Team VTV10:41 PM, 01 Feb 23
| Updated: 10:48 PM, 01 Feb 23
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના સ્હેજમાં અટકી હતી. જેમાં અભ્યાસ દરમિયાન પ્રેમીએ પ્રપોઝ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો. જેનો ખાર રાખીએ એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ ચપ્પાના ઘા ઝીંકયા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારનો કિસ્સો
એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ ચપ્પાના ઘા ઝીંકયા
અભ્યાસકાળ દરમિયાન પ્રેમીએ પ્રપોઝ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો
ચાંદખેડામાં એક તરફી પ્રેમીએ યુવતીના ઘરે જઈ ચપ્પાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરતાં ચકચાર મચી જવા પામી છે. કોલેજમાં અભ્યાસ કરતી વખતે પ્રેમીએ પ્રપોઝ કરતાં યુવતીએ ઇનકાર કરી દીધો હતો. ચાંદખેડામાં રહેતી ર૪ વર્ષીય વિધિ (નામ બદલ્યું છે)એ પ્રેમી વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. વિધિ તેના પતિ સાથે છેલ્લા અગિયાર મહિનાથી રહે છે અને વિધિ ગાંધીનગરની ટીસીએસ કંપનીમાં પ્રોસેસ એસોસિયેટેડ તરીકે નોકરી કરે છે. વિધિએ ૧૭ ફેબ્રુઆરી, ર૦રરના રોજ યશ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. વિધિ અને યશ બંને એકલાં રહેતાં હતાં. યશ પણ વિધિની કંપનીમાં નોકરી કરે છે.
વિધીનો પતિ દૂધ લેવા જતા કર્યો હુમલો
વર્ષ ર૦૧૭થી ર૦૧૯ દરમિયાન વિધિ એચ.એલ. કોલેજમાં અભ્યાસ કરતી હતી તે સમયે સર્વેશ રાવલને ઓળખતી હતી. વિધિ અને સર્વેશ મિત્ર હતાં, જોકે તે સમયે સર્વેશે વિધિને પ્રપોઝ કર્યું હતું, જેથી વિધિએ ઇનકાર કરી દીધો હતો. ત્યાર બાદ વિધિએ સર્વેશ સાથે સંપર્ક કરવાનું બંધ કરી દીધું હતું. બે દિવસ પહેલાં વિધિ અને તેનો પતિ ઘરે હાજર હતાં ત્યારે સર્વેશ વિધિના ઘરે આવ્યો હતો. ત્યાર બાદ વિધિના પતિ દૂધ લેવા બહાર ગયા હતા.
જીવલેણ હુમલો કર્યો
આ દરમિયાન વિધિ તેના બેડરૂમમાં ગઈ હતી ત્યારે યશે એકદમ વિધિ પાસે જઈ તેના વાળ પકડી ચપ્પાના ઘા મારી દીધા હતા. યશે વિધિ પર તેના ઘરમાં જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાની કોશિશ કરી હતી. વિધિએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી જતાં યશ નાસી ગયો હતો. ત્યાર બાદ વિધિને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયાં હતાં.સારવાર દરમિયાન તેણે યશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.