ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનુ નિવેદન, જીત બાદ નક્કી કરીશું CM પદનો ચહેરો
ગુજરાત વિધાનસભાની ચૂ્ટંણીને લઇ મહત્વના સમાચાર
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનુ નિવેદન
કોંગ્રેસ જાહેર નહી કરે cm પદનો ચહેરો
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. આ વખતે ચૂંટણીમાં ત્રી પાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપ કોંગ્રેસ પહેલાથી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે રહી રહીને કોંગ્રેસ જાગી છે.ગુજરાતની ચૂંટણીને લઈ દિલ્લી ખાતે કોંગ્રેસનુ મંથન ચાલી રહ્યું છે. જે બેઠકમાં પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ, પી.ચિદમ્બરમ, જયરામ રમેશ, મુકુલ વાસનીક,અજય માકન,સુરજેવાલા પણ હાજર રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા વિચારણા કરવામા આવી છે.
ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે-રઘુ શર્મા
હાલમાં ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક મુદ્દાઓ અને વર્તમાન સ્થિતિને લઇ ચિંતન થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે કોંગ્રેસ આ વખતે પણ કોઈ CMનો ચહેરો પ્રમોટ નહીં કરે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રધુ શર્માએ નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાત કોંગ્રેસ CM પદનો ચહેરો જાહેર નહીં કરે, ચૂંટણી પછી જીત બાદ CM પદનો ચહેરો નક્કી કરાશે તેવી સ્પષ્ટતા તેમણે મૂકી છે. મહત્વનું છે કે સીએમ ચહેરો જાહેર કરે તો કોઈ મોટો વર્ગ નારાજ થવાની ભીતિ કોંગ્રેસને અંદરો અંદર સતાવી રહી છે જેને કારણે સૌને પડખે રાખવા કોંગ્રેસે સ્પષ્ટતા કરી દીધી છે કે ચૂંટણીમાં કોંગ્રેસ સીએમ ચહેરા વગર જ નૈયા પાર કરાવશે.
ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી યાત્રા ફાગવેલ સુધી જશે
તો બીજી તરફ હવે ગુજરાતમાં ઠાકોર સમાજનો સીએમ બને તેવી પણ માંગ ઉઠીછે. નવઘણજી ઠાકોરે ઢીમા ખાતે મંદિરમાં ભગવાન ધરણીધરના દર્શન કરી નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'રાજ્યમાં ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બનશે અને ગુજરાતમાં સોનાનો સુરજ ઉગશે. ગેનીબેન સાથે હેલિકોપ્ટરમાં બેસીને ઢીમા ભગવાનના દર્શન કરવા આવીશ. ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે ઢીમાથી નીકળેલી આ યાત્રા ફાગવેલ સુધી જશે. આ યાત્રા 6 જિલ્લાઓ અને 33 વિધાનસભામાં ફરશે અને ઠાકોર સમાજનો મુખ્યમંત્રી બને તે માટે પ્રયાસ કરશે. ગુજરાતમાં ઠાકોર સમાજનો જ મુખ્યમંત્રી બનવો જોઈએ અને 2022માં અમે હાથમાં તલવાર લઈને વિજયની વરમાળા પહેરવાના છીએ.'
યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે
વધુમાં તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે, 'OBC, ST અને SC સમાજનો સાથ લઈ આગામી 2022માં ગુજરાતની ધરતી પર સોનાનો સુરજ ઉગાડવો છે. સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ OBC અને SC, ST સમાજની સરકાર આ મારું સપનું છે. આ યાત્રામાં સમસ્ત ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર સમાજ એક કરવો છે.'