બિપોરજોય ચક્રવાત દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું એ દરમિયાન 707 મહિલાઓએ તોફાન દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો.
બિપોરજોય ભારતના ઈતિહાસમાં સૌથી લાંબુ ચાલતું તોફાન
ગુરુવારે તોફાન ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું
તોફાનની અસર હેઠળ 700 થી વધુ બાળકોનો જન્મ થયો
ચક્રવાત બિપોરજોય ભારતના ઈતિહાસમાં સૌથી લાંબુ ચાલતું તોફાન હતું. નોંધનીય છે કે ગુરુવારે તોફાન ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું. હાલ આ તોફાન ગુજરાતમાં તબાહી મચાવીને રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. આ ચક્રવાત દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું હતું અને બચાવ હેઠળ ત્રણેય પાંખ અને સરકાર સચેત હતા. એવામાં ચક્રવાત આવે તે પહેલા દરિયાકિનારા પાસે રહેતા લોકોને એમ જ સગર્ભા મહિલાઓ સહિત સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 17, 2023
એક સત્તાવાર નિવેદન અનુસાર બિપોરજોય દરમિયાન 700 થી વધુ બાળકોનો જન્મ થયો હતો. ચક્રવાતને કારણે જીવન અને સંપત્તિના ભારે નુકસાનની ધારણા સાથે, સરકારે 1,152 સગર્ભા સ્ત્રીઓ સહિત લગભગ એક લાખ લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાંથી 707 મહિલાઓએ સફળતાપૂર્વક જન્મ આપ્યો હતો.
700 થી વધુ બાળકોનો જન્મ થયો
સરકારી નિવેદન મુજબ કચ્છ જિલ્લામાં આશરે 348, રાજકોટમાં 100, દેવભૂમિ દ્વારકામાં 93, ગીર સોમનાથમાં 69, પોરબંદરમાં 30, જૂનાગઢમાં 25, જામનગરમાં 17, રાજકોટ મહાનગરપાલિકામાં 12, જૂનાગઢ મહાનગરપાલિકામાં આઠ, જામનગર મહાનગરપાલિકામાં ચાર અને મોરબીમાં એક બાળકનો જન્મ થયો હતો.
કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ થયું હતું
જણાવી દઈએ કે ચક્રવાત ગુરુવારે ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદર પર લેન્ડફોલ થયું હતું. ચક્રવાતના લેન્ડફોલ પછી, ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અવિરત વરસાદ અને 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન વિભાગે શનિવારે સવાર સુધી જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.આ વિસ્તારોમાં એક-બે જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રવિવાર સવાર સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
યુદ્ધના ધોરણે કામગીરી
કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં વીજળી પુનઃસ્થાપિત કરવા માટે 1,127 જેટલી ટીમો કાર્યરત છે. વન વિભાગની ટીમોએ રસ્તા પરથી પડી ગયેલા 581 વૃક્ષોને દૂર કર્યા છે. ચક્રવાતને કારણે લગભગ એક હજાર ગામોનો વીજ પુરવઠો પ્રભાવિત થયો છે. આવી સ્થિતિમાં સરકાર સામે પડકાર વધી ગયો છે. ગામડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા અને રસ્તાઓ પર પડેલા વૃક્ષોને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
એક લાખથી વધુ લોકો આશ્રયસ્થાનોમાં છે
અગાઉ આલોક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચક્રવાત સંબંધિત કોઈપણ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમણે તેને સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 1,09,000 લોકોને અસ્થાયી આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા છે. તેમાંથી 10,918 બાળકો, 5,070 વરિષ્ઠ નાગરિકો અને 1,152 ગર્ભવતી મહિલાઓ છે.