મકરસંક્રાતિના ઉત્સાહની સાથે સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે વાતાવરણ કેવું રહેશે એમાંય પવન કેવો રહેશે. કેમકે આ આખા તહેવારનો આધાર પવન પર જ રહેલો છે. ઉત્તરાયણ પહેલા પતંગરસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે.
ઉત્તરાયણને લઇ પતંગ રસિકો માટે ખુશખબર
આવતીકાલે ઉતરાયણના તહેવાર પર પવન સારો રહેશે
પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાક રહેશે
પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે
ઉત્તરાયણનો તહેવાર કેવો રહેશે તેનો આધાર પવનની ગતિ પરથી નક્કી થાય છે. જો પવન સારો તો ઉત્તરાયણ સારી પરંતુ જો પવન જ ન હોય તો ઠુમકા મારી મારીને હાથ દુખાડવાનો વારો આવે છે. જોકે, આ વર્ષે તમારે બહુ ઠુમકા નહીં મારવા પડે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આવતીકાલે ઉત્તરાયણ પર પવન સારો રહેશે.
ઠુમકા ન મારતા ઢીલ જવા દેજો
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આવતીકાલે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ રસિયાઓએ ઠુમકા નહીં મારવા પડે. સડસડાટ પતંગ ચગી જશે. આવતીકાલે ઉતરાયણના તહેવાર પર ઉતર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાશે. જેથી ઉત્તરાયણના દિવસે પુરતા પ્રમાણમાં પવન રહેતા પતંગ ચગાવવામાં તકલીફ નહી પડે. જોકે, બપોરના સમયે પવનની ગતિ થોડી ઓછી થઈ શકે છે.
પણ સ્વેટર પહેરવાનું ન ભૂલતા
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હિમાલય તરફથી ફૂંકાતા ઠંડા પવનોથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. 14 અને 15 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ઠંડીમાં વધારો થઈ શકે છે. મહત્વનું છે કે, અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10થી 12 ડિગ્રી નોંધાઈ શકે છે. ફિરકી અને પતંગ સાથે ગોગલ્સ અને ટોપી પહેરીને ધાબે ચઢી જજો પરંતુ સ્વેટર લેવાનું ન ભૂલતા.
કરુણા અભિયાન શરૂ
ઉત્તરાયણનો તહેવાર આવે એટલે મુક્ત મને આકાશમાં વિહાર કરતા પંખીઓ માટે જોખમી દિવસ. કારણ કે પતંગ રસિયાઓ બે દિવસ તો ધાબેથી ઉતરવાના જ નથી. આ દિવસોમાં પક્ષીઓ વધુ પ્રમાણમાં દોરી વાગવાથી ઘાયલ થાય છે. જેને લઇને સમગ્ર રાજ્યમાં 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં પશુ-પક્ષીઓના જીવ બચાવી શકાય.
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, આગામી તારીખ 20 જાન્યુઆરી સુધી કાર્યરત આ કરૂણા અભિયાન 2023 દરમિયાન દરરોજ સવારે 07:00 કલાકથી સાંજે 06:00 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલ રૂપ કાર્યરત કરાશે એટલું જ નહી, 33 જિલ્લાઓમાં 333 એન.જી.ઓ. આ સેવાયજ્ઞમાં જોડાઈ છે. ચાલુ વર્ષે રાજ્યમાં 865થી વધારે પક્ષી નિદાન કેન્દ્ર, 750થી વધારે ડોક્ટર તથા 8 હજારથી વધારે સ્વયંસેવકો કાર્યરત રહીને પક્ષી બચાવવાનું કામ કરી રહ્યા છે. આ માટે જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગત વોટ્સએપ નંબર 8320002000 ઉપરથી મેળવી શકાશે.
આ સમયે પતંગ ન ઉડાવવાની ઋષિકેશ પટેલે કરી હતી અપીલ
આ અભિયાનમાં સૌને સહભાગી થવા તેમજ સવારે 09:00 વાગ્યા પહેલા અને સાંજે 05:00 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરી હતી.