આગામી ચોમાસામાં મેગાસિટી અમદાવાદને 'ગ્રીન અમદાવાદ' બનાવવા માટે ફરીથી એક વખત મ્યુનિસિપલ સત્તાવાળાઓએ કમર કસી છે. શહેરમાં ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હોઈ દર ચોમાસાના વૃક્ષારોપણ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તો પ્રોજેક્ટો માટે આડેધડ વૃક્ષ કપાઈ રહ્યા છે.
ગત ચોમાસામાં શહેરમાં ૧.૨૫ લાખથી વધુ રોપા વવાયાનો તંત્રનો દાવો છે. બીજી તરફ છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં વૃક્ષની ગણતરી કરાઈ નથી. જેના કારણે લીલા વૃક્ષોનો આડેધડ નિકંદન કે વૃક્ષા રોપણ બાદ પણ ખરેખર વૃક્ષની સંખ્યા વધી કે ઘટી અને જો વધી તો કેટલી વધી તેનો વાસ્તવિક આંકડો જ તંત્ર પાસે નથી. રાજ્યના વનવિભાગ દ્વારા વૃક્ષગણતરી કરાતી હોઈ આગામી ચોમાસામાં વિશ્વજનક દશ લાખ નાના-મોટા રોપા વાવીને પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તો વૃક્ષથી ખરેખર સંખ્યાના મામલે અંધારામાં જ રહેશે.
મ્યુનિસિપલ સત્તાધિશોએ આગામી ચોમાસામાં પહેલી વખત દશથી બાર ફૂટ ઊંચા વૃક્ષના પાંચ લાખ મોટા રોપા વાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે પાંચ લાખ નાના રોપા વવાશે એટલે કે શહેરમાં કુલ દશ લાખ નાના મોટા રોપાની વાવણીનો વિક્રમ સર્જાશે. દરેક વોર્ડમાં અર્બન ફોરેસ્ટ બનાવાશે. આ માટે જાપાનની ખાસ મીયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરાશે. કોર્પોરેટ કંપનીઓએ પણ ગ્રીન અમદાવાદના સંકલ્પ હેઠળ ફરજિયાતપણે વૃક્ષારોપણ કરવું પડશે. જે તંત્રના વર્ષો જુના વૃક્ષારોપણના મામલે નવો અભિગમ બનશે. આની સાથે સાથે શહેરના કુલ વૃક્ષની સંખ્યા બાબતે પણ પ્રશ્નો પુછાઈ રહ્યા છે.
અમદાવાદમાં છેલ્લે વન વિભાગ દ્વારા વૃક્ષ ૨૦૧૨માં વૃક્ષોની ગણતરી હાથ ધરાઈ હતી તે વખતે શહેરમાં કુલ ૬,૧૮,૦૪૮ વૃક્ષ નોંધાયા હતા જે પૈકી મુખ્ય વૃક્ષોમાં લીમડાના સૌથી વધુ ૧,૪૨૭૬૮ વૃક્ષ, આસોપાલવના ૭૦,૫૫૦ વૃક્ષ, પીપળાના ૨૦,૧૭૭ અને વડના ૯,૮૭૦ વૃક્ષ હતા. વૃક્ષ ૨૦૧૨ની વસ્તી ગણતરી વખતે શહેરમાં ૪.૬૬ ટકા ગ્રીનરી હતી. જેમાં સાત વર્ષમાં મામુલી વધારો થઈને ગ્રીનરી ૫.૨૫ ટકા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલે કે વૃક્ષારોપણ પાછળ લાખો કરોડો રૂપિયાનું આંધણ કરાયા બાદ પણ અમદાવાદની ગ્રીનરી રાજ્યના વડોદરા, રાજકોટ અને ભાવનગર શહેર કરતા પણ ઓછી છે.
એક સમય છોડમાં રણછોડનો નારો લગાડનાર તંત્રની બલિહારીથી છેલ્લા પાંચ વર્ષના ગાળામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર મંજુરીથી કુલ ૪૦૪૮ લીલાછમ વૃક્ષોનો ખુંદડો બોલાઈ ગયો છે. બિનસત્તાવાર આંક તો હજારો વૃક્ષોનો હોઈ શકે છે. શહેરમાં જે રીતે લીલાછમ વૃક્ષનું વિવિધ પ્રોજેક્ટ કે અન્ય કારણસર નિકંદન બોલાઈ રહ્યું છે તેના કારણે હાલની કાળઝાળ ગરમીમાં અમદાવાદીઓને કેટલાક વિસ્તારમાં સમખાવા પુરતો એક વૃક્ષનો છાંયડો પણ મળતો નથી.
શહેરમાં વૃક્ષોની વાસ્તવિક સંખ્યા બાબતે મ્યુનિસિપલ સત્તાવાળાઓએ લાચારી વ્યક્ત કરી છે. તંત્ર પાસે વન વિભાગ દ્વારા છેક વર્ષ ૨૦૧૨માં હાથ ધરાયેલી વૃક્ષની ગણતરીના જ આંકડા છે. સાત વર્ષ જુના આ આંકડાની વિગત તપાસતા પશ્ચિમ ઝોનમાં ૮૪૦૩૫ વૃક્ષ, ઉત્તર ઝોનમાં ૬૦,૬૭૭, દક્ષિણ ઝોનમાં ૮૯,૮૬૩, નવા પશ્ચિમ ઝોનમાં ૮૪,૧૮૯, વન વિભાગની જમીનમાં ૧,૭૪,૯૭૯ અને ૨૪૦ મ્યુનિસિપલ બાગ બગીચામાં ૨૫,૨૯૦ વૃક્ષ નોંધાયા હતા. આ ઝોન દીઠ આંકડામાં છેલ્લા સાત વર્ષમાં ઘણો ફેરફાર થયો છે. જોકે મ્યુનિસિપલ તંત્ર પાસે રાજ્યનાં વન વિભાગને શહેરના વૃક્ષની ગણતરી હાથ ધરવા લેખિતમાં માંગણી કરાઈ છે, પરંતુ હજુ સુધી વન વિભાગના પેટનું પાણી હાલ્યું નથી તે ચોંકાવનારી હકીકત છે.
૨૦૧૨ની ગણતરી મુજબ વૃક્ષની સંખ્યા
ઝોન સંખ્યા
પશ્ચિમ ૮૪,૦૩૫
નવા પશ્ચિમ ૮૪,૧૮૯
પૂર્વ ૭૫,૪૯૭
ઉત્તર ૬૦,૬૭૭
દક્ષિણ ૮૯,૮૬૩
મધ્ય ૨૩૫૧૮
વન વિભાગ ૧,૭૪,૯૭૯
બગીચા ૨૫,૨૯૦
કુલ ૬,૧૮,૦૪૮