બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ટૂંક સમયમાં ગુજરાત ભાજપને મળશે નવા પ્રદેશ પ્રમુખ, જાણો કયા નેતા પર ઢોળાઈ શકે છે પસંદગીનો કળશ
Last Updated: 10:13 AM, 4 February 2025
ગાંધીનગર: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની મુદ્દત પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિને લઈને કોકડું ગૂંચવાયેલું છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ માથે આવીને ઉભી છે. ત્યારે હવે સચિવાલયમાં જે પ્રમાણે ચર્ચાઓ ચાલી રહી છે, એ પ્રમાણે હવે તાલુકા-જિલ્લા પંચાયતની તેમજ અમુક મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો બાદ રાજ્યના ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગેની સ્પષ્ટતા થઈ જશે. ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, ભાજપના પ્રદેશ પ્રમુખ ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ ઓબીસી નેતા હોઈ શકે છે.
ADVERTISEMENT
અગાઉ પણ નવા પ્રમુખ કોણ બનશે એ માટે અનેક નામો ચર્ચામાં આવ્યા હતા. ભાજપના નવા પ્રમુખ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરાના નામ અંગે પણ ચર્ચાઓ ચાલી રહી હતી. હાલમાં વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરી અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામો પણ ચર્ચામાં ચાલી રહ્યા છે. પરંતુ હંમેશાથી ભાજપની કાર્યપધ્ધતિ ચાલતી આવી છે કે જે નામો પર ચર્ચાઓ ચાલી રહી હોય, એવા નામોને કયારેય પદ સોંપવામાં આવ્યું નથી. અગાઉ ઉતર અને મધ્ય ગુજરાતના કેટલાક નેતાઓના નામો પણ પ્રમુખ તરીકે ચર્ચામાં આવ્યા હતા.
ADVERTISEMENT
ત્યારે હવે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપના દિલ્હી હાઈકમાન્ડે પ્રમુખપદનો તાજ કોને પહેરાવવો તેની પસંદગી કરી લીધી છે. માત્ર સમયની જ રાહ જોવાઈ રહી છે. 16 ફેબ્રુઆરીના મતદાન અને તેના પરિણામ પછી ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરી દેવામાં આવશે.
સામાન્ય રીતે ગુજરાતમાં મુખ્યમંત્રી જો પાટીદાર સમાજના હોય તો પછી પક્ષ પ્રમુખનું પદ પાટીદારને સોંપાતું હોતુ નથી. રાજ્યમાં બંને હોદ્દા ખુબ જ મહત્ત્વના છે. ઉપરાંત રાજકારણમાં હંમેશા પ્રદેશ અને જ્ઞાતિ-જાતિ વગેર જેવા પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડે છે. સાથે જ એ વાત પર પણ ભાર આપવામાં આવે છે કે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વચ્ચે સુમેળ જળવાઈ રહે. જો બંને ટોચના નેતાઓનો ઈગો ટકારાય અને પાવર સેન્ટરને લઈને ભુતકાળની જેમ ઝગડાઓ થાય તો એ બાબત પણ હાઈકમાન્ડને ન પોષાય. જો બંને નેતાઓ વચ્ચે કોઈ પણ પ્રકારનો અણબનાવ બને તો સરકાર અને સંગઠન નબળું પડી જાય. એટલા માટે જ સરકાર સાથે સહકાર અને સંકલન સાધીને ચાલે, તેમજ કાર્યકરો અને નાના-મોટા નેતાઓનો વિશ્વાસ જીતી શકે એવા નેતાની પસંદગી પહેલા થતી હોય છે.
આ પણ વાંચો: 'પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી...', રાજકારણમાં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલની સ્પષ્ટતા
આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો ઉત્તર ગુજરાત અથવા સૌરાષ્ટ્રમાંથી કોઈ ઓબીસી નેતા પર પસંદગીનો કળશ ઢોળાઈ શકે છે. કારણ કે મુખ્યમંત્રી સહિતના કેટલાક મંત્રીઓ મધ્ય ગુજરાતમાંથી છે. જયારે હાલના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દક્ષિણ ગુજરાતથી છે. જયારે આ જ પ્રદેશના કેટલાક ધારાસભ્યોને મંત્રીપદ પણ અપાયા છે. એટલે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાંથી કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ નહીં બનાવવામાં આવે એ બાબત નિશ્ચિત છે. જેથી સૌરાષ્ટ્ર અથવા તો ઉત્તર ગુજરાતમાંથી જ કોઈ નેતાની પસંદગી થશે, એવું માનવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.