અંતર્ગત 25 વર્ષ માટે વીજ ખરીદી એગ્રીમેન્ટ થયા હતા. તે કરાર મુજબ રૂ.2.89 પ્રતિ યુનિટ અને રૂ.2.35 યુનિટના લેવલાઈઝ ટેરીફે એગ્રેમીન્ટ થયેલા છે પણ અદાણી પાવરને યુનિટ દીઠ કરાર કરતા વધારે રૂપિયા ચૂકવાયા છે. કરાર હોવા છતાં સરકારે 4.38 રૂપિયા સુધીના ઉંચા દરે પ્રતિ યુનિટ વીજળી ખરીદી કરી છે. જેના જવાબમાં સરકારે આપેલી વિગતોમાં ખુલાસો થયો છે કે બે વર્ષમાં સરકારે અદાણી પાવર પાસેથી 12,534 મિલિયન યુનિટ્સ વીજળીની ખરીદારી કરી છે. જેના માટે કુલ 4771 કરોડ ચૂકવી પણ દેવાયા છે. અદાણી પાવર લિ. પાસેથી વીજળી ખરીદીના કરાર છતાં ઉંચા દર ચુકવાયા તેનું કારણ વેરિયેબલ કોસ્ટ હોવાનું અનુમાન છે.
ખેતવીજળી જોડાણની હજારો અરજી પેન્ડિંગ
ખેડૂતોને કૃષિ વીજળી આપવાના દાવા પોકળ સાબિત થઈ ગયા છે. વિધાનસભામાં સરકારે રજૂ કરેલા આંકડા મુજબ રાજ્યમાં 82984 કૃષિ વિષયક વિજ જોડાણ માટેની અરજીઓ પડતર સૌથી વધુ બનાસકાંઠા જીલ્લામાં 10913, દ્વારકામાં 4957, સુરેન્દ્રનગરમાં 4308 અરજી, અમદાવાદમાં કૃષિ વીજજોડાણની 3227 અરજીઓ પડતર છે. ખેડૂતો માટે મોટી મોટી ગુલબાગો મારતા ઉર્જા વિભાગે એક વર્ષ કરતાં વધુ સમયથી 14698 અરજીઓ પડતર રાખી છે.
ઉદ્યોગોના વીજકરમાં કોઈ ફેરફાર નહીં
તો બીજી તરફ રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ઉદ્યોગોના વીજકરમાં કોઈ ફેરફાર નહીં કર્યો હોવાનો સરકારે ગૃહમાં દાવો કર્યો છે. રાજ્યમાં ઉદ્યોગોને 24 કલાક વીજળી અપાય છે. જેમાં ઉદ્યોગોના LT જોડાણ ધારકના વીજ વપરાશના ચાર્જ પર 10% વીજકર, HT જોડાણ ધારકના વીજ વપરાશના ચાર્જ પર 15% લેખે વીજ કર વસુલાય છે. કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા ના સવાલમાં સરકારે લેખિત જવાબ ઉપરોક્ત પ્રમાણે રજૂ કર્યો હતો.