Gujarat government farmers support price Tuver Pigeon pea 30 May
ગુજરાત /
ખેડૂતો માટે રાહતના સમાચારઃ ટેકાના ભાવે તુવેરની ખરીદી અંગે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Team VTV05:25 PM, 20 May 22
| Updated: 05:29 PM, 20 May 22
રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો તા.૩૦ મે ૨૦૨૨ સુધી લંબાવાયો છે.
ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો લંબાવાયો
૩૦ મે ૨૦૨૨ સુધી થશે તુવેરની ખરીદી
રાજ્યના કેટલાક વિસ્તારોમાં તુવેર પાકની થતી મોડી વાવણી અને કાપણીના કારણે નોંધાયેલ ખેડૂતો પૈકી કેટલાક ખેડૂતો પોતાની તુવેરનો પાક ટેકાના ભાવે વેચી શક્યા નથી. જેને ધ્યાને લઇને તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો ૧૫ દિવસ લંબાવવા ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ટેકાના ભાવે તુવેર ખરીદીનો સમયગાળો આગામી તા. ૩૦ મે ૨૦૨૨ સુધી લંબાવવામાં આવ્યો છે જેનો મહત્તમ ખેડૂતોને લાભ મળશે તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨માં ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. ૬,૩૦૦ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ તુવેરની ટેકાના ભાવે ખરીદી અન્વયે કુલ ૧૮,૫૩૫ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી રાજ્ય નોડલ એજન્સી ગુજકોમાસોલ દ્વારા ગત તા.૧૫ ફેબ્રુઆરી-૨૦૨૨થી શરૂ કરવામાં આવી હતી.
જેમાં અત્યાર સુધીમાં રાજ્યના ૮,૬૧૭ ખેડૂતો પાસેથી રૂ. ૧૦૪ કરોડની કિંમતની ૧૬,૪૮૦ મે.ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા તુવેરની ટેકાના ભાવે ખરીદીનો સમયગાળો તા.૧૫ મે-૨૦૨૨ના રોજ પૂર્ણ થયો હતો જે હવે તા. ૩૦ મે-૨૦૨૨ સુધી લંબાવાયો છે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.