gujarat government New industrial investment policy for foreign investor fdi
અર્થતંત્ર /
ડ્રેગનને હરાવી ગુજરાતને મજબૂત બનાવવા સરકારનો આ છે પ્લાન, જાણી લો
Team VTV11:19 AM, 10 Jun 20
| Updated: 11:23 AM, 10 Jun 20
કોરોનાના કારણે અર્થતંત્રને બહુ મોટો ફટકો પડ્યો છે. જોકે આ વચ્ચે ગુજરાત માટે એક સારા સમાચાર છે. આ વર્ષે 31 જેટલી વિદેશી કંપનીઓએ ગુજરાતમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે તૈયારી દાખવી છે અને તેના માટે જરુરી જમીન ફાળવવા માગણી કરી છે. ગુજરાતમાં આ કારણે રોજગારથી લઈને તમામ નવી તકો ઉભી થશે. ચીનમાં રોકાણ કરવા ઈચ્છતી કંપનીઓને ગુજરાત તરફ વાળવાની કેન્દ્ર અને રાજ્ય સરકારે તૈયારીઓ કરી લીધી છે.
31 ફોરેન કંપનીઓની પ્લાન્ટ સ્થાપવા તૈયારી
20,385 લોકોને મળશે રોજગારી
જાપાનીઝ કંપનીઓ દ્વારા રોકાણ માટેની પ્રપોઝલ આવી
13 જેટલા જુદા જુદા દેશોની આ કંપની દ્વારા રાજ્યમાં કુલ 2286 હેક્ટર જમીન ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસે માગવામાં આવી છે. જો રાજ્ય સરકાર આ કંપનીઓને જમીન ફાળવી આપવામાં સફળ બને છે તો રાજ્યમાં ફોરેન ડાઇરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ હાઈ ફ્લો કોરોના મંદીના સમયમાં પણ જળવાઈ રહેશે તેમાં કોઈ બેમત નથી. આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓની ઓફર તો લોકડાઉન દરમિયાન પણ આવી છે. પ્લાન્ટ સ્થાપવા સાથે વિદેશી કંપનીઓએ જે રોકાણનો વાયદો કરવામાં આવ્યો છે તે કુલ મળીને 61,837 જેટલું થાય છે. તેમજ રાજ્યમાં 20,385 લોકો માટે રોજગારની તક ઉભી થશે.
જાપાનીઝ કંપનીઓ દ્વારા રોકાણ માટેની પ્રપોઝલ આવી
ગુજરાત સરકારના રાજ્યના ઇન્ડસ્ટ્રી અને માઈન્સ વિભાગના જણાવ્યાનુસાર ગત વર્ષની જેમ આ વર્ષે પણ અમે ખૂબ જ પ્રોત્સાહક સંખ્યામાં વિદેશી રોકાણ માટે ઓફર્સ આવી છે. લોકડાઉન દરમિયાન પણ અમને બે ખૂબ જ મોટી જાપાનીઝ કંપનીઓ દ્વારા રોકાણ માટેની પ્રપોઝલ આવી છે. હાલ તમામ FDI પ્રપોઝલ દ્વારા માગવામાં આવેલ જરુરી જમીન ફાળવણીની પ્રોસેસ કરવામાં આવી રહી છે. આ રીતે રાજ્યમાં આગામી 2 વર્ષમાં રુ. 61000 કરોડનું વિદેશી રોકાણ આવશે.
આગામી સમયમાં વિદેશી રોકાણ માટે નવી ઈન્ડ્રસ્ટ્રીયલ પોલીસીની જાહેરાત થશે
સરકાર વધુને વધુ વિદેશી રોકાણ આકર્ષવા માટે અમેરિકા, જાપાન, યુરોપ અને અન્ય દેશોની કંપનીઓને સતત સંપર્ક કરી રહી છે અને હાલની સ્થિતિનો ફાયદો લઈને ચીનમાંથી તેમના પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપિત કરવા માટે તેમને આકર્ષક પ્રસ્તાવ પણ આપી રહી છે. આગામી સમયમાં અમે વિદેશી રોકાણ માટે આકર્ષક નવી ઈન્ડસ્ટ્રીયલ પોલિસી પણ જાહેર કરવા જઈ રહ્યા છે. હાલ અમારી પાસે જાપાન, તુર્કી, ચીન, અમેરિકા, યુકે, તાઇવાન, ઓસ્ટ્રિયા, જર્મની, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, બેલ્જિયમ, અલ્બાનિયા અને દુબઈમાં રહેલી કંપનીઓ તરફથી પ્રપોઝલ આવી છે.
કઈ કઈ કંપનીઓએ દર્શાવી તૈયારી
ગુજરાત સરકારને મળેલી આ જુદી જુદી પ્રપોઝલમાં પ્રતિષ્ઠિત કંપનીઓ જેવી કે જાપાનની Daicel corporation, સાઉથ કોરિયાની Hyundai Steel,તાઈવાનની Chico, ઓસ્ટ્રિયાની Doka, અમેરિકાની ACL America inc અને Motic Electricની પ્રપોઝલ સામેલ છે. આ કંપનીઓ ગુજરાતમાં આવવાથી એન્જિનિયરિંગ, કેમિકલ, પેટ્રોકેમિકલ, સ્ટીલ, મેડિકલ ડિવાઈસ, ઓટો અને ઓટો સ્પેરપાર્ટ્સ, પ્લાસ્ટિક અને પેપર જેવા જુદા જુદા ક્ષેત્રમાં પ્રોજેક્ટ્સ આવશે. જોકે આ પૈકી લોકડાઉના અઢી મહિનામાં માત્ર 2-3 જ પ્રપોઝલ આવી છે.