Gujarat government annual electricity tariff additional benefit farmers
ખેડૂતલક્ષી /
સરકારનો ખેડૂતો માટે મોટો નિર્ણયઃ 7.5 હોર્સ પાવરના વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને મળશે આ લાભ
Team VTV09:17 PM, 28 Nov 19
| Updated: 09:21 PM, 28 Nov 19
રાજ્યસરકારે ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ખેડૂતો પાસેથી એક સમાન વીજદર લેવામાં આવશે. 7.5 હોર્સપાવરથી વધુના વીજજોડાણ ધરાવતા ખેડૂતોને લાભ મળશે. 2 લાખ જેટલા ખેડૂતોને પ્રત્યક્ષ લાભ મળશે. આથી રાજ્ય સરકારને 77 કરોડનો વધારાનો બોજો આવશે.
એક સમાન વીજ દર લેવાનો મહત્વનો નિર્ણય
0થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન દર
પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરાશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડૂતો અને તમામ કૃષિ વિષયક વીજ ગ્રાહકો પાસેથી એક સમાન વીજ દર લેવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હોર્સ પાવર આધારિત કૃષિવિષયક વીજ ગ્રાહકો-ખેડૂતો માટે 0થી 7.5 હોર્સ પાવર સુધીના વીજ જોડાણના પ્રતિ વર્ષ રૂ. 665 પ્રતિ હોર્સ પાવરનો દર વસુલ કરવામાં આવે છે તેમજ 7.5 હોર્સ પાવરથી વધુના વીજ જોડાણ માટે પ્રતિવર્ષ 807.50 પ્રતિ હોર્સ પાવર દર હાલ છે. હવે રાજ્ય સરકારના ખેડૂતલક્ષી નિર્ણયથી પરિણામે 0થી 7.5 હોર્સ પાવર તેમજ 7.5 હોર્સ પાવરથી વધુ બન્ને માટે એકસમાન રૂ. 665 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષનો વીજ દર રહેશે.
ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી રજૂઆતો
ઉત્તર ગુજરાતમાં ભૂર્ગભ જળના સ્તર નીચા ગયેલા હોવાથી ખેડૂતોને વધુ ઊંડાણથી પાણી સિંચાઇ હેતુ માટે લેવા વધારાના હોર્સ પાવરની વીજ મોટર લગાવવી પડે છે. રાજ્યના ખેડૂતોએ આ અંગે મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતોને અગ્રતા આપતાં મુખ્યમંત્રી રૂપાણીએ આ વીજ દર એક સમાન એટલે કે રૂ. 665 હોર્સ પાવર દિઠ પ્રતિ વર્ષ વસુલ કરવાનો તાત્કાલિક અને ત્વરિત નિર્ણય કર્યો છે.
1લી એપ્રિલ-2013થી વસુલ કરાશે
મહત્વનું છે કે ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરાયેલ વીજ જોડાણો માટે એક સમાન વીજ દર પ્રતિ હોર્સ પાવર રૂ. 2400 પ્રતિ વર્ષ 1લી એપ્રિલ-2013થી વસુલ કરવાનો નિર્ણય કરાયો છે.
રાજ્યના ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા હવે 7.5થી વધુ હોર્સ પાવરના જોડાણ માટે રૂ. 142.50 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ જેટલી વધારાની રકમ રાજ્ય સરકાર દ્વારા વધારાની સબસીડી રૂપે વહન કરવાની થશે.
રાજ્ય સરકાર પર રૂ. 77 કરોડોનો વધારાનો બોજો આવશે
આ નિર્ણયથી હાલ 7.5 હોર્સ પાવરથી વધારાના વીજ જોડાણ ધરાવતા અંદાજે 2 લાખ કૃષિ વિષયક વીજગ્રાહકો-ખેડૂતોને લાભ મળશે. જોકે રાજ્ય સરકારને આ ફેરફારથી વાર્ષિક અંદાજિત રૂ. 77 કરોડનો વધારાનો બોજ આવશે.