કવાયત /
ગુજરાતમાં ખેડૂતોને રિઝવવા ભાજપ દ્વારા શરુ કરવામાં આવશે આ અભિયાન, CM, Dy CM સહિત દિગ્ગજ નેતાઓ જોડાશે
Team VTV08:37 AM, 17 Dec 20
| Updated: 08:50 AM, 17 Dec 20
ભારતમાં હાલ ચાલી રહેલા ખેડૂત આંદોલનના આગની જ્વાળાઓ હવે ધીરે-ધીરે ગુજરાતને પણ દઝાડી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્હી પહોંચશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે રાજ્યમાં ભાજપ શાસિત સરકાર દ્વારા ખેડૂતોને રિઝવવા કવાયત હાથ ધરવામાં આવશે.
રાજ્યમાં જન જાગરણ અભિયાન શરૂ કરશે
ખેડૂતોને રિઝવવા ભાજપ દ્વારા કિસાન સંમેલન
17,18,19 ડિસેમ્બરે ભાજપ દ્વારા કિસાન સંમેલન
ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વચ્ચે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂતોને રિઝવવા જન જાગરણ અભિયાન શરુ કરવામાં આવશે. આ સાથે આગામી 17,18,19 ડિસેમ્બરના રોજ ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજવામાં આવશે.
ભાજપ દ્વારા રાજ્યમાં આગામી 10 અલગ-અલગ જગ્યાઓ કિસાન સંમેલન યોજાશે. આ સંમેલનને રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સંબોધન કરશે.
જ્યારે અન્ય જગ્યાઓ પર ભાજપના દિગ્ગજ નેતા જેવા કે મંત્રી પરસોત્તમ રુપાલા, ભુપેન્દ્રસિંહ ચૂડાસમા સહિત અન્ય નેતાઓ સંબોધન કરશે.
કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે. ગુજરાતમાંથી 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચવાની તૈયારીમાં છે. 15 દિવસમાં 10 હજાર ખેડૂતો દિલ્લી પહોંચશે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂતો તબક્કાવાર દિલ્હી પહોંચે તેવો નિર્ણય લેવાયો હતો. આ પહેલા દિલ્હી બોર્ડર પર પણ બેઠક મળી હતી.
કૃષિ કાયદાને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખે કરી હતી પત્રકાર પરિષદ
રાજ્યના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કૃષિ કાયદાને લઇને ગઇકાલે સુરતમાં પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પાટીલે કૃષિ કાયદાને લઇને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં હતા. વિપક્ષ હલકીકક્ષાનું રાજકારણ કરી રહી છે. પ્રદેશ પ્રમુખે રાજ્યમાં ભાજપ દ્વારા ખેડૂત સંમેલન યોજવામાં આવશે તે અંગેની માહિતી પણ આપી હતી.
ખેડૂત આંદોલનના નામે વિપક્ષ અંધાધુંધી ફેલાવવા માગે છે. બિલ લોકસભામાં ચર્ચા બાદ બહુમતિથી પસાર કરાયું છે. રાજ્કીય પાર્ટીએ બિલનો વિરોધ ગૃહમાં કરવો જોઇએ. કોંગ્રેસે કોઇ દિવસ ખેડૂતહિતની વાત કરી નથી, શરદ પવાર સૌથી વધુ કૃષિમંત્રી રહ્યા છે.
ભાજપ સરકારે ખેડૂતોની આવક વધે તે માટે પ્રયાસ કર્યો છે. અગાઉ ખેડૂતો APMC સિવાય બહાર માલ વેચી શકતા ન હતા. ખેડૂત કરતા વચેટીયાઓ વધુ કમાણી કરી લેતા હતા. ભાજપ સરકારે MSP શરુ કરી, પાક વીમા જેવી સુવિધાઓ ખેડૂતોને મળે છે. ખેડૂતોને અપીલ છે કે ભ્રમ ફેલાવતા લોકોથી સાવધાન રહો.