દેશના રાજ્યોનાં અલગ અલગ વિભાગોનો સાચો ચિતાર આપતી સરકારની થીંક ટેંક સંસ્થા નીતિ આયોગે ગુજરાતના આરોગ્ય વિભાગનો આંકડાકીય પડદો પાડી દીધો હતો. જીલ્લા આરોગ્ય અધિકારીઓના પોસ્ટીંગ અને તેમના સરેરાશ કાર્યકાળમાં વધારો થયો હોવા છતાં રાજ્યમાં મોટા પાયે ડોકટરો અને નર્સોની જગ્યાઓ ખાલી હોવાનું બહાર આવ્યું છે. ગુજરાતે ફરી એકવાર આ ક્ષેત્રે બીજા રાજ્યો કરતા ઘણો પાછળનો ક્રમ મેળવ્યો હતો.
નીતિ આયોગના હેલ્થ ઇન્ડેક્સમાં અહેવાલ મુજબ ગુજરાત રાજ્ય જીલ્લા દીઠ ચીફ મેડીકલ ઓફીસરની પોસ્ટ ભરવામાં દેશમાં પ્રથમ ક્રમે છે. પરંતુ આ અધિકારીઓના પોસ્ટીંગથી વધુ મહત્વનું છે કે પ્રાથમિક સારવાર કેન્દ્રો અને કોમ્મ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં ડોકટરો અને સહાયકો હાજર હોય. કમનસીબે આ હાજરીની બાબતમાં ગુજરાત ૨૧ મુખ્ય રાજ્યોમાંથી અનુક્રમે ૧૩માં અને ૧૪માં ક્રમે આવે છે.
Source : niti.gov.in
ચીફ મેડીકલ ઓફીસરની સરેરાશ ઓક્યુપન્સી વધી
ચીફ મેડીકલ ઓફીસરની સરેરાશ ઓક્યુપન્સી વર્ષ ૨૦૧૩-૨૦૧૬ની સરેરાશ ૧૮.૧ મહિનાથી વધીને વર્ષ ૨૦૧૫-૨૦૧૮ની સરેરાશ ૧૯ મહિના થઇ ગઈ છે. આ બાબતે ગુજરાતે છત્તીસગઢનું પ્રથમ સ્થાન લઇને પોતાના નામે કર્યું છે. ગુજરાત પછી અનુક્રમે હિમાચલ પ્રદેશ, છતીસગઢ અને મહારાષ્ટ્રન સ્થાન આવેલું છે.
Source : niti.gov.in
પણ ડોકટરો અને નર્સ દવાખાનામાં ગેરહાજર
ગુજરાત રાજ્ય દેશના ૨૧ મોટા રાજ્યોમાંથી પ્રાથમિક સારવાર કેન્દ્રો અને કોમ્મ્યુનીટી હેલ્થ સેન્ટરોમાં નર્સના પદ તરીકેની ખાલી જગ્યાઓ (વેકેન્સી)માં ૧૪માં ક્રમે છે. અહી ૨૩.૭% નર્સની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય દેશના પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં ડોકટરોના પદ તરીકેની ખાલી જગ્યાઓ (વેકેન્સી)માં ૧૩માં ક્રમે છે. અહી વર્ષ ૨૦૧૭-૨૦૧૮ મુજબ ૩૦.૨% ડોક્ટરની જગ્યાઓ ખાલી છે.
Source : niti.gov.in
ગુજરાત સરકારે સ્વીકાર્યું; પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં મોટી અછત
ગુજરાત સરકારે હમણાંના વિધાનસભા સત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફક્ત પ્રાથમિક સારવાર કેન્દ્રોમાં જ ૬૫૯ ડોકટરોની અછત છે. આ અછતના આંકડા ફક્ત પ્રાથમિક સારવાર કેન્દ્રોના છે. કોમ્મ્યુનીટી હેલ્થ સેન્ટરોની અછતના આંકડા આનાથી પણ વધુ માનવામાં આવે છે.
MBBS થયેલા વિદ્યાર્થીઓની ગામડામાં આરોગ્ય સેવા આપવા તરફ ઉદાસીનતા
MBBS થયેલા વિદ્યાર્થીઓમાંથી મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ તેમનો ૩ વર્ષનો ગ્રામીણ ક્ષેત્રમાં જઈને આરોગ્ય સેવા આપવાનો કાળ ટાળીને ૫ લાખ રૂપિયાના બોન્ડને જતા કરે છે. રાજ્યના આંકડા મુજબ ૧૪૯૦ વિદ્યાર્થીઓ એ છેલા બે વર્ષમાં ૩ વર્ષનો ગ્રામીણ ક્ષેત્રમાં જઈને આરોગ્ય સેવા આપવાનો કાળ ટાળીને ૫ લાખ રૂપિયાના બોન્ડને જતો કરવાનું પસંદ કર્યું.
સરકારની નવી નીતિ
છેલ્લા મહિનાથી ગ્રામીણ ક્ષેત્રમાં જઈને આરોગ્ય સેવા આપવાનો કાળ ૩ વર્ષથી ઘટાડીને ૧ વર્ષ કરી દેવાયો છે. અને બોન્ડની રકમ વધારીને ૨૦ લાખની માતબર રકમ કરી દેવાઈ છે. આનો મુખ્ય ઉદ્દેશ MBBSના વિદ્યાર્થીને વધુ પ્રમાણમાં ગ્રામીણ ક્ષેત્રમાં જઈને આરોગ્ય સેવા આપતા કરવાનો છે.
પહેલા કુપોષણ, પછી રસીકરણનો અભાવ અને હવે ડોક્ટર નર્સોના ખાલી પદો
ગુજરાતમાં કુલ 1 લાખ 42 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે અને રાજ્યના ૫૦% શિશુઓ ગંભીર રોગો સામે રસીકરણ નથી કરાવી શકતા અને હવે સારવાર કેન્દ્રોમાં ડોક્ટર અને નર્સોના ખાલી પદો બહાર આવ્યા છે. શું આ બાબતો ગુજરાત સરકારની પ્રજાના આરોગ્ય પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે?