ભારત લૉકડાઉનમાંથી અનલૉક તરફ આગળ વધી રહ્યું છે. બધુ ફરીથી રાબેતા મુજબ થવા જઈ રહ્યું છે ત્યારે હવે 8 જૂનથી સરકારે નોન કનેઇન્મેન્ટ ઝોનમાં ધાર્મિક સ્થળો ખુલ્લા રાખવાની મંજૂરી આપી દીધી છે. જોકે, સરકારે સશર્ત મંજૂરી આપી છે. જેથી મંદિરો ખોલતા પહેલા તેને સેનેટાઇઝ કરવા પડશે. ભાવિકોએ પણ સોશિયલ ડિસ્ટંસિંગ જાળવીને નિયમો પાળીને દર્શન કરવાના રહેશે. ત્યારે મંદિરો દ્વારા પણ આરોગ્ય સુરક્ષાને લગતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના પણ આ પ્રસિદ્ધ મંદિરો ખુલશે.
સોમનાથ મંદિર 8 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે
BAPS સ્વામિનારાયણ સંસ્થાના તમામ મંદિરો 15 જુન સુધી નહીં ખૂલે
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર 8 જૂનથી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય મંદીરોને પણ ખુલ્લા મુકાશે. ભાલકાતીર્થ, રામમંદિર, અહલ્યાબાઇ મંદિરના દ્વાર પણ ખુલશે. તો આ તરફ ભીડીયા ભીડભંજન મંદિર, ગીતામંદિર સહીતના મંદિરો પણ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના માર્ગદર્શનથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જાણો સમયપત્રક
સવારે 7:30 થી 11:30 કલાકે અને બોપોરે 12:30થી સાંજે 6:30 કલાક સુધી મંદીર ખુલશે. સોશિયલ ડિસ્ટંસ જાળવવા માટે આરતીમાં કોઇને ઉભા રહેવા દેવામાં આવે નહિં. મંદિરમાં પ્રવેશ કરતા ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે. મંદિર અને વહીવટીતંત્રના તમામ સૂચનોનું ભક્તોએ પાલન કરવુ પડશે.
BAPS મંદિરો આગામી 15 જૂન સુધી નહીં ખુલે
બોચાસણવાસી અક્ષર પુરુસોતમ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા હજુ મંદિરો ખોલવામાં આવશે નહીં. દેશભરમાં 15 જુન સુધી BAPS સંસ્થાના મંદિરો ખુલશે નહીં. જાહેર સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 જુન સુધીની સ્થિતિને લઈ આગામી નિર્ણય લેવામાં આવશે. દર્શનાર્થીઓના સાર્વજનિક સ્વાસ્થ્ય અને મંદિરની વ્યવસ્થાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.