5મી માર્ચથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની છે. આ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરી દેવામાં આવી છે. આ પ્રકારનો શિક્ષણ વિભાગનો સૌથી મોટો એક્શન પ્લાન છે. જાણો આ એપ્લિકેશનથી બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કેવી રીતે અટકાવી શકાશે.
શિક્ષણ બોર્ડનો પરીક્ષાને લઇને મોટો એક્શન પ્લાન
'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તૈયાર
તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે
શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પરીક્ષાને લઇને મોટો એક્શન પ્લાન ઘડાયો છે. જેમાં આ વખતે મોબાઇલ એપ્લિકેશન ટેક્નોલોજીની પણ મદદ લેવામાં આવશે. શિક્ષણ વિભાગ સતર્ક થયું છે ત્યારે તેમણે 'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' તૈયાર કરી છે. આ એપ્લિકેશનથી સીધી નજર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ પર અને પરીક્ષાના સીલ બંધ કવર પર રહેશે.
કેવી રીતે કામ કરશે એપ્લિકેશન?
'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રના સ્થાનિક નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ દ્વારા પરીક્ષા કેન્દ્ર પહોંચતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પેપર બોક્સ લઇને નીકળેલું વાહન ક્યાં અને કેટલું અટક્યું છે તે તમામ વિગતો આ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરવામાં આવશે. આ પેપર બોક્સ ખોલતા પહેલા તેના અલગ અલગ રીતે 8 ફોટા પાડવાના રહેશે બાદમાં તેને એપ્લિકેશનમાં અપલોડ કરવાના રહેશે. સાથે વિદ્યાર્થીઓની હાજર પણ આ એપ દ્વારા પુરવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષા પૂર્ણ થયા બાદ ફરી બોક્સમાં પેક થતી ઉત્તરવહીઓના પણ બે ફોટોગ્રાફ 'પેપર બોક્સ ઓથેન્ટિકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન'માં અપલોડ કરવા ફરજીયાત કરાયું છે.
પરીક્ષા કેન્દ્ર પર ક્લાસ-1 અધિકારીઓને મુકવામાં આવશે
શિક્ષણ વિભાગ સતર્ક થઇ ગયું છે. સંવેદનશીલ પરીક્ષા કેન્દ્ર પર ક્લાસ-1 અધિકારીઓને મુકવામાં આવશે. રાજ્યમાં 935માંથી 50થી વધુ કેન્દ્ર સંવેદનશીલ છે. આ અધિકારીઓને સેન્ટર પર જરૂર મુજબ કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.