Gujarat Congress Naresh Patel, Alpesh Kathiria,Shankarsinh Vaghela
'રાજ'નીતિ' /
પાટીદાર નેતા સંભાળશે ગુજરાત કોંગ્રેસની કમાન? કોંગ્રેસે તૈયાર કરી એવી રણનીતિ કે ભાજપનું વધી જશે ટૅન્શન
Team VTV03:56 PM, 27 Jan 22
| Updated: 04:00 PM, 27 Jan 22
ગુજરાતની રાજનીતિમાં મોટા પ્રવેશના સંકેત છે, કોંગ્રેસ કાઠું કાઢવા હાલ નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાનો 'હાથ' પકડવા થનગની રહી છે. પણ બંનેએ હાલ સમય પર નિર્ણય છોડ્યો છે
વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકરણ તેજ
કોંગ્રેસ પાટીદાર ચહેરાને આગળ ધરી શકે
નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા પર કોંગ્રેસનો દાવ
જેમ જેમ વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં નજીક આવી રહી છે તેમ તેમ દરેક પાર્ટી પોતાના હુકમના એક્કા ઉઘાડી બાજી પલટવાની તૈયાર કરી રહી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. ખાસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ પાટીદાર નેતાને કમાન સોંપી શકે છે. 2017 જેવા પરિણામ માટે કોંગ્રેસ પાટીદારને આગળ કરવાનો તખ્તો તૈયાર કરી ચૂકી છે. કારણ કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર અનામત આંદોલનની અસરને કારણે સારો દેખાવ કર્યો હતો. પણ મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. હાલની સ્થિતિ મુજબ ભાજપના સંગઠન ઘણું મજબૂત સ્થિતિમાં છે સરકાર પણ નવી નવેલી છે અને કામ પણ ચૂંટણીને ઘ્યાને રાખી સારું કરી રહી છે. આ વખતે ન કોઈ આંદોલનની અસર છે કે ન કોઈ વિરોધ.. કોંગ્રેસ પણ આ સ્થિતિને ભાખી ગઈ છે અને પટેલ ફેક્ટરને રીઝવવા નરેશ પટેલ, અલ્પેશ કથીરિયાને ખુલ્લુ આમંત્રણ પણ આપી ચૂકી છે તો જૂના જોગીઓને પણ કોંગ્રેસમાં પરત લાવવા સતત બેઠકોનો દોર કરી રહી છે.
નરેશ પટેલ હજુ પણ બંધ બાજીએ ખેલી રહ્યા છે દાવ
2017માં પાટીદાર આંદોલનની અસરથી ભાજપને ફટકો પડ્યો હતો સૌરાષ્ટ્રના બે જિલ્લામાં ભાજપને એક પણ બેઠક ન મળી હતી પણ 2022માં ભાજપમાં સૌરાષ્ટ્રને પ્રતિનિધિત્વ નથી મળી રહ્યું જેથી નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. હાલ નરેશ પટેલ ખોડલધામના ચેરમેન છે ત્યાં સુધી રાજકીય પ્રવેશ અશક્ય જણાઈ રહ્યો છે. ધાર્મિક સંસ્થાનું પદ છોડ્યા બાદ નરેશ પટેલ રાજકરણમાં પ્રવેશ કરશે તે નક્કી મનાઈ રહ્યું છે. પણ નરેશ પટેલ હજી રાજકીય પ્રવેશ અંગે બાજી બંધ રાખતા અટકળો તેજ થઈ છે.
નરેશ પટેલ અને શંકરસિંહ અને અલ્પેશ કથીરિયા માટે રઘુ શર્માએ આપ્યું નિવેદન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જૂના નેતા-સામાજિક આગેવાનને પોતાના પક્ષમાં લાવવા માટે કોંગ્રેસની કવાયત હાથ ધરવામાં આવી છે. જેની વચ્ચે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ મુદ્દે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, તેઓ ખોડલધામના નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, નરેશ પટેલ મુદ્દે બન્ને બાજુથી વાતચાલી રહી છે. તેમજ યોગ્ય સમયે આ અંગે નિર્ણય લેવામાં આવશે. આ સાથે તેઓએ પાસના નેતા અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું છે. શંકર સિંહવાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાના મુદ્દે હાઈકમાન્ડ અંતિમ નિર્ણય લેશે.રાજનેતા અને સામાજિક આગેવાનોને કોંગ્રેસમાં જોડાવવા અંગે કોંગ્રેસ પ્રમુખ જગદ્દીશ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપણાતાં જણાવ્યું હતું કે, અમે જૂના નેતાઓ, રાજનેતા અને સામાજિક આગેવાનોના સતત સંપર્કમાં છીએ.
રાજનીતિમાં અચાનક કઈજ બનતું નથી બધુ જ નક્કી થયેલુ હોય છે
ઉલ્લેખનીય છે કે, પાટીદાર સમાજની જુના કેસો અંગેની માંગ સરકાર પાસે વારંવાર દોહરાવાઈ રહી છે. એક તરફ, નરેશ પટેલ કઈ બાજુ જશે તે હવે ખુદ નરેશ પટેલે સમય પર છોડ્યું છે. પણ નરેશ પટેલની રજૂઆત, ભરતસિંહ સોલંકીનું, પટેલને મળવું, પછી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલની પટેલ સાથે 'ચાય પે ચર્ચા' એ ગુજરાતની રાજનીતિની ધૂરામા કમ્પારો લાવી દીધો હતો. વળી, નરેશ પટેલે ખોડલધામ પાટોત્સવ પછી પોતાની જાહેરાતની ઘોષણા કરી. વળી, આ દિવસે પણ , નરેશ પટેલે સમયના તરાપા સાથે પોતાની હોડી, લાંગરી દીધી છે. હવે, કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો, અલ્પેશને આમંત્રિત કરી રહ્યા છે. સૌની નજર એ છે કે, અલ્પેશ પણ સમાજની ઈચ્છા જાણીને નિર્ણય લેશે કે તુરંતમાં નિર્ણય લેશે.? કારણકે, રાજનીતિમાં હવે સમાજનું વધારે મહત્વ બન્યું છે. પછી કુંવરજી બાવળીયા હોય, પરસોત્તમ સોલંકી- હીરા સોલંકી હોય, દેવજી ફતેપરા હોય કે નરેશ પટેલ - અલ્પેશ કથીરિયા. શસ્ત્રની ધાર સમાજ કાઢે, પછી નેતા એ શસ્ત્ર લઈને મેદાનમાં ઉતરે છે. છેલ્લે ટીકીટ પણ સમાજ આધારિત હોય છે. પછી નેતા ભલે બદલાઈ જાય. ટીકીટ તો સમાજને મળી જ છે ને?