Team VTV04:56 PM, 27 Nov 19
| Updated: 05:23 PM, 27 Nov 19
LRD નિમણૂંક કરવાને લઇને રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે 9713 ઉમેદવારોને 1 ડિસેમ્બરે નિમણૂંક પત્ર અપાશે. કોંગ્રેસના શાસનમાં સરકારી ભરતી પર પ્રતિબંધ હતો. 6 જાન્યુઆરી 2019ના લેવાઈ પરીક્ષા હતી. ચકાસણીના કારણે વિલંબ થયો છે.
9713 ઉમેદવારોની નિમણૂંક કરાશે
1 ડિસેમ્બરે LRDના જવાનોને નિમણુંક પત્ર અપાશે
પ્રમાણપત્રોની ખરાઇ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો
પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ગુજરાતના પોલીસ દળમાં વધારો થાય અને પોલીસ દળની ખાલી જગ્યાઓ સત્વરે ભરાય તે માટે ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં 9713 લોક રક્ષક ભરવા માટેની પરીક્ષા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા લેવામાં આવેલ હતી. આ ભરતી પ્રક્રિયાની શારિરીક કસોટી ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કામગીરી પૂર્ણ કરી દેવાઇ છે. ગુજરાત પોલીસ દ્વારા લેવાયેલ લોકરક્ષક દળની પરીક્ષામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોનું આખરી પરિણામ જાહેર કરી આગામી તારીખ 1લી ડિસેમ્બર 2019ના રોજ નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.
પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા અનાર્મ લોકરક્ષક-3150, આર્મ્ડ લોકરક્ષક (SRP) - 6009, પુરૂષ જેલ સિપાઇ - 499, સ્ત્રી જેલ સિપાઇ - 55 મળી કુલ 9713 જગ્યાઓ ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ હતી.
પ્રમાણપત્રોની ખરાઇ કરવાની પ્રક્રિયામાં વિલંબ થયો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2322 જેટલા અનુસૂચિત જાનજાતિના ઉમેદવારોએ પણ આ પરીક્ષા આપી હતી. અનુસૂચિત જનજાતિના ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા ચાલતી હોઇ, તેના લીધે કામગીરી પૂર્ણ થઇ નથી. અપૂરતી ચકાસણીના કારણે સાચાને ન્યાય મળે અને ખોટો લાભ ન લઇ જાય તે માટે સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી હોઇ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પસંદગી પરિણામ તૈયાર થયા બાદ સત્વરે કરાશે. અનુસૂચિત જનજાતિના 2061 ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી દેવાઇ છે. તેઓને પણ 1લી ડિસેમ્બરે નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે. બાકી રહેતા અનુસૂચિત જનજાતિના ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા ઝડપથી હાથ ધરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
કોંગ્રેસ વિપક્ષ નેતા ગુજરાતના યુવાનોને ભ્રમિત કરે છે
પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ ભરતી પ્રક્રિયા માટે વાર્ષિક કેલેન્ડર બનાવ્યું છે.તે મુજબ ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી ભરતી કરીને યુવાનોને રોજગારી આપી છે. તે કોંગ્રેસને ખૂંચતુ હોઇ, યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે.
ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 1,20,013 યુવાનોની ભરતી કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં સીધી ભરતીથી જી.પી.એસ.સી., ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિતના મંડળો દ્વારા વિવિધ વિભાગો માટે વિવિધ સંવર્ગની પરીક્ષાઓ લઇને પારદર્શિતાથી 1,20,013 યુવાનોની ભરતી કરી છે. જેમાં રાજ્યના 26થી વધુ વિભાગોમાં વર્ષ 2014માં 20239, વર્ષ 2015માં 24420, વર્ષ 2016માં 10604, વર્ષ 2017માં 47886, વર્ષ 2018માં 15329 અને ચાલુ વર્ષે 1535 યુવાનોને રોજગારી પૂરી પાડવામાં આવી છે.