કોરોના વાઇરસના કારણે શેરબજારમાં જ્યારે ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે અનેે મૂડીબજારમાં અનિશ્ચિતતાના વાદળો ઘેરાયેલાં છે ત્યારે લોકો હવે સુરિક્ષત અને સલામત રોકાણ તરફ જઇ રહ્યા છે ત્યારે તેમને હવે સોનું રોકાણનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ તરીકે દેખાઇ રહ્યું છે. આજ કારણસર આજે કોરોના મહામારીના સમયમાં પણ સોનાની ચમક અકબંધ જોવા મળી રહી છે. બુલિયન બજારનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આજના દોરમાં સોનાની ખરીદીથી અત્યંત ફાયદાનો સોદો પુરવાર થઇ શકે છે. કારણ કે એક અનુમાન અનુસાર આગામી બે વર્ષના સમયગાળામાં સોનાના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૬૮,૦૦૦ સુધી પહોંચી શકે છે. હાલ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.પ૦,૦૦૦ની આસપાસ છે આમ આજ કાલ સોનું ખરીદવા માટે સોનેરી તક છે.
એન્જલ બ્રોકિંગના અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવમાં તેેજીનો ટ્રેન્ડ આગામી સમયમાં અકબંધ જળવાઇ રહેશે. ભૂ-રાજકીય તંગદિલી અને આઇએમએફ દ્વારા જીડીપીમાં ઘટાડા અંગે થઇ રહેલી નિરાશાજનક જાહેરાતો સોનાના ભાવને હજુ વધુ નવી ઊંચાઇએ લઇ જશે.
આઇએમએફએ તાજેતરમાં એવું જણાવ્યું હતું કે કોરોના વાઇરસ મહામારીના કારણે જબરદસ્ત મંદી આવશે અને તેની રિકવરી અત્યંત ધીમી રહેશે. આઇએમએફના અનુમાન અનુસાર ગ્લોબલ આઉટપુટ ૪.૯ ટકા સુધી ઘટી જશે અને વિકાસશીલ દેશોમાં વિકાસ દર ત્રણ ટકા જેટલો ઘટી જશે.
બીજી બાજુ આજ કાલ લદ્દાખમાં જ્યારે ભારત અને ચીનની સેના આમને સામને આવી ગઇ છે અને બંને દેશો વચ્ચે મિની યુદ્ધના ભણકાર વાગી રહ્યા છે ત્યારે રોકાણકારો પોતાના નાણાં એવી જગ્યાએ રોકવા માગે છે જે સલામત હોય અને આ માટે સોનું આજ કાલ રોકાણનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે.
અનુજ ગુપ્તાના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવ આગામી એક-બે મહિનામાં જ રૂ.પ૦,૦૦૦થી પ૧,૦૦૦ની સપાટીને વટાવી જશે. મોતીલાલ ઓસવાલ ફાઇનાન્શિયલ સર્વિસીઝના કોમોડિટી અને કરન્સીના વડા અને એસોસીએટ ડાયરેકટર કિશોર નાને જણાવે છે કે સોનાની કિંમત આગામી ૧૮-ર૪ મહિનામાં રૂ.૬પ,૦૦૦થી ૬૮,૦૦૦ની સપાટીને આંબી જશે.
કોરોના વાઇરસ સંકટને લઇને શેરબજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે મે મહિનામાં ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફંડમાં રૂ.૮૧પ કરોડનું રોકાણ થયું હતું. તેનું કારણ એ છે કે રોકાણકારો હવે રોકાણ માટે સુરિક્ષત વિકલ્પની ખોજમાં છે. ઓગસ્ટ ર૦૧૯થી ગોલ્ડ ઇટીએફમાં કુલ રૂ.૩ર૯૯ કરોડનું રોકાણ આવ્યું છે.
એસોસીએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડસ ઇન ઇન્ડિયાના તાજેતરના આંકડા અનુસાર મે મહિનામાં ગોલ્ડ ઇટીએફમાં નેટ રોકાણ રૂ.૮૧પ કરોડનું રહ્યું હતું. એપ્રિલમાં તેમાં રૂ.૭૩૧ કરોડનું રોકાણ આવ્યું હતું. જોકે માર્ચમાં તેમાંથી રૂ.૧૯પ કરોડનો ઉપાડ થયો હતો. આ અગાઉ ફેબ્રુઆરીમાં તેમાં રૂ.૧૪૮૩ કરોડ અને જાન્યુઆરીમાં રૂ.ર૦ર કરોડનું રોકાણ આવ્યું હતું.