Gujarat before bypoll election Code of Conduct train inauguration by BJP
વિવાદ /
વિધાનસભા પેટાચૂંટણી પહેલા અમદાવાદ રેલવે સ્ટેશન પર બે ટ્રેનોને લીલીઝંડી અપાતા કોંગ્રેસનો વિરોધ
Team VTV07:10 PM, 15 Oct 19
| Updated: 07:53 PM, 15 Oct 19
પેટાચૂંટણી ટાણે જ અમદાવાદથી બે ટ્રેનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. આ બંને ટ્રેનનો વિસ્તાર હાલમાં અમરાઈવાડી અને બાયડમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ મામલે આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ ઉઠી રહી છે. કોંગ્રેસ આ મામલે ભાજપને ઘેરવાના મૂડમાં છે.
આચાર સંહિતાનો ભંગ કરાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
ટ્રેનના રૂટમાં બે વિધાનસભા બેઠકો અમરાઈવાડી અને બાયડ આવે
અમદાવાદથી હિંમતનગર અને વડનગરથી મહેસાણાની ટ્રેનો શરૂ કરાઇ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનના ઉદ્દઘાટનથી વિવાદ થયો છે. આચાર સંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર નવી ટ્રેનનુ ઉદ્ધઘાટન થયુ હતું. જેમાં સાંસદ કિરીટ સોલંકી, બીજલ પટેલ સહિત નેતાઓ હાજર હતાં. પરંતુ કોંગ્રેસ દ્વારા આ અંગે ભાજપ સરકારે આચારસંહિતાનો ભંગ કર્યો છે તેવા આક્ષેપ થયા છે. અમદાવાદથી હિંમતનગરની ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનના રૂટમાં બે વિધાનસભા બેઠકો અમરાઈવાડી અને બાયડ આવે છે. અમદાવાદથી હિંમતનગર અને વડનગરથી મહેસાણાની ટ્રેનો શરૂ કરવામાં આવી હતી. તેમજ કોંગ્રેસે આ અંગે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવશે.
મહેસાણા વડનગર વચ્ચે બ્રોડગેજ લાઈનનું કામ પૂરુ થતા સેવા શરૂ કરાઈ
મહેસાણાથી વડનગર વચ્ચે બ્રોડગેજ લાઇનનું કામ પૂરું થયા બાદ પોણા ત્રણ વર્ષ બાદ આજથી ફરી ટ્રેન સેવા શરૂ થઇ કરાઈ છે. બપોરે 2 વાગે મહેસાણા રેલવે સ્ટેશનથી ડેમુ ટ્રેનને લીલીઝંડી આપી રવાના કરાઇ હતી. આ ટ્રેન બુધવારથી રવિવાર સિવાયના દિવસમાં બે વખત મહેસાણાથી વડનગર અને વડનગરથી મહેસાણાના ફેરા કરશે.
રેલ મંત્રી પિયુષ ગોયેલે લીલીઝંડી બતાવી
કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયેલ આજે બપોરે 2 વાગે દિલ્હીથી નવી શરૂ થતી ટ્રેનોને વીડિયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હતો. મહેસાણા રેલવે સ્ટેશનથી સ્પેશ્યલ ડેમુ ટ્રેનને રેલવેના એડીઆરએમ દ્વારા પ્રસ્થાન કરાવાયુ હતું.
મહેસાણાના સાસંદે કરી મુસાફરી
આ ટ્રેન રંડાલા, પુદગામ, ગણેશપુરા, વિસનગર, ગુંજા થઇને 3.05 કલાકે વડનગર પહોંચી હતી વડનગરથી પરત 5 વાગે ઉપડી 6.20 કલાકે મહેસાણા આવશે. જોકે, આ સમય મંગળવાર પૂરતો રહેશે. ત્યાર બાદ નિયત સમયપત્રક મુજબ દોડશે. મિનિમમ ભાડુ રૂ.10 હોઇ મહેસાણા, વિસનગર, વડનગર સુધી રૂ.10 ટિકિટચાર્જ રહેશે તેમ રેલેવેના સૂત્રોએ કહ્યું હતું. તો બીજી તરફ આજે મહેસાણા સાસંદ દ્વારા પણ ટ્રેનમાં મુસાફરી કરાઈ હતી. ઉલ્લેખનિય છે કે, મહેસાણા-તારંગાહિલ વર્ષો પહેલા મીટરગેજ લાઇન ઉપર ટ્રેન દોડતી હતી,જે બંધ થયા પછી વડનગર,ખેરાલુ સહિતના નગરજનોએ ટ્રેન સેવા શરૂ કરવા લડત આપી હતી.